Thu May 14 2026

Logo

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરથી 'લાયન કન્ઝર્વેશન' પ્રિ-ઈવેન્ટનો પ્રારંભ કરાવ્યો

2026-05-14 16:10:44
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ 2026ના પૂર્વાર્ધરૂપે સાસણ ગીરમાં યોજાઇ રહેલી સૌપ્રથમ પ્રિ-ઈવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે.

મુખ્ય પ્રધાને સાસણની આ પ્રિ-ઈવેન્ટને બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનને સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. સિંહ સરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની બેસ્ટ પ્રો- એક્ટિવ પ્રેક્ટિસિસને પરિણામે સિંહની વસ્તી જે 1991માં 284 હતી તે વધીને આજે 891 જેટલી થઈ છે.

સિંહના વિચરણનો વિસ્તાર પણ પાછલા અઢી દાયકામાં ત્રણ જિલ્લાથી વધીને 11 સુધી પહોંચ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં સિંહોનું કુદરતી રીતે આગમન થયું છે અને સરકારના પ્રયાસોથી બરડા અભ્યારણ્ય એશિયાટીક લાયનનું નવું રહેઠાણ બન્યું છે. 24 જેટલા સિંહ આજે બરડામાં વસવાટ કરે છે તેમ જણાવ્યું હતું. 

આગળ વાત કરતા જણાવ્યું હતું કે, સિંહો માટે બ્રિડિંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સારવાર કેન્દ્ર આધુનિકરણ, રેડિયો કોલર અને ડ્રોન સર્વેલન્સની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ લાયન “બૃહદ ગીર”ના વિકાસ માટે સિંહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે પણ ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.