છેલ્લા દાયકાનો સૌથી સૂકો જૂન મહિનો: ગરમી-બફારા વચ્ચે ચોમાસું ધીમું પડ્યું...
નવી દિલ્હીઃ દેશભરમાં મેઘરાજાના આગમનની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર મુંબઈ, મહારાષ્ટ્ર, યુપી સહિત અન્ય રાજ્યોમાં ચોમાસું બેઠું નથી. ચોમાસાના આગમન વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે કે બે અઠવાડિયા પછી પણ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેમાંય ભારતમાં ચોમાસાની શરુઆત નબળી થવાની સાથે અત્યાર સુધીમાં વરસાદ સામાન્યથી લગભગ 40 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ પણ કહે છે કે અલ નીનોને કારણે જુલાઈ-ઓગસ્ટમાં પણ ઓછોૌ વરસાદ થઈ શકે છે.
નૈઋત્યનું ચોમાસું આ વર્ષે કેરળથી શરૂ તો થયું પણ ગોવા-મહારાષ્ટ્ર સુધી પહોંચવામાં ઘણો લાંબો સમય વીતી ગયો છે. આ જ ચોમાસાની સિસ્ટમ આ વખતે પૂર્વોત્તરના રાજ્યમાં ફંટાઈ ગઈ છે. જુન મહિનાનું ત્રીજું અઠવાડિયું સામાન્ય રીતે વરસાદની એન્ટ્રીનું માનવામાં આવે છે. પણ આ વર્ષે જૂન મહિનાનું ત્રીજુ અઠવાડિયું પણ તાપ અને ગરમીના માહોલથી યથાવત રહ્યું છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આ વર્ષે 42 ટકા વરસાદ ઓછો પડે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

હવે શું અસર થશે?
આજની મળેલી સેટેલાઈટ સિસ્ટમ પરથી એ વાત સામે આવી છે કે, ચોમાસાને લઈને સ્થિતિ સામાન્ય થવી મુશ્કેલ છે. ભારતમાં આ વર્ષે વરસાદની ગતિ ખૂબ જ ધીમી પડી ગઈ છે. હવામાન નિષ્ણાંતો જણાવે છે કે, અલ નીનોનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. આ કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતા પણ ઓછો થવાનો છે, જેની સીધી અસર ખેતી, જળસંગ્રહ, ખાદ્ય ઉત્પાદન તથા સમગ્ર અર્થવ્યવસ્થા પર થશે. હાલ મોટા ભાગના દેશવાસીઓની નજર નૈઋત્યના ચોમાસા પર છે. જૂન મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ચોમાસું મુંબઈને પણ કવર કરી શક્યું નથી. જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સામાન્ય કરતા પણ ઓછો વરસાદ થયો છે.

ધીમી પડેલી સિસ્ટમ જવાબદાર
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આ વર્ષે 40 ટકા વરસાદ ઓછો થવાનો છે. અલનીનીની અસરને કારણે મોનસૂનની સિસ્ટમ ધીમી પડી રહી છે. આ જ સ્થિતિ જુલાઈ અને ઓગસ્ટ સુધી રહેશે તો પરિસ્થિતિ ગંભીર ઊભી થશે. ભારતમાં જુનથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયા સુધી ચોમાસું સીઝન રહે છે. એ પછી થોડો સમય ગરમી પડ્યા બાદ શિયાળો બેસે છે. દેશના કરોડો ખેડૂતોનો ચોમાસાનો આધાર નૈઋત્યના ચોમાસા પર હોય છે. કપાસથી લઈને શેરડી સુધી અને સોયાબીનથી લઈને જીરૂ સુધીના પાકને આ જ ચોમાસું સૌથી વધારે અસર કરે છે. પણ આ વર્ષે પૂરતો વરસાદ થાય એવા એંધાણ નથી. આ કારણે અત્યારથી ખેતરમાં અસર દેખાવા લાગી છે.

પરિસ્થિતિ ચિંતાજનક કેમ?
દિલ્હીના હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નૈઋત્યના ચોમાસાની નબળી પડેલી સ્થિતિ ચિંતાજનક છે. ગતિમાં ઘટાડો થતા ચોમાસું ગોવાના કેટલાક પ્રાંત સુધી આવીને અટકી ગયું છે. આવનારા ત્રણથી ચાર અઠવાડિયા મહત્ત્વના સાબિત થશે. સિસ્ટમ તૈયાર થશે એ ગતિથી સાથે આગળ વધશે તો મોટો ફાયદો થશે. વેધરમેપમાં વરસાદ પર થયેલા એક અભ્યાસના રિપોર્ટમાંથી એ વાત સામે આવી છે કે,ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં જરૂરિયાત કરતા વધારે વરસાદ પડ્યો છે. અહીંયા હાલાત સામાન્ય થાય એવી સ્થિતિ મુશ્કેલભરી એટલા માટે છે, કારણ કે, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી વાદળોનો જમાવડો જોવા મળ્યો છે.
ગરમી-બફારો હજુ રહેશે
મધ્ય ભારત, ગુજરાત, મહારાષ્ટ્રમાં મોનસૂનના વાદળો જોવા મળ્યા નથી. અરબ સાગર પર તૈયાર થનારી સિસ્ટમ નબળી પડી ગઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારમાં તથા પૂર્વોત્તરના રાજ્યમાં વરસાદી વાદળ ઘેરી વળ્યા છે. દેશા પશ્ચિમ પ્રાંતમાં જુન મહિનાના ત્રણ અઠવાડિયા પૂરા થયા હોવા છતા વરસાદ જોઈએ એવો પડ્યો નથી. અરબ સાગર, બંગાળની ખાડી અને ગોવાના કિનારાના પ્રદેશથી વરસાદી સિસ્ટમ તથા વાદળો ગતિ સાથે આગળ વધે અનિવાર્ય છે. સેટેલાઈટ રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં હજુ સુધી કોઈ મોનસૂન મુવમેન્ટ જોવા મળી નથી. આ કારણે હજું ત્રણથી ચાર અઠવાડિયા સુધી ગરમી અને બફારો પરેશાન કરી શકે છે.
દાયકાનો સૌથી સુકો મહિનો
મુંબઈનો વરસાદ આમ તો એક આઈકોનિક માનવામાં આવે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, દરિયો, વાદળો અને એ વચ્ચે જનજીવનનો ટર્નિંગ પોઈન્ટ. પણ આ વખતે સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાએ ખેડૂતોને નિરાશ કર્યા છે. છેલ્લા દસ વર્ષમાં સૌથી સુકો જુન મહિનો મુંબઈ માટે રહ્યો છે. અધિકારીઓ વૈક્લ્પિક પાણીના સ્ત્રોતની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સપ્લાય માટે વ્યવસ્થાઓ થઈ રહી છે.
હવામાન નિષ્ણાંતો જણાવે છે કે, મોનસૂનની સિસ્ટમમાં આ વખતે ખાસ કોઈ પ્રેશર દેખાતું નથી. પવન ફૂંકાઈ રહ્યો છે પણ જે વેગ વાદળોને ખેંચવા માટે જોઈએ એ નથી. ભેજવાળા પવનો અંદરના વિસ્તાર સુધી પહોંચતા નથી એ કારણે સિસ્ટમ નબળી પડી છે.