Tue Sep 08 2026

Logo

ખાલી ગૅસ ટૅન્કરના વેલ્ડિંગ વખતે બ્લાસ્ટ: ડ્રાઈવરનું મોત, બે જખમી

2026-07-17 21:20:09
Author: Yogesh C. Patel
ખાલી ગૅસ ટૅન્કરના વેલ્ડિંગ વખતે બ્લાસ્ટ: ડ્રાઈવરનું મોત, બે જખમી

ચેમ્બુરના ગૅરેજમાં બનેલી ઘટનામાં ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઈમારત અને વાહનોના કાચ તૂટી પડ્યા: ડરી ગયેલા રહેવાસીઓ ઘરબહાર દોડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરના ગૅરેજમાં ગૅસના ખાલી ટૅન્કરનું વેલ્ડિંગ કરતી વખતે અચાનક થયેલા ધડાકાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં પાર્ક કરાયેલાં વાહનો અને આસપાસની ઈમારતના કાચ તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ટૅન્કરના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે વેલ્ડિંગ કામ કરનારા બે કર્મચારી ગંભીર રીતે ઘવાયા હતા.

ઈસ્ટ ઝોન-1ના ડીસીપી સમીર શેખે જણાવ્યું હતું કે ઘટના શુક્રવારની સાંજે પાંચ વાગ્યાની આસપાસ ચેમ્બુરના મુકુંદ નગરમાં મ્હાડા વસાહત નજીકના ગૅરેજમાં બની હતી. ગૅરેજમાં ખાલી ગૅસ ટૅન્કર રિપેરિંગ માટે લાવવામાં આવ્યું હતું. ટૅન્કરનું વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક બ્લાસ્ટ થયો હતો.

પોલીસનું માનવું છે કે વેલ્ડિંગ કરતી વખતે તણખલા ટૅન્કરમાં ગયા હશે, જેને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલી તીવ્રતાવાળો હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો. મળતી માહિતી અનુસાર ધડાકાને કારણે ટૅન્કરના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે તેની ઓળખ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પોસ્ટમોર્ટમ માટે તેના શબને સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.

બ્લાસ્ટને કારણે વેલ્ડર ફૈયાઝ ખાન અને તેનો પુત્ર મોહમ્મદ અકરમ ગંભીર રીતે ઘવાયા હતા. અકરમ તેના પિતાને કામમાં મદદ કરતો હતો ત્યારે આ ધડાકો થયો હતો. બન્નેને સારવાર માટે નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન બનાવની જાણ થતાં આરસીએફ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગૅરેજ આસપાસનો પરિસર કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ધડાકાને કારણે આસપાસની ઈમારતની બારીના કાચ તૂટ્યા હતા તો રસ્તા પર નજીકમાં પાર્ક વાહનના કાચ પણ તૂટી ગયા હતા. જિજામાતા નગર અને માયસોર કોલોનીમાં એટલો મોટો અવાજ સંભળાયો હતો કે ડરના માર્યા રહેવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા.