(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં, ખાસ કરીને મીતીયાળા વિસ્તારમાં, છેલ્લા 30 કલાકથી ધરતીના પેટાળમાં સતત હલચલ મચતા કુલ 14 જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના સત્તાવાર ડેટા અનુસાર માત્ર એક જ ભૂકંપનો નોંધ કરવામાં આવી હતી. જે રાત્રે ૧:૧૪ મિનીટે ૩.૦ની તીવ્રતાનો મુખ્ય આંચકો અનુભવાયો હતો. જો કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ત્યારબાદ રાત્રે ૧:૩૭ મિનીટે ૧.૧ અને આજે સવારે ૮:૫૮ મિનીટે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા ભયભીત થયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલી જિલ્લામાં કુલ 8 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા માત્ર એક જ આંચકાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર વાંકિયા ગામ નજીક નોંધાયું હતું, જેની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ હતી. અન્ય આઠ જેટલા આંચકાઓમાં સવારે ૪:૧૫ કલાકે ૧.૮, ૪:૧૬ કલાકે ૨.૩, ૪:૨૪ કલાકે ૧.૦, અને ૪:૫૭ કલાકે ૧.૪ની તીવ્રતાના આંચકા બાદ સવારે ૭:૦૦ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ શ્રેણીમાં સવારે ૭:૧૫ કલાકે ૩.૫૮ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ સવારે ૭:૫૧ અને ૮:૫૭ કલાકે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.