Mon Aug 24 2026

Logo

મધ્ય રેલવેની મીમ્સ દ્વારા અપીલ: લોકલ ટ્રેનમાં મોટા અવાજે ગીતો સાંભળનારાઓ માટે જાગૃતિ અભિયાન

2026-08-03 21:12:09
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેનોમાં કેટલાક મુસાફરો ઈયરફોનનો ઉપયોગ કર્યા વગર મોબાઇલમાં મોટા અવાજે ગીતો સાંભળતા વીડિયો જોતા અથવા સ્પીકર પર ફોન પર વાત કરતા હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. તેના કારણે અન્ય મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. ઘણી વખત આવા મુસાફરોને અવાજ ઓછો કરવા અથવા ઇયરફોનનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવે ત્યારે બોલાચાલી અને વિવાદ સર્જાતા હોવાના બનાવો પણ નોંધાયા છે.

આવી વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલ્વેએ મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર અનોખી અને આકર્ષક શૈલીમાં પોસ્ટર તથા સંદેશાઓ શેર કરીને મુસાફરોને જાહેર શિસ્તનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો હેતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન દરેક મુસાફરને શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ પ્રકરણે માહિતી આપતા મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતુ કે મુસાફરી દરમિયાન મોબાઈલમાં ગીતો સાંભળવા અથવા વીડિયો જોવા માટે હેડફોન અથવા ઇયરફોનનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રેનમાં મોટા અવાજે ગીતો વગાડવા, વીડિયો ચલાવવા અથવા સ્પીકર પર ફોન પર વાત કરવી અન્ય મુસાફરો માટે અસુવિધાજનક અને અયોગ્ય વર્તન ગણાય છે. આવા વર્તનથી જાહેર પરિવહનમાં મુસાફરી કરતા લોકોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જાગૃતિ અભિયાનના ભાગરૂપે મધ્ય રેલવેએ એઆઈની મદદથી તૈયાર કરાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં મુસાફરોને સંદેશ આપવામાં આવ્યો છે કે મુસાફરી દરમિયાન સહપ્રવાસીઓ પણ તમારા મિત્ર જેવા જ હોય છે. તેમની સુવિધા, શાંતિ અને આરામનો વિચાર કરીને મોટા અવાજમાં વાત કરવાનું અથવા સ્પીકર પર મનોરંજનનો આનંદ માણવાનું ટાળવું જોઈએ.  

મધ્ય રેલ્વેએ વધુમાં અપીલ કરી છે કે તમારો પ્રવાસ આનંદદાયક હોવો જોઈએ, ત્રાસદાયક નહીં. મોટા અવાજમાં વાતચીત કરવી, ગીતો વગાડવા અથવા વીડિયો ચલાવવાથી અન્ય સહપ્રવાસીઓને તકલીફ પડી શકે છે, તેથી તમામ મુસાફરોએ શાંતિ જાળવવી, જાહેર શિસ્તનું પાલન કરવું અને સહપ્રવાસીઓનો આદર કરવો જોઈએ. રેલવેના મતે દરેક મુસાફર પોતાની નાની-નાની જવાબદારીઓનું પાલન કરશે તો મુંબઈ લોકલની મુસાફરી વધુ શિસ્તબદ્ધ, સુખદ અને સૌહાર્દપૂર્ણ બની શકશે.