Mon Aug 17 2026

Logo

જર્મનીના લીપઝિગ એરપોર્ટ પરથી વિસ્ફોટકો ભરેલું ડ્રોન મળ્યું, રનવે બંધ કરવો પડ્યો

Berlin   2026-08-05 21:31:17
Author: Mumbai Samachar Team
Article Image

બર્લિનઃ જર્મનીના લીપઝિગ/હેલ એરપોર્ટ પર વિસ્ફોટકો ભરેલું ડ્રોન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ તેમાંથી ડેટોનેટર દૂર કરવામાં આવ્યું હતું. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મધરાત પહેલા નજીકમાં એક ઉડતી વસ્તુ જોવા મળ્યા બાદ એરપોર્ટના બંને રનવે બંધ કરવામાં આવ્યા હતા. તેમજ એક પેસેન્જર વિમાન સહિત અનેક ફ્લાટ્સને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ દક્ષિણ રનવે પાસેથી મળી આવેલી વસ્તુની તપાસ માટે એન્ટિ-એક્સપ્લોસિવ્સ રોબોટ તહેનાત કરવામાં આવ્યા હતા.

બુધવારે સેક્સોની રાજ્ય ફોજદારી પોલીસ કાર્યાલય અને રાજ્યની રાજધાની ડ્રેસડેનમાં સરકારી વકીલોએ એક નિવેદનમાં જણાવ્યું કે એરપોર્ટના એક કર્મચારીને દક્ષિણ રનવે નજીક 'એક અજ્ઞાત વિસ્ફોટક ઉપકરણ' ધરાવતું ડ્રોન મળી આવ્યું હતું. જેની પોલીસે તપાસ કરી હતી અને તેનું ડેટોનેટર દૂર કર્યું હતું. જો કે નિવેદનમાં ઉપકરણ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો અને એરપોર્ટ સ્ટાફને કોઇ ખતરો નથી અને બુધવારે ફ્લાઇટ્સ પર કોઇ અસર પડી ન હતી. આ એરપોર્ટ એક મુખ્ય કાર્ગો હબ છે. અહીં ઉપસ્થિત વિમાનોમાં યુક્રેનિયન એન્ટોનોવ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ડ્રોન માટે કોણ જવાબદાર હોઇ શકે છે તે અંગે તાત્કાલિક કોઇ માહિતી મળી નથી.