Tue Sep 29 2026

Logo

ભાયખલા-નાગપાડા-મઝગાંવ જંકશનનો ટ્રાફિકમાં ઘટાડો થશે

2026-09-18 08:31:00
Author: Sapna Desai
ભાયખલા-નાગપાડા-મઝગાંવ જંકશનનો ટ્રાફિકમાં ઘટાડો થશે

કેબલ સ્ટે ફ્લાયઓવર અને આર્મ્સ બ્રિજનું કામ ૨૦૨૮ પૂરું થશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલાના વાય બ્રિજથી જે.જે. ફ્લાયઓવરને જોડનારો જે.જે.રોડ અને સાબૂ સિદ્ધીક ટેક્નિકલ કોલેજ જંકશન પર  ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય કેબલ-સ્ટે પુલ અને વાય ડક્ટ તેમ જ પૂર્વ-પશ્ર્ચિમને જોડનારા ફ્લાયઓવરને બનાવવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત ફ્લાયઓવરને કારણે સર જમશેટજી જિજિભાઈ રોડ (જે.જે.) સહિત ભાયખલા, નાગપાડા-મઝગાંવ આ દક્ષિણ મુંબઈના મહત્ત્વના રોડ પરના જંકશન પર ટ્રાફિકમાં ઘટાડો થશે. તેમ જ પ્રવાસનો સમય ઘટી જશે અને પૂર્વ-પશ્ર્ચિમ તથા  ઉત્તર-દક્ષિણ દિશામાં થનારો વાહનવ્યવહાર પણ વધુ ઝડપી બનશે એવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે (પ્રોજેક્ટ) ગુરુવારે પ્રોજેક્ટ સાઈટ પર ઈન્સ્પેકશન કર્યું હતું અને કામનો અહેવાલ લઈને ફ્લાયઓવરનું કામ શક્ય એટલી વહેલી તકે પૂરો કરવાનો નિર્દેશ આપ્યો હતો. 
પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ અધિકારીના જણાવ્યા મુજબ ભાયખલામાં સીતારામ સિલમ ફ્લાયઓવર (વાય બ્રિજ)થી કુતુબ-એ-કોંકણ મખદૂમ અલી માહિમી ફ્લાયઓવર (જે.જે.ફ્લાયઓવર)ને જોડનારા જે.જે.રોડ અને સાબૂ સિદ્દીકી તંત્રનિકેતન કોલેજ જંકશન સુધી ફલાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય કેબલ સ્ટે પુલ અને વાયર ડક્ટ તેમ જ પૂર્વ-પશ્ર્ચિમ બાજુને જોડનારા ફ્લાયઓવર આર્મ્સનો સમાવેેશ થાય છે.

અધિકારીના જણાવ્યા મુજબ ક્રોમ્પ્રેહેન્સિવ મોબિલિટી પ્લાન અનુસાર આ ફ્લાયઓવરનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. ફ્લાયઓવરના મુખ્ય કેબલ સ્ટેબ અને વાય ડક્ટ ભાગની કુલ રચના બે-પ્લસ બે લેન સ્વરૂપની છે. કેબલ સ્ટે ભાગની લંબાઈ લગભગ ૨૩૦ મીટર તો વાય ડક્ટની લંબાઈ ૩૧૨ મીટરની છે. આ ભાગની પહોળાઈ ૧૬.૫ મીટર હોઈ ડાબી બાજુએ અપ રૅમ્પ ૨૦૫ મીટર બાય ૫.૨૫ મીટર તો જમણી બાજુએ અપ રૅમ્પ ૨૧૩ મીટર બાય ૫.૨૫ મીટર છે. આ સ્ટ્રકચરના બાંધકામમાં આરસીસી તેમ જ સ્ટ્રક્ચરલ સ્ટેનલેસ સ્ટીલ ટૅકનોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે, તેને કારણે આ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચર મજબૂત અને ટકાઉ તેમ જ લાંબા ગાળા સુધી ચાલી રહે એવું હશે.

મુખ્ય ફ્લાયઓવરને જોડવા માટે પૂર્વ અને પશ્ર્ચિમ દિશામાં ફ્લાયઓવર આર્મ્સ વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ આર્મ્સ વન પ્લસ વન સ્વરૂપના હશે. પશ્ર્ચિમ બાજુએ ફ્લાયઓવર આર્મની લંબાઈ લગભગ ૨૯૦ મીટર તો પૂર્વ બાજુએ ફ્લાયઓવરની લંબાઈ લગભગ ૩૫૦ મીટર છે. બંને બાજુએ ફ્લાયઓવર આર્મની પહોળાઈ ૮.૫ મીટર હોઈ તેના બાંધકામ માટે પણ આરસીસી અને સ્ટ્રક્ચરલ સ્ટેનલેસ સ્ટીલના માળખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય કેબલ સ્ટે-પુલ, વાયડક્ટ અને બંને બાજુએ ફ્લાયઓવર આર્મ્સને એક સાથે જોડવામાં આવી રહ્યા હોવાથી વિવિધ દિશાથી આવતો ટ્રાફિક વધુ ઝડપી બની રહેશે.

આ પ્રોેજેકટ નિર્ધારિત સમયને બાદ કરતા ૨૬ મહિના એટલે મે ૨૦૨૮માં પૂરો થવાનો છે. હાલ આ પ્રોજેક્ટનું કામ ૨૨ ટકા થયું છે ત્યારે વધુ મનુષ્યબળ અને મશીનરીનો ઉપયોગ કરીને કામ ઝડપી કરવાનો નિર્દેશ એડિશનલ કમિશનરે આપ્યો હતો. એક વખત આ ફ્લાયઓવરનું કામ પૂરું થઈ જશે તો દક્ષિણ મુંબઈના ભાયખલામાં પૂર્વ-પશ્ર્ચિમ અને ઉત્તર-દક્ષિણનો પ્રવાસ વધુ ઝડપી થશે.