Tue Jul 07 2026

Logo

મોજની ખોજઃ પોતાની આંખ કરતાં મોટાં સપનાં ન જોવાય...

2026-07-07 10:38:00
Author: Subhash Thakkar
Article Image

 

સુભાષ ઠાકર

જો ભાઈ, આ ઈશ્વર કૃપાથી શરીર મળ્યું એટલે માંદગીનો ડર પછી માંદગી આવે તો મરણનો ડર એમ ભણતરમાં પરીક્ષા પછી પરિણામનો ડર ને પરિણામ પછી ઍડ્મિશનનો ડર ને એ થયા પછી કેરિયરનો ડર... આમ ડરડરેડરાહામાં જિંદગી પૂરી. દરેક મા-બાપનું એક સપનું  હોય છે કે મારું પ્રોડક્શન ડૉક્ટર, વકીલ કે અન્જિનિયર બને...

હમણાં મેં ચંબુને પૂછ્યુ: ‘ચંબુ, તારું બારમું તો પતી ગયું, આગળ શું બનવાનો વિચાર છે?’
‘અંકલ, વિચાર તો ઍડ્મિશન મળે તો સપનું તો ડૉક્ટર બનવાનું છે’

‘ગુડ, પણ યાદ રાખ બેટા, આ સમાજ સપનાં ઘડવાની રજા આપે, પણ સાકાર કરવાનું પ્રૉમિસ આપતું નથી ને ઈશ્વર પણ જો બધાનાં ડૉક્ટર બનવાનાં સપનાં સાકાર કરવા બેસે તો દર્દી કરતાં ડૉક્ટરોનો રાફડો ફાટે ને ડૉક્ટરોએ ફેરિયા બની ઘરે-ઘરે દવા વેચવા નીકળીને બૂમો પાડવી પડે-

‘એઈ... ઇ... ઈ છે કોઈને શરદી, તાવ, કોરોના કે માથાનો દુખાવોઓ... આવી ગઈ છે તમારા આંગણે કૅન્સરની અકસીર દવા. અને વકીલ બને તો પોતાની વાઇફ સામે જ છૂટાછેડાના કેસની સુનાવણી કરતાં ચંપાના બાપુને કહેતો હોત કે ‘મીલૉર્ડ ચંપાબાપુ, મોંઘવારી અને મારા આર્થિક સંજોગો નબળા હોવાથી મારા અસીલ અને જીવનસાથી અને આપની પુત્રી ચંપાગૌરીને મારાથી છૂટા પડ્યા પછી કોઈ પણ પ્રકારનો ભરણપોષણનો ખર્ચ ચૂકવી શકું એવી હાલતમાં નથી, બલકે મારા મંદ ધંધાને કારણે ચંપાગૌરીએ કોઈના ઘરના કચરા-પોતાં કે કપડાં-વાસણનું કામ બાંધી યથાયોગ્ય રકમ ચૂકવવી જોઈએ, ધૅટ્સ ઑલ મીલૉર્ડ.’ 

જો બેટા, દરેકને પ્રતિષ્ઠાનો વિસ્તાર પહોળો કરવો છે. ક્યારેય કોઈ એમ બોલ્યું કે અમારા બાપદાદા મશહૂર ખીસાકાતરુ હતા, આ ટ્રેન કે બસમાં જે ખીસા કપાવાની ઝપટો બોલે છે એ અમારા વડવાઓની કેળવણી.

અરે કોઈ બોલ્યું કે મારી દીકરી માટે એક નંબરનો સરસ બેવડો, બદમાશ, ગુંડો કે મવાલી હોય તો જોજો. તારા આજના ઇન્ટરવ્યૂ બદલ શુભેચ્છા’ એટલું બોલી હું નીકળી ગયો.

ચંબુએ ઇન્ટરવ્યૂ વખતે બ્રહ્મા - વિષ્ણુ - મહેશ નામના બેઠેલા ત્રણ ટ્રસ્ટી સામે સર્ટિફિકેટોની ફાઇલ મૂકી એના પર ઍડ્મિશનની ભીખ માટે માર્કશીટનું ભિક્ષાપાત્ર. ટ્રસ્ટીઓએ ફાઈલ જોતાં જોતાં પૂછ્યુ : 

‘ચંબુ, આમાં ડોનેશનનો ચેક ક્યાં છે?’

‘ડોનેશનનો ચેક? સર મારા બાપુ નાનપણમાં ગુજરી ગયા પછી મારી બાએ પેટે પાટા બાંધી, લોહી-પાણી એક કરીને સરસ્વતી પૂજક બનાવ્યો પણ લક્ષ્મી તો રૂઠેલી જ રહી અને...’

‘જો ભાઈ ચંબુ’ બ્રહ્મા બોલ્યા ‘આમ તો ચલાવી લેત પણ અમારી કૉલેજે હવે ડૉક્ટર, વકીલ કે એન્જિનિયરના કોર્સ બંધ કરીને મોંઘવારી, ચોરી, પેટ્રોલનો ભાવવધારો, ભ્રષ્ટાચારનો નવો કોર્સ આ વર્ષથી ચાલુ કર્યો છે એમાં ડોનેશન ફરજિયાત છે અને હવે ભ્રષ્ટાચારના કોર્સ પછી કૌભાંડમાં એમ.ડી... પછી તો રૂપિયાના ઢગલે ઢગલા, એટલે...’

‘બરાબર સર, પણ મારા આગળના વિદ્યાર્થીને તો માત્ર 45 હતા તોયે...’
‘બરાબર, પણ 45 ટકામાં એને 85,000 રૂપિયાનું ડોનેશન આપ્યું હતું ને તારા 85 ટકામાં તુ ખાલી માત્ર 45,000નું ડોનેશન આપી શકીશ?’

‘ડોનેશન શેનું સાહેબ, મને તો આ લાંચ-ભ્રષ્ટાચારનો પહેલો પાઠ લાગે છે. સર મારી ફાઇલ તો જુઓ. આ સ્પોર્ટનું સર્ટિફિકેટ, આ કલાકારનું, આ કરાટેનું, આ જુઓ સંગીતનું, આ ક્રિકેટનું, ને આ ચિત્રકારનું... સર, ડેથ સર્ટિફિકેટ સિવાય બાકીનાં બધાં  છે, ને આ ચિત્ર જોયું?’ એટલું બોલી ચંબુએ એક ચિત્ર ઉપર આંગળી મૂકી: ‘સર,  આ ચિત્રમાં જે રોટલી માટે તડપતું બાળક દેખાય છે તે હું છુ. બચપણમાં પડાવેલા ફોટા પરથી મેં જાતે દોર્યું છે. જુઓ સર, કેટલું મસ્ત છે... પ્લીઝ સર, તમે વિચારો તો ખરા મને આટલા માર્કે પ્રવેશ નઈ મળે તો હું ક્યાં જઈશ?’

‘એ સવાલ તારો છે, અમારો નઈ,’ ટ્રસ્ટી બોલ્યા.
‘સર, મારી માનું પણ સપનું છે કે હું ડૉક્ટર બનં.ુ’
‘ઍગ્રી, પણ તું સમજ કે પોતાની આંખ કરતાં મોટાં સપનાં ન જોવાય.’

ચંબુ બે હાથ જોડી કરગરવા લાગ્યો, પણ ત્રણમાંથી એક પણ ટ્રસ્ટીની આંખમાં દયાનું ઝરણું ન ફૂટ્યું પણ ચંબુની આંખમાં આંસુનું ઝરણું ફૂટ્યું. ટ્રસ્ટીઓએ ‘ચંબુ, નાઉ યુ કૅન ગો... નેક્સ્ટ’ બોલીને એણે ચંબુને રવાના કર્યો.

ચંબુ જેવો ઇન્ટરવ્યૂ ખંડમાંથી બહાર નીકળ્યો ત્યાં એક કરોડપતિ શેઠિયાએ ચંબુના હાથનું ચિત્ર જોઈને પૂછ્યું ‘બેટા, સરસ ચિત્ર છે, શું કિંમત છે?’

‘ખૂબ મહેનત કરીને બનાવ્યું છે શેઠ, ફક્ત 25,000 રૂપિયા.’
‘મોંઘું છે’ શેઠ બોલ્યા ‘કંઈક ઓછું કર.’

‘શેઠ, યાદ છે? આજથી લગભગ દસ વર્ષ પહેલાં સ્ટેશન પર એક છોકરો પાણી આપતો હતો ત્યારે તમે પાણીનો ભાવ પૂછેલો ને ત્યારે એણે કીધેલું કે એક ગ્લાસના 50 પૈસા. ને તમે બોલ્યા 45 પૈસામાં આપ. ત્યારે એ બધું પાણી ઢોળીને બોલેલો, ‘શેઠ, જેને તરસ લાગે છે એ ભાવ નથી કરતો. તમને તરસ જ નહોતી શેઠ... એ છોકરો બીજો કોઈ નઈ પણ હું જ હતો... ને આજે પણ કહું છું ચિત્ર ખરીદવાની તરસ લાગી હોય તો ભાવ ન કરો.’ અને શેઠે 25,000 આપી ચિત્ર ખરીદી લીધું.

ઘરે જઈને માને આખી વાત કરીને હાથમાં 25,000 મૂક્યા તો મા બોલી, ‘વાહ બેટા, તું મજબૂત છે, આવી સ્થિતિમાં પણ તૂટી ન ગયો.’
‘જો મા, યાદ રાખ. મજબૂત માણસ ક્યારે તૂટી નથી પડતો, કારણ કે એ તૂટી તૂટીને જ તો મજબૂત બન્યો હોય છે.’
માની આંખમાં વૈતરણા છલકાયું. શું કહો છો?