નાશિક: દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા ‘ગૉડમૅન’ અશોક ખરાતને સુરક્ષાનાં કારણોસર બુધવારે કોર્ટમાં લવાયો નહોતો. વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી કોર્ટે તેને દુષ્કર્મના બીજા કેસમાં પણ 14 દિવસની અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં ખરાતે ધાર્મિક વિધિને બહાને 2020થી મહિલાનું જાતીય શોષણ કર્યું હતું.
અશોક ખરાત વિરુદ્ધના કેસોની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) દુષ્કર્મના બીજા કેસમાં પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી બુધવારે ખરાતને ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એન. ઈચપુરાની સમક્ષ હાજર કર્યો હતો. સુરક્ષાનાં કારણોસર તેને કોર્ટમાં લવાયો નહોતો. પરિણામે કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે ખરાતને તેનું નામ પૂછ્યું હતું. ખરાતે અદબ વાળીને નામ કહ્યું હતું. એસઆઈટીએ રિમાન્ડ રિપોર્ટ રજૂ કરીને ખરાતને અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાની વિનંતી કરી હતી. કોર્ટે 21 એપ્રિલ સુધીની ન્યાયિક કસ્ટડી ફટકારી હતી. ખરાતને નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.
35 વર્ષની મહિલાએ સરકારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ 17 માર્ચે પોલીસે ખરાતની ધરપકડ કરી હતી.બીજા કેસમાં લગ્ન ગોઠવી આપવા માટે એક સગાની સલાહથી 2013માં મહિલા ખરાતના સંપર્કમાં આવી હતી. મહિલાનાં લગ્ન પછી પણ ખરાત તેના સંપર્કમાં હતો. બાદમાં પરિવારની સમસ્યાઓનું નિરાકરણ કરી આપવાને બહાને ખરાતે તેનું જાતીય શોષણ કર્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
લગ્ન બાદ બે સંતાનની માતા એવી મહિલા ઘરેલું વિવાદને કારણે પતિથી અલગ રહેવા લાગી હતી. લગ્નજીવન અને ભવિષ્યની ચર્ચા માટે મહિલા ફરી ખરાતના સંપર્કમાં આવી હતી. આ તકનો લાભ ઉઠાવી ખરાતે મહિલાનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું હતું. ખરાત મહિલાને પોતાની ઑફિસમાં બોલાવી ધાર્મિક વિધિને બહાને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. મહિલા ગર્ભવતી હોવાની જાણ થતાં ગોળીઓ આપીને તેને ગર્ભપાતની ફરજ પડાઈ હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ખરાત 2020થી મહિલાનું જાતીય શોષણ કરતો હતો અને વિરોધ કરશે તો મહિલા અને તેનાં સંતાનોને ખતમ કરાવી દેવાની ધમકી આપતો હતો. ખરાત વિરુદ્ધ પહેલો ગુનો નોંધાતાં જ હિંમત ભેગી કરીને મહિલાએ 21 માર્ચે પોલીસ ફરિયાદ કરી હતી. (પીટીઆઈ)