ગઢચિરોલી: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના અતિદુર્ગમ જંગલ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે માનવતા, હિંમત અને ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રીંછના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને બચાવવા માટે મેડિકલ ટીમ, આશા કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનોએ ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે આખી રાત જંગલમાં વિતાવી અને બીજા દિવસે તેને 18 કિલોમીટર સુધી સ્ટ્રેચર પર ઊંચકીને હોસ્પિટલ પહોંચાડ્યો. સમયસર સારવાર મળતા યુવકનો જીવ બચી ગયો.
આ ઘટના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકાના બિનાગુંડા-દામણમાર્કા વિસ્તારની છે, જે છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદ પર આવેલો અત્યંત દુર્ગમ વિસ્તાર છે. સતત વરસાદને કારણે રસ્તાઓ અને નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બિનાગુંડાના રહેવાસી 35 વર્ષીય પોરિયા ગોગા તિમ્મા પોતાની બહેનને મળવા દામણમાર્કા ગામમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જંગલમાંથી નીકળેલા રીંછે તેમના પર હુમલો કર્યો. હુમલામાં તેમના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેઓ જંગલમાં જ ફસાઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ બિનાગુંડા ઉપકેન્દ્રની આરોગ્ય સેવિકા અશ્વિની સહારે, આરોગ્ય કર્મચારી રામટેકે, આશા કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. વાહન પહોંચી શકે તેવી કોઈ સ્થિતિ નહીં હોવાથી ટીમે જોખમી જંગલના માર્ગો પગપાળા પાર કરીને રાત્રે જ ઘાયલ સુધી પહોંચીને પ્રાથમિક સારવાર આપી અને તેની તબિયત સ્થિર કરી. ભારે વરસાદ અને અંધારાના કારણે ટીમે આખી રાત ઘનઘોર જંગલમાં જ વિતાવી.
બીજા દિવસે સવારે આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનોએ ફોલ્ડેબલ સ્ટ્રેચર પર ઘાયલ યુવકને ઊંચકીને લગભગ 18 કિલોમીટર સુધી કાદવ, લપસણાં રસ્તાઓ અને ગાઢ જંગલમાંથી પગપાળા મુસાફરી કરી. માર્ગમાં અનેક સ્થળોએ જોખમી પરિસ્થિતિ હોવા છતાં કોઈએ હિંમત હારી નહોતી. ગુન્ડેનૂર નાળામાં ભારે પાણીના પ્રવાહને કારણે વાહન પહોંચી શકતું ન હતું, છતાં ટીમે જોખમ ઉઠાવી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.
ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે યુવકને લાહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભામરાગઢ ગ્રામિણ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો. ડોક્ટરોએ સમયસર સારવાર આપતા યુવકનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.
ભામરાગઢથી લગભગ 36 કિલોમીટર દૂર આવેલા અબૂઝમાડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અત્યંત દુર્ગમ છે. ભારે વરસાદ, સંચાર સુવિધાનો અભાવ અને રસ્તાઓ બંધ હોવા છતાં આરોગ્ય વિભાગની ટીમે જે સાહસ અને સમર્પણ સાથે આ બચાવ અભિયાન પૂર્ણ કર્યું છે તે સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની ગયું છે.
સ્થાનિકોના કહેવા મુજબ, જો આરોગ્ય વિભાગની ટીમ સમયસર પહોંચી ન હોત તો ઘાયલ યુવકનો જીવ બચાવવો લગભગ અશક્ય હતો. આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસે એક પરિવારને માળો વિખરાતા બચાવી લેવાની સાથે જ યુવકને મૃત્યુના મુખમાંથી પાછો ખેંચી એક નવું જીવન આપ્યું હતું.