ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં સૂર્યદેવનો પ્રકોપ અને કાળઝાળ ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. વધતા જતા તાપમાન અને ભયાનક હીટવેવના કારણે દેશભરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ગરમી, ડીહાઇડ્રેશન અને લૂ લાગવાને કારણે લોકોને માથાનો દુખાવો, ચક્કર આવવા, આંખોમાં બળતરા અને ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મેડિકલ એક્સપર્ટ્સ અને ડોક્ટરોના મતે, લાંબો સમય સુધી કાળઝાળ તડકામાં રહેવાથી શરીરનું આંતરિક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે અને આ સ્થિતિ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. દિલ્હી-એનસીઆર સહિત દેશભરની અનેક હોસ્પિટલોમાં હાલમાં હીટવેવ અને ડીહાઇડ્રેશન સંબંધિત કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બાળકો, વડીલો અને પહેલાંથી જ કોઈ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ પર આ ગરમીનું જોખમ સો ટકા વધુ જોવા મળી રહ્યું છે.
વધુ પડતી ગરમીથી શરીરમાં શું નુકસાન થાય છે?
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, હ્યુમન બોડીની ટેમ્પરેચર કન્ટ્રોલ કરવાની ક્ષમતાની એક ચોક્કસ મર્યાદા હોય છે. જ્યારે બહારની ગરમી એ મર્યાદા કરતાં વધી જાય છે, ત્યારે શરીર તાપમાન સંતુલિત રાખવા માટે વધુ પરસેવો વહાવે છે, જેનાથી શરીરમાં પાણી અને જરૂરી ક્ષારની ભારે અછત સર્જાય છે.
હીટ એક્ઝોસ્ટન:
આ સ્થિતિના શરૂઆતના લક્ષણોમાં અસહ્ય માથાનો દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ (Cramps), ઉબકા-ઉલ્ટી થવા અને ભારે નબળાઈનો સમાવેશ થાય છે.
હીટ સ્ટ્રોક:
જો શરૂઆતના લક્ષણો પર ધ્યાન આપવામાં ન આવે, તો તે હીટ સ્ટ્રોક એટલે કે ગંભીર લૂ માં બદલાઈ જાય છે. આ સ્થિતિમાં શરીરનું તાપમાન એટલું વધી જાય છે કે તે સીધું જ વાચકના મગજ અને કિડનીને ડેમેજ કરી શકે છે.
ભૂલથી પણ આ 6 લક્ષણોને ઇગ્નોર ન કરતા
જો ઉનાળાના આ દિવસોમાં કોઈ વ્યક્તિમાં અહીં જણાવવામાં આવેલા કોઈ લક્ષણો દેખાય, તો તેને સામાન્ય થાક સમજીને નજરઅંદાજ ન કરવો જોઈએ. આ તાત્કાલિક મેડિકલ ઈમરજન્સીના સંકેતો હોઈ શકે છે-
1. મગજ ભ્રમિત થવું કે પછી સતત ચક્કર આવવા.
2. બોલવામાં તકલીફ પડવી અથવા જીભ થોથવાવી.
3. અતિશય સુસ્તી આવવી, બેહોશ થઈ જવું અથવા આંચકી આવવા.
4. હૃદયના ધબકારા અચાનક ખૂબ જ તેજ થઈ જવા.
5. સ્નાયુઓમાં અસહ્ય દુખાવો અને જકડન થવી.
6. તેજ ગરમી છતાં પરસેવો વળવાનો સાવ બંધ થઈ જવો.
આંખોની હેલ્થ પણ છે જોખમમાં
ડોક્ટરોના જણાવ્યા અનુસાર સતત વધતી જતી ગરમીને કારણે આંખોને પણ નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો ગરમીમાં આંખોની કાળજી લેવાનું ભૂલી જાય છે. અતિશય તડકો અને ગરમ પવનના કારણે આંખોમાં ડ્રાયનેસ, લાલચોળ બળતરા અને ગંભીર ઈન્ફેક્શનનું જોખમ પણ બમણું થઈ જાય છે.
હીટવેવથી બચવા આટલું ચોક્કસ કરો:
બહાર નીકળવાનો સમય બદલો:
સવારે 10 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી જો કોઈ ખાસ કામ ન હોય, તો સીધા તડકામાં બહાર નીકળવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
હાઇડ્રેશન ડ્રિંક્સ અપનાવો:
શરીરને અંદરથી કૂલ રાખવા માટે સાદા પાણી ઉપરાંત લીંબુ પાણી, નાળિયેર પાણી અને ઓઆરએસનું સેવન કરો.
આ પીણાંથી દૂર રહો:
ગરમીમાં ચા, કોફી અથવા વધુ પડતા સોડા કે આલ્કોહોલ જેવા પીણાં પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે શરીરમાં પાણીનું પ્રમાણ વધારવાને બદલે યુરિન વાટે પાણી વધુ બહાર ફેંકે છે.
કપડાંની પસંદગી:
ઉનાળામાં હંમેશા હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા જોઈએ જેથી શરીરમાં હવાની અવરજવર જળવાઈ રહે.
દર્દીઓ માટે ખાસ એલર્ટ:
જે લોકોને ફેફસાં, હાર્ટ કે કિડનીની જૂની બીમારી છે, તેમણે હવામાનના આ મોટા બદલાવ દરમિયાન નિયમિત અંતરે પોતાના ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ.