નવી દિલ્હીઃ ગત મે મહિનામાં પ્રબળ માગ, નવાં ઓર્ડરમાં વધારો અને હાલના બિઝનૅરમાં વૃદ્ધિ જળવાઈ રહેતાં ગત મે મહિનામાં સર્વિસીસ ક્ષેત્રે વૃદ્ધિ છ મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાનું એક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.
ગત મે મહિનામાં સિઝનલી એડજસ્ટેડ એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનૅસ એક્ટિવિટી ઈન્ડેક્સ આગલા એપ્રિલ મહિનાના 58.8 સામે વધીને ગત નવેમ્બર પછીની ઊંચી 59.8ની સપાટીએ રહ્યો હતો.
એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનૅસ એક્ટિવિટી ઈન્ડેક્સનો આધાર માત્ર એક જ પ્રશ્ન પર આધારિત હોય છે અને પૂછવામાં આવે છે કે વ્યવસાયિક પ્રવૃત્તિનું સ્તર આગલા મહિનાની સરખામણીમાં કેવું રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે 50ની ઉપરનો આંક વિસ્તરણનો અને 50ની નીચેનો આંક ઘટાડાનો સંકેત આપતો હોય છે.
એચએસબીસીના ચીફ ઈન્ડિયા ઈકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે ગત મે મહિનામાં નવાં બિઝનૅસમાં વધારો, એપ્રિલ મહિનાના ઘટાડા પશ્ચાત ભારતીય સર્વિસીસની દરિયાપારની માગમાં ઝડપી વૃદ્ધિ ઉપરાંત ઈનપૂટ ખર્ચના ફુગાવાલક્ષી દબાણમાં ઘટાડો થવાને કારણે વેચાણલક્ષી ભાવ પરનું દબાણ હળવું થવાથી સર્વિસીસ આંકના સુધારાને ટેકો મળ્યો હતો.
વધુમાં ફ્રેઈટ, ડિજિટલ સોલ્યુશન, ઈ-કોમર્સ, એન્ટરટેઈન્મેન્ટ અને આઈટી જેવાં ક્ષેત્રોમાં મજબૂત માગ સાથે નવાં ઓર્ડરોમાં થયેલા વધારાને કારણે કંપનીઓની પ્રવૃત્તિમાં વધારો થયો હતો અને રોજગારોની સંખ્યામાં પણ વધારો થયો હતો. જોકે, બાહ્ય માગનો વૃદ્ધિદર વર્ષ 2025ની સરેરાશ કરતાં ઓછો રહ્યો હોવાનું સર્વેક્ષણમાં જણાવતાં ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઓર્ડરનું વિસ્તારણ વધુ મજબૂત ન હોવા છતાં ઑસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, હૉંગકૉંગ, મલયેશિયા, યુએઈ અને યુકેના ઓર્ડરમાં વધારો થયો હતો.
દરમિયાન ગત મે મહિનાનો ઉત્પાદનનો અને સર્વિસીસ પીએમઆઈનો સંયુક્તાંક આગલા એપ્રિલ મહિનાના 58.2 સામે વધીને 59.3ની સપાટીએ રહ્યો હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
Gemini Ai Generated Image