Tue Aug 25 2026

Logo

દીપકેના ઘર બહાર સીજેપીના સ્વયંસેવકોના અચોક્કસ મુદતના અનશન: જાણો વિવાદ

2026-08-06 15:49:00
Author: Mumbai Samachar Team
દીપકેના ઘર બહાર સીજેપીના સ્વયંસેવકોના અચોક્કસ મુદતના અનશન: જાણો વિવાદ

પુણે: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં કોકરોચ જનતા પાર્ટી રાજકારણમાં પ્રવેશવા પહેલા પ્રેશર ગ્રુપ તરીકે કામ કરશે તેવી જાહેરાત બાદ ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. સીજેપીના સ્વયંસેવક હોવાનો દાવો કરનાર બે વ્યક્તિએ અભિજીત દીપકેના નિવાસસ્થાનની બહાર રસ્તા પર ધરણાં શરૂ કર્યા છે. 

નિમણૂકમાં પારદર્શકતાનો અભાવનો આરોપ
તેમનો આરોપ છે કે દીપકે સંગઠનના સ્વયંસેવકો સાથે વાતચીત કરવાનો ઇનકાર કરી રહ્યા છે અને તેઓ અરવિંદ કેજરીવાલ જેવું જ વર્તન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનમાં સામેલ એક સ્વયંસેવકે જણાવ્યું હતું કે સીજેપીમાં હોદ્દાઓની વહેંચણી કોઈ પણ ચર્ચા વિના કરવામાં આવી હતી. સ્વયંસેવકનો આરોપ છે કે આ નિમણૂકમાં પારદર્શકતાનો અભાવ હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે તેમાં એકમાત્ર માપદંડ એ હતો કે શું કોઈ મહિલા સભ્ય કોઈની ગર્લફ્રેન્ડ છે કે નહીં.

સ્વયંસેવકોની સલાહ ન લેવા અંગેના આક્ષેપો
વિરોધ કરી રહેલા સીજેપીના સ્વયંસેવકો ભારપૂર્વક કહે છે કે આ આંદોલન તેમનું છે અને વાસ્તવમાં સમગ્ર રાષ્ટ્રનું છે. તેથી, તેમનું માનવું છે કે નિર્ણયો લેતી વખતે દેશભરના સ્વયંસેવકોને તેમાં સામેલ કરવા જોઈએ. સ્વયંસેવકોનો દાવો છે કે સીજેપીના વિરોધ પ્રદર્શનો દરમિયાન તેમણે પોલીસના લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર ખાતેનું વિરોધ પ્રદર્શન સમાપ્ત થયા બાદ અભિજીત દીપકે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર ગયા હતા. 

બુધવારે કોર કમિટીની બેઠક યોજવામાં આવી
ઘરે પરત ફર્યા બાદ તેઓ બીમાર પણ પડ્યા હતા. બુધવારે છત્રપતિ સંભાજીનગરમાં તેમના નિવાસસ્થાને સીજેપીની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એક પ્રેશર ગ્રુપ બનાવવાની સર્વસંમતિ સાધવામાં આવી હતી. આ બેઠકમાં સૌરવ દાસ, આશુતોષ રાંકા અને કેટલાક મહિલા સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દીપકેએ કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નહીં
સ્વયંસેવકોએ દાવો કર્યો હતો કે તેમણે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા, પરંતુ જ્યારે પરિસ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેમણે આ પગલું ભર્યું હતું. રસ્તા પર બેસીને સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે, તેઓ ભૂખ હડતાળ પર છે. આ મુદ્દે અભિજીત દીપકેએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.