Thu Apr 30 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 8 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-08 08:29:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-08 23:33:11

મિલરે ફીલ્ડિંગ પછી બૅટિંગમાં પણ ડાઇવ મારી, ઈજા પામતાં રિટાયર-હર્ટ થયો

ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કૅપિટલ્સનો બૅટ્સમૅન ડેવિડ મિલર 13મી ઓવરમાં 12 રન પર હતો ત્યારે એક તબક્કે ડાઇવ મારીને ક્રીઝમાં પહોંચવા ગયો ત્યારે તેને હાથમાં ઈજા થઈ હતી જેને કારણે તે ત્યારે રિટાયર હર્ટ થયો હતો. તેણે થોડા કલાક પહેલાં ફીલ્ડિંગમાં પણ ડાઇવ મારી હતી એટલે તેને થોડી ઈજા ત્યારે પણ થઈ હોવાનું મનાય છે. મિલર પૅવિલિયનમાં પાછો આવી જતાં કૅપ્ટન અક્ષર પટેલ રમવા આવ્યો હતો અને તેણે રાશીદ ખાનને હૅટ-ટ્રિક નહોતી લેવા દીધી. રાશીદે તેની પાછલી ઓવરના અંતિમ બે બૉલમાં નીતીશ રાણા અને સમીર રિઝવીને આઉટ કર્યા હતા. દરમ્યાન, મિલર પાછો ગયો ત્યાર પછી અક્ષર પણ આઉટ થયો હતો, પણ કે. એલ. રાહુલે (86 નૉટઆઉટ, 48 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) એક ગઢ સાચવી રાખ્યો હતો. 16મી ઓવરને અંતે દિલ્હીનો સ્કોર 4/157 હતો અને 24 બૉલમાં 54 રન બાકી હતા.

2026-04-08 22:39:07

દિલ્હી કૅપિટલ્સનો સમીર રિઝવી `હીરોમાંથી ઝીરો'

ગુજરાત ટાઇટન્સ સામેની મોટી કસોટીવાળી મૅચમાં દિલ્હી કૅપિટલ્સની યજમાન ટીમ મોટી મુસીબતમાં આવી ગઈ છે, કારણકે કે. એલ. રાહુલ (60 નૉટઆઉટ) તથા સાથી ઓપનર પથુમ નિસાન્કા (41 રન) વચ્ચેની 76 રનની ઓપનિંગ પાર્ટનરશિપ પાણીમાં જઈ શકે એવી ભીતિ છે. નિસાન્કા અને નીતીશ રાણા (પાંચ રન)ની વિકેટ ટૂંકા અંતરમાં પડી ગઈ ત્યાર બાદ પાછલી બે મૅચનો હીરો સમીર રિઝવી (0) આજે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. સ્પિનર રાશીદ ખાને તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. રાશીદે બે બૉલમાં રાણા અને રિઝવીને પૅવિલિયનમાં પાછા મોકલ્યા હતા. નિસાન્કાની વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી હતી. 11.2 ઓવરમાં દિલ્હીનો સ્કોર 3/113 હતો અને બાવન બૉલમાં બીજા 98 રન કરવાના બાકી હતા.

 

2026-04-08 21:37:38

ત્રણ હાફ સેન્ચુરીની મદદથી ગુજરાતના ચાર વિકેટે 210

નવી દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સે પ્રથમ બૅટિંગનો લાભ મળ્યો અને 20 ઓવરમાં ફક્ત ચાર વિકેટના ભોગે 210 રન કરીને યજમાન ટીમને 211 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ગરદનની ઈજામાંથી મુક્ત થઈને પાછા રમવા આવેલા કૅપ્ટન શુભમન ગિલે (70 રન, 45 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર), જૉસ બટલર (બાવન રન, 27 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને વૉશિંગ્ટન સુંદર (પંચાવન રન, 32 બૉલ, બે સિક્સર, છ ફોર)ના પર્ફોર્મન્સે દિલ્હી માટે જીતવું મુશ્કેલ બનાવી નાખ્યું એમ કહી શકાય. ઓપનર સુદર્શન (12 રન)ની વિકેટ બાદ ગિલ-બટલર વચ્ચે બીજી વિકેટ માટે 60 રનની અને ગિલ-સુંદર વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની પાર્ટનરશિપ થઈ હતી.

2026-04-08 20:23:47

અમેરિકાએ કહ્યું અમે ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો

ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે બુધવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષણ શક્ય બનાવી છે. તેમજ કહ્યું છે કે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલે તેમના બધા ઉદ્દેશ્યો હાંસલ કર્યા છે.  તેમજ આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરી નાખી છે.

2026-04-08 19:14:12

ગુજરાત સામે દિલ્હીના કૅપ્ટન અક્ષરે ફીલ્ડિંગ પસંદ કરી

પાટનગરમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે ગુજરાત ટાઇટન્સ સામે ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો. ગુજરાતનો ઈજાગ્રસ્ત સુકાની શુભમન ગિલ ગરદરના દુખાવામાંથી મુક્ત થઈ ગયો છે અને તેણે કહ્યું કે તે ટૉસ જીત્યો હોત તો તેણે પહેલા બૅટિંગ જ પસંદ કરી હોત. ગિલ પાછો ઈલેવનમાં આવી જતાં કુમાર કુશાગ્રને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ સાત મૅચ રમાઈ છે જેમાંથી ચાર ગુજરાતે અને ત્રણ દિલ્હીએ જીતી છે.

2026-04-08 18:45:26

કેન્દ્ર સરકારે ઈંધણની સ્થિતી અંગે સ્પષ્ટતા કરી, કહ્યું ઇંધણનો પૂરતો પૂરવઠો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વિરામની જાહેરાત બાદ અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ અને ગેસનો પૂરવઠો પૂર્વવત થવાની સંભાવના છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશમાં ઈંધણની સ્થિતી અંગે સ્પષ્ટતા કરી છે. તેમજ કહ્યું છે દેશમાં કોલસા અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો ઉપલબ્ધ છે. તેમજ વિદેશમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા છે

2026-04-08 17:41:06

યુદ્ધ વિરામ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઉગામ્યુ ટેરિફ વોરનું શસ્ત્ર

અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ દરમિયાન ઈરાનને શસ્ત્રો પૂરા પાડનારા દેશો પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે.

2026-04-08 17:04:29

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાન શેરબજારમાં વિક્રમી ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ અનેક દેશોના શેરબજારોમાં જબરજસ્ત તેજી જોવા મળી છે.  આ દરમિયાન પાકિસ્તાની શેરબજારમાં આજે  સૌથી  મોટો 12,000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.

2026-04-08 15:54:48

આંધ્રપ્રદેશમાં ભ્રષ્ટાચારના કેસમાં સહાયક કમિશનર કલિંગીરી શાંતિની ધરપકડ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એન્ડોમેન્ટ્સ વિભાગમાં સહાયક કમિશનર કલિંગીરી શાંતિની આવક કરતાં વધુ સંપત્તિ'ના કેસમાં ધરપકડ કરી છે. એસીબીએ તપાસ દરમિયાન તેમની પાસેથી સોનું, ચાંદી અને રોકડ જપ્ત કરી છે.

2026-04-08 15:36:39

મિડલ ઇસ્ટમાં યુદ્વ વિરામ બાદ ચીને કહ્યું અમે સતત શાંતિ અને યુદ્ધવિરામના પક્ષમાં

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ માટે ચીનને શ્રેય આપ્યો છે.  જેની બાદ ચીને  પ્રથમ નિવેદન આપ્યું છે. ચીને  ભારપૂર્વક જણાવ્યું છે કે તે સતત શાંતિ અને યુદ્ધવિરામની હિમાયત કરે છે.

2026-04-08 14:47:26

સીઝફાયર અંગે ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિએ શું કહ્યું

અમેરિકાએ આજે ઈરાન યુદ્ધને લઈ 15 દિવસના સીઝફાયરની જાહેરાત કરી હતી. આ અંગે ભારતમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ  ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ જણાવ્યું કે,  ઈરાન પાછલી વખત કરતા વધુ મજબૂત હશે. મને લાગે છે કે જો તેઓ ફરીથી શરૂઆત કરવા માંગતા હશે, તો અમારે પ્રલય સર્જવો પડશે. આ અંતિમ શબ્દ છે.

2026-04-08 13:12:46

ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર કરી શકે છે. અમદાવાદમાંથી મોટાભાગના સિનિયર કોર્પોરેટરોનું પત્તુ કપાઈ શકે છે. ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે કોંગ્રેસનું પણ બીજું લિસ્ટ સામે આવી શકે છે.

2026-04-08 11:43:01

અમરેલી જિલ્લાનામાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓ

અમરેલી જિલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં ગત રાત્રીથી સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર નોંધાયું હતું. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

2026-04-08 10:26:17

પંચમહાલના છોગાળા ગામે દીવાલ ધરાશાયી

પંચમહાલના છોગાળા ગામે દીવાલ ધરાશાયી થતાં બે લોકોના મૃત્યુ થયા છે. 42 વર્ષીય મહિલા અને 7 વર્ષના બાળકનું મોત થયું છે.

2026-04-08 10:25:31

RBIએ રેપોરેટ યથાવત રાખ્યો

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે જાહેરાત કરી હતી કે મોનેટરી પોલિસી કમિટી(MPC)એ રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

2026-04-08 09:31:36

સીઝફાયરથી શેરબજારમાં બલ્લે બલ્લે

શેરબજાર પર અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના સીઝફાયરની સીધી અસર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ BSEનો 30 શેરનો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ પણ ઓપનિંગ સાથે 800 પોઈન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં બમ્પર તેજી વચ્ચે શેરબજાર માટે પોઝિટિવ સંકેતો અગાઉથી જ મળી રહ્યા હતા. 

2026-04-08 08:31:08

સીઝફાયરની જાહેરાત બાદ વ્હાઇટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. એક પ્રદર્શનકારીએ  કહ્યું, હું કોઈપણ એવી વિદેશી સૈન્ય કાર્યવાહીનો સખત વિરોધ કરું છું જેમાં આટલી મોટી સંખ્યામાં નાગરિકોના મોત થતા હોય. હું નથી માનતો કે અમેરિકી સેનાએ કોઈ પણ બહાના વગર, બેદરકારીપૂર્વક ઈરાન પર બોમ્બમારો કરવો જોઈએ, જે આ ક્ષેત્રના તમામ દેશો માટે નુકસાનકારક છે. મને લાગે છે કે એકંદરે આ માત્ર એક કરૂણાંતિકા છે, અને આપણે તેને વહેલી તકે સમાપ્ત કરવાની જરૂર છે. આ દરમિયાન અમેરિકાના 80થી વધારે સાસંદોએ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના રાજીનામાની માંગ કરી છે.

2026-04-08 08:30:20

અમેરિકા- ઈરાન વચ્ચે સીઝફાયર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઈરાન પર થનારા સંભવિત હુમલા અને બોમ્બમારાને હાલ પૂરતો બે અઠવાડિયા માટે રોકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે માહિતી આપી હતી કે આ સમયગાળા દરમિયાન ન તો અમેરિકા હુમલો કરશે અને ન તો ઈરાન કોઈ આક્રમક પગલું ભરશે. જોકે, આ સમજૂતી માટે એક મોટી શરત રાખવામાં આવી છે, જે મુજબ ઈરાને તાત્કાલિક, સંપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડી ખોલવી પડશે.