Thu Sep 10 2026

Logo

નવા સચિવાલય ગાંધીનગર ખાતે ભોયરામાં લાગેલી આગથી રેકોર્ડેસને નુકસાન નહીંઃ સરકાર

2026-08-10 18:36:39
Author: Pooja Shah
નવા સચિવાલય ગાંધીનગર ખાતે ભોયરામાં લાગેલી આગથી રેકોર્ડેસને નુકસાન નહીંઃ સરકાર

અમદાવાદઃ ગાંધીનગર સ્થિત સરદાર ભવન, નવા સચિવાલયના બ્લોક નં-૯ ના ભોયરામાં સોમવારે સવારે આગ લાગવાની એક ઘટના બની હતી. આ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે ઘટનાની જાણ થતાં જ સ્ટેન્ડબાય ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, સચિવાલયના બ્લોક નં-૯ માં હાલમાં નર્મદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા રાજ્ય ચૂંટણી આયોગ ની કચેરીઓ કાર્યરત છે. આગ લાગવાના કારણે ભોયરામાં રાખવામાં આવેલા ભૌતિક સરકારી રેકોર્ડને આંશિક નુકસાન પહોંચ્યું છે. 

જોકે, ગુજરાત સરકારની 'ગુડ ગવર્નન્સ' પહેલ અંતર્ગત અમલી બનાવાયેલી ઈ-સરકાર' પ્રણાલી હેઠળ આ તમામ ફાઈલો અને સરકારી રેકોર્ડ્સ અગાઉથી જ કમ્પ્યુટર દ્વારા સ્કેન કરીને સુરક્ષિત ડિજિટલ સ્વરૂપે સાચવવામાં આવ્યા છે.

આથી, જળ સંપત્તિ પ્રભાગ દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવે છે કે, આ આકસ્મિક ઘટનામાં, જળ સંપત્તિ પ્રભાગનો કોઈપણ પ્રકારનો મહત્વપૂર્ણ, સંવેદનશીલ કે ગોપનીય સરકારી રેકોર્ડ નાશ પામેલ નથી. તમામ ડેટા ડિજિટલી સુરક્ષિત હોવાથી નાગરિક સેવાઓ અને કચેરીઓની વહીવટી કામગીરી કોઈ પણ વિક્ષેપ વગર અવરોધ વિના પૂર્વવત ચાલુ રહેશે તેમ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.