Thu Apr 30 2026

Logo

બારામતી પેટાચૂંટણી: ફડણવીસે અજિત પવારની પત્ની માટે બિનહરીફ જીતની અપીલ કરી

2026-04-04 20:23:52
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે તમામ પક્ષોને એવી અપીલ કરી હતી કે બારામતી વિધાનસભા મતવિસ્તારમાં બિનહરીફ પેટાચૂંટણી થાય, જે તત્કાલીન એનસીપી પ્રમુખ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુને કારણે જરૂરી બન્યું હતું, જેથી તેમની પત્ની અને હાલના નાયબ મુખ્યપ્રધાન સુનેત્રા પવારને ચૂંટી કાઢવામાં આવે.

તેમણે મહારાષ્ટ્રની રાજકીય પરંપરાઓનો આદર કરવા માટે સુનેત્રા પવારને સમર્થન આપવા માટે સર્વસંમતિનો આગ્રહ કર્યો હતો. ભૂતકાળના ઉદાહરણોને યાદ કરતાં, ફડણવીસે એનસીપી (અવિભાજિત) વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન આર. આર. પાટીલના મૃત્યુ પછી યોજાયેલી બિનહરીફ પેટાચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમની પત્ની, સુમન પાટીલ, 2015માં તેમના પતિના મૃત્યુ પછી તાસગાંવ-કવઠે મહાંકલ વિધાનસભા મતવિસ્તારમાંથી બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા. 

બધા પક્ષોએ ઉદારતાનો અભિગમ દાખવવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે પેટાચૂંટણી બિનહરીફ થાય, એમ ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું. મહાયુતિ ગઠબંધનનું નેતૃત્વ કરતી ભાજપ, મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના સાથે સત્તામાં સહભાગી છે. એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યસભાના સભ્ય સુનેત્રા પવાર છઠી એપ્રિલે પુણેના બારામતી વિધાનસભા ક્ષેત્રની 23 એપ્રિલે થનારી પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

2019ની વિધાનસભા ચૂંટણીમાં, અજિત પવારે બારામતી બેઠક સૌથી વધુ 1.65 લાખ મતોના માર્જિનથી જીતી હતી. તેમણે 2024ની ચૂંટણીમાં તેમના ભત્રીજા યુગેન્દ્ર પવારને હરાવીને 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બેઠક જાળવી રાખી હતી.શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ જાહેર કર્યું છે કે તે બારામતીમાં આગામી પેટાચૂંટણી નહીં લડે, ત્યારે તેના સાથી કોંગ્રેસે કહ્યું છે કે તે ચૂંટણીને બિનવિરોધ થવા દેશે નહીં. 

સુનેત્રા પવારે 31 જાન્યુઆરીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને 26 ફેબ્રુઆરીએ સર્વાનુમતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.બારામતી ઉપરાંત, અહિલ્યાનગરના રાહુરી વિધાનસભા મતવિસ્તાર માટે પણ પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપના વિધાનસભ્ય શિવાજી કર્ડિલેના અવસાનને કારણે આ ચૂંટણી થઈ રહી છે.