Mon Jun 08 2026

Logo

મહારાષ્ટ્ર પાલિકા પરિણામ 2026 રાજ્યમાં આશ્ચર્યજનક રીતે કોંગ્રેસનો સારો દેખાવ, 5 શહેરોમાં કોંગ્રેસી મેયરની શક્યતા

2026-01-17 15:29:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓના જંગમાં કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય લીધો અને જે પરિણામો સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. મુંબઈમાં કોંગેસને ભલે વધુ બેઠકો ના મળી હોય, પણ રાજ્યમાં કોંગ્રેસે ખૂબ જ સારું અને ચમત્કારીક પ્રદર્શન કર્યું છે. સમગ્ર રાજ્યના આંકડાઓ જોતા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને બંને એનસીપીના ગઠબંધનને તો ક્યાંય પાછળ છોડી દીધું છે. પરિણામે રાજ્યના પાંચ શહેરોને કોંગ્રેસી મેયર મળશે એવી શક્યતા છે. 

બેઠકોનું ગણિત અને પક્ષની સ્થિતિ
કોંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ જ મર્યાદિત બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, તેમ છતાં તેમની જીતની ટકાવારી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. રાજ્યની કુલ 2,869 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર 528 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આ 528 બેઠકોમાંથી પક્ષે 312 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે.

વાત કરીએ રાજ્યમાં સૌથી વધુ બેઠકો પર જિત મેળવનારા પક્ષ વિશે તો રાજ્યભરમાં 1421 બેઠકો સાથે ભાજપ પહેલાં સ્થાને, એકનાથ શિંદેની શિવસેના 363 બેઠકો સાથે બીજા સ્થાને અને ત્યાર બાદ કોંગ્રેસ 312 બેઠકો સાથે ત્રીજા ક્રમે આવે છે. આના પરથી કોંગ્રેસે એકલા લડીને પણ તમામ રાજકીય પક્ષોને કાંટે કી ટક્કર આપી છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. 

આ 5 શહેરોમાં છે કોંગ્રેસની મજબૂત પકડ
જ્યાં ભાજપે પુણે, નાગપુર અને મુંબઈ જેવા મોટા શહેરો જીત્યા છે, ત્યાં કોંગ્રેસે પોતાના પરંપરાગત ગઢ જાળવી રાખ્યા છે. લાતુરમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવી દીધો છે. જ્યારે  ભિવંડી નિઝામપુર, કોલ્હાપુર, અમરાવતી અને ચંદ્રપુર આ ચાર મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ સૌથી આગળ છે અને તેણે લીડ જાળવી રાખી છે. આ પાંચેય શહેરોમાં કોંગ્રેસી મેયર ચૂંટાય એવી પૂરેપૂરી શક્યતા છે. 

મુંબઈ મહાનગર પાલિકામાં કોંગ્રેસના દેખાવની વાત કરીએ તો મુંબઈમાં કોંગ્રેસે 167 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી 23 બેઠકો પર જીત મેળવી છે. મુંબઈમાં ભાજપ અને ઠાકરે જૂથ પછી કોંગ્રેસ ત્રીજા ક્રમે આવે છે, જે મનસે અને રાષ્ટ્રવાદીના બંને જૂથ કરતા વધારે છે.

શું કોંગ્રેસ માટે આ 'કમબેક' છે?
વર્ષ 1999 પછી પહેલીવાર કોંગ્રેસે કોઈ મોટા ગઠબંધન વિના સ્થાનિક ચૂંટણી લડી હતી. 2024ની વિધાનસભા ચૂંટણીમાં 16 બેઠકો સાથે પાંચમા ક્રમે ફેંકાયેલી કોંગ્રેસ માટે એક વર્ષ બાદ પાલિકાની ચૂંટણીમાં ત્રીજા ક્રમે આવવું એ મોટું 'બુસ્ટ' માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે ઠાકરે બંધુઓ અને પવાર પરિવારના જૂથો પોતાની લેગસી બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પોતાના ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને ફરી સક્રિય કર્યા હોય એવું લાગી રહ્યા છે.