Sat Jun 06 2026

Logo

ગાંધીધામમાં ખાદ્ય સુરક્ષા વિભાગ એક્શન મોડમાં: ઘી, દૂધ અને મેંગો જ્યુસ સહિત ૮ ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

2026-06-04 08:46:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ઉનાળાની ઋતુ દરમિયાન નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ શાખાની ટુકડીએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાદ્ય પદાર્થોની દુકાનો તેમજ લારીઓ પર આકસ્મિક તપાસ કરીને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના ૮ નમૂના મેળવી પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કે, લેબોરેટરી રિપોર્ટ આવવામાં થતા વિલંબના કારણે ભેળસેળિયા તત્વો સામે સમયસર આકરી કાર્યવાહી ન થતી હોવાનો કડવો આક્ષેપ પણ ઉઠ્યો છે.

મળતી વિગતો મુજબ, ફૂડ ઇન્સ્પેક્ટરોની ટુકડીએ ગાંધીધામ અને આદિપુરના જુદા-જુદા વેપારી મથકો પરથી ઘીના બે, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, કેરીનો રસ, દહીં, ખાદ્ય તેલ અને લોટ સહિત કુલ ૮ નમૂના લીધા હતા. સત્તાવાર આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૩૧ મે દરમિયાન બે મહિનામાં તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોના ૨૭ નમૂના લેવાયા છે, પરંતુ આશ્ચર્યજનક રીતે હજુ સુધી એકપણ નમૂનાનો રિપોર્ટ આવ્યો નથી. ગત વર્ષે લેવાયેલા ૧૦૦થી વધુ નમૂનાઓમાંથી પણ આશરે ૪૦ જેટલા સેમ્પલના રિપોર્ટ હજુ સુધી વહીવટી પ્રક્રિયામાં અટકાયેલા છે. જે નમૂનાના રિપોર્ટ આવ્યા હતા, તેમાંથી ૪ નમૂના અપ્રમાણિત સાબિત થતાં તંત્ર દ્વારા સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે.

બીજી તરફ, ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં વસતીના પ્રમાણમાં ફૂડ વિભાગમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે નિયમિત ચેકિંગ થઈ શકતું નથી, જેને લીધે ભેળસેળ કરનારાઓ બેફામ બન્યા છે. સ્થાનિક સ્તરે ટેસ્ટિંગ લેબોરેટરીની સુવિધા ન હોવાથી રિપોર્ટ આવવામાં મહિનાઓ નીકળી જાય છે, જેથી ગાંધીધામ મહાપાલિકા સ્તરે જ અદ્યતન લેબોરેટરી ઊભી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ તપાસ ડ્રાઇવ દરમિયાન અધિકારીઓએ લીલાશાહ સર્કલ, ગુરુકુળ વિસ્તાર તેમજ આદિપુરની ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં સ્વચ્છતા જાળવવા કડક તાકીદ કરી હતી અને બેદરકારી દાખવનારા વેપારીઓ સામે લાયસન્સ રદ કરવા સહિતના આકરા પગલાં લેવાની ચેતવણી આપી છે.

(ઉત્સવ વૈદ્ય)