Fri Sep 11 2026

Logo

ગઢચિરોલીમાં ત્રણ વર્ષ જૂનો બ્રિજ તૂટી પડયો: અનેક ગામ સાથે સંપર્ક તૂટ્યો

2026-08-06 18:33:50
Author: Sapna Desai
ગઢચિરોલીમાં ત્રણ વર્ષ જૂનો બ્રિજ તૂટી પડયો: અનેક ગામ સાથે સંપર્ક તૂટ્યો

મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં બાંધવામાં આવેલો બ્રિજ તૂટી પડતાં અનેક ગામો સાથે સંપર્ક તૂટી ગયો હોવાનું ગુરુવારે અધિકારીએ જણાવ્યું હતું. ગઢચિરોલી જિલ્લામાં બંડિયા નદી પર ૧૫ ઑગસ્ટ, ૨૦૨૩માં તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અને ગઢચિરોલી જિલ્લાના પાલકપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે કોઠી કોરાનાર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ ૩૧ જુલાઈએ બ્રિજ તૂટી પડતાં જિલ્લાના અનેક ગામ સાથે સંપર્ક તૂટી ગયો છે, એ સાથે જ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ બોર્ડર તરફનો પ્રવેશ પણ બંધ થઈ ગયો છે. આ બ્રિજ તૂટયાં બાદ તેના બાંધકામમાં સંકળાયેલા કૉન્ટ્રેક્ટર અને પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે પગલા લેવાની માગણી અનેક રાજકારણીઓ દ્વારા કરવામાં આવી છે.

ટૂંકા ગાળામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાને જિલ્લા કલેકટર અવિનાશ પાંડાએ ગંભીર ગણાવી હતી. દુર્ઘટના બાદ સાર્વજનિક બાંધકામ વિભાગના ઉપરી અધિકારીએ તાત્કાલિક ધોરણે ટેક્નિકલ ઈન્કવાયરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તો કલેકટરે જવાબદાર સામે આકરા પગલા લેવાની ચેતવણી આપી હતી.

ગઢચિરોલી જિલ્લાના અધિકારીના કહેવા મુજબ ૩૦ અને ૩૧ જુલાઈ  દરમ્યાન જિલ્લામાં ૨૦૦-૨૧૦ મિ.મી. જેટલો વરસાદ પડતા બાંડિયા નદીમાં પૂર આવ્યા હતા. પૂરના પાણી બ્રિજ ડેકથી  બેથી ૨.૫ મીટર ઉપર ફરી વળ્યા હતા. (પીટીઆઈ)