ગાંધીનગર: દેશના પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ રાજય સરકાર પણ એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને ઇંધણ બચાવવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં લોકોની સુવિધા માટે મેટ્રોનો સમય રાત્રે 11.00 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી હતી.
રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા આ મુજબ છે.
- સરકારી કામકાજ માટે પ્રવાસનું આયોજન માત્ર જરૂરિયાત મુજબ જ કરવાનું રહેશે.
- અધિકારીઓએ પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ, ટેલિફોન અને ઈ-મેઈલ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.
- અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠક યોજવાની રહેશે.
- અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાવા તાકીદ કરવામાં આવી છે.
- અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ કે વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો અને પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાનું રહેશે.
- જો રાજ્ય બહારનો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ જરૂરી ન હોય તેવા સ્ટાફને સાથે ન રાખવા સૂચના અપાઈ છે.
- શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીને જાણ કરવી.
- સરકારી અધિકારી/કર્મચારીઓના પ્રવાસો ઉપર યોગ્ય નિયંત્રણો રાખવા ઉપરાંત, દરેક વહીવટી વિભાગ અને તેની હેઠળનાં તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાનાં વાહનો બિનવપરાશમાં મૂકવાના રહેશે.
- જો કોઈ અધિકારી એકથી વધુ હવાલો સંભાળતા હોય, તો તેમણે એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો 'સરકારી વાહન પુલ'માં જમા કરાવવાના રહેશે.
- જે અધિકારીઓ પાસે સરકારી વાહનના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેમણે EV અથવા હાઈબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
- અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓ વાપરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEsને અગ્રતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસિ મજબૂત કરાશે.
- સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણના કાર્યક્રમોમાં 'વર્ચુઅલ પદ્ધતિ'નો આગ્રહ રાખવા સૂચના અપાઈ છે.
- આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઈપ્ડ ગેસ કનેક્ટિવિટી (PNG) ફરજિયાત બનાવવામાં આવશે.
- બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ
રાજ્યના પ્રવક્તા મંત્રીએ નાગરિકોને કોઈપણ પ્રકારના ગભરાટમાં ન આવવા અને સંશાધનોની બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા ભાવભરી વિનંતી કરી હતી. સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને લેવાયેલા આ નિર્ણયો દ્વારા રાજ્ય સરકાર પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશમાં મોટો ઘટાડો કરી પર્યાવરણ અને સરકારી તિજોરી બંનેની સુરક્ષા માટે કટિબદ્ધ છે.