Mon Aug 31 2026

Logo

ગુજરાતમાં ફૂડ વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ: 2527 એકમોમાં તપાસ, 18 પેઢીઓ સીલ કરાઇ

2026-04-09 19:54:13
Author: Devayat Khatana
ગુજરાતમાં ફૂડ વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ: 2527 એકમોમાં તપાસ, 18 પેઢીઓ સીલ કરાઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા જેવા એકમોમાં પનીર અને ચીઝની ગુણવત્તા તપાસવી, સાચી ઓળખ સુનિશ્ચિત કરવી અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો હતો. આ ડ્રાઇવ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ કુલ 2527 એકમોની તપાસ કરી હતી, જેમાંથી નિયમોના ઉલ્લંઘન બદલ 270 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 18 પેઢીઓને સીલ અથવા બંધ કરાવવામાં આવી હતી.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીમાં કુલ 703 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 2,84,300 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન કુલ 95 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે ફૂડ સેફ્ટી વાન દ્વારા 679 નમૂનાઓનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દ્વારા "એનાલોગ પનીર" એ નકલી પનીર નથી પરંતુ ડેરી પનીરનો એક વિકલ્પ છે તેવી સમજણ પણ વિકસાવવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ ઉત્પાદક પેઢીઓ અને વિક્રેતાઓને ત્યાં પનીર કે એનાલોગના વેચાણ અંગે સઘન તપાસ અને કડક અમલવારી ચાલુ રાખવામાં આવશે.