દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વૈભવે બુમરાહના પહેલા જ બૉલમાં ફટકારી સિક્સર, મુંબઈના ચારેય બોલરની બોલિંગમાં ધુલાઈ
ગુવાહાટીમાં મુંબઈ સામે વરસાદના લાંબા વિઘ્ન બાદ શરૂ થયેલી 11-11 ઓવરની મૅચમાં રાજસ્થાનના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી અને મુંબઈના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે પહેલી જ વખત ટક્કર થઈ હતી અને એમાં શરૂઆતમાં વૈભવ મેદાન મારી ગયો છે. તેણે બુમરાહનો જે પહેલા બૉલનો સામનો કર્યો એમાં તેમ જ ચોથા બૉલમાં સિક્સર ફટકારી હતી અને એ ઓવરમાં 14 રન બન્યા હતા. એ પહેલાં, યશસ્વીએ દીપક ચાહરની મૅચની પહેલી ઓવરમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી કુલ બાવીસ રન કર્યા હતા. યશસ્વીએ ત્રીજા પેસ બોલર ટ્રેન્ટ બૉલ્ટને પણ નહોતો છોડ્યો અને તેના પહેલા ચારમાંથી ત્રણ બૉલમાં સિક્સર ફટકારી હતી. એ ઓવરમાં પણ બાવીસ રન બન્યા હતા. ત્રણ ઓવરને અંતે રાજસ્થાનનો સ્કોર 0/58 હતો જેમાં યશસ્વીના 37 રન અને વૈભવના 20 રન સામેલ હતા. કૅપ્ટન હાર્દિકે ચોથી ઓવર કરી હતી જેમાં રાજસ્થાનના ઓપનર્સને બે્રક લાગી હતી અને ત્રણ રન થયા હતા. જોકે વૈભવે પાંચમી ઓવર કરનાર શાર્દુલના પ્રથમ બૉલમાં છગ્ગો અને બીજા બૉલમાં ચોગ્ગો ફટકારીને બરસાપારા સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું.

મુંબઈએ ફીલ્ડિંગ લીધી, 10.10 વાગ્યે શરૂ થશે 11-11 ઓવરની મૅચ
ગુવાહાટીમાં મુંબઈ-રાજસ્થાન મૅચ પહેલાં ખૂબ પડેલો વરસાદ હવે બંધ થઈ ગયા બાદ મેદાન સૂકાવવામાં આવી રહ્યું છે અને ટૉસ કરી લેવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ફિટ થઈને રમવા આવી ગયો છે અને તેણે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. રિયાન પરાગ રાજસ્થાનનો કૅપ્ટન છે. 10.10 વાગ્યે પ્રથમ બૉલ ફેંકાશે અને બન્ને ટીમ 11-11 ઓવર રમશે. પાવરપ્લે પહેલી 3.2 ઓવર સુધી ચાલશે.

ઇઝરાયલે ઈરાનમાં આઠ મુખ્ય પુલ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા
ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. જેમાં આઠ મુખ્ય પુલ અને લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આને "આતંકવાદી શાસન" સામેની કાર્યવાહી ગણાવી હતી. આ હુમલામાં વીજળી અને રેલવે સેવાઓ ખોરવાઇ છે. જ્યારે પ્રદેશમાં તણાવ વધુ વધ્યો છે.
ગુવાહાટીમાં હજી પણ વરસાદ, પાંચ-પાંચ ઓવર માટે રાત્રે 10.50નો કટ-ઑફ ટાઇમ
આસામના ગુવાહાટી શહેરમાં કમોસમી વરસાદ હજી પણ પડી રહ્યો હોવાથી મુંબઈ-રાજસ્થાન મૅચ વધુ વિલંબમાં મુકાઈ છે. પાંચ-પાંચ ઓવરની મૅચ રમી શકાય એ માટે રાત્રે 10.50 વાગ્યાનો કટ-ઑફ ટાઇમ નક્કી કરવામાં આવ્યો છે. ટૉસ પણ નથી થઈ શક્યો. સોમવારે કોલકાતામાં વરસાદ પડતાં કોલકાતા અને પંજાબ વચ્ચેની મૅચ ધોવાઈ ગઈ હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાયો હતો. આજે પણ આવું બનશે તો નવાઈ નહીં લાગે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હિમંતા બિસ્વા શર્માની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાની વાત ખોટી
કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની પત્ની રિંકી ભૂયાન શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં તેમના પર ત્રણ અલગ અલગ દેશોના પાસપોર્ટ હોવાનો આરોપ લગાવ્યો હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.
ભારતનાં શૂટર પલક-મુકેશ વર્લ્ડ રેકૉર્ડ સાથે જીત્યાં ગોલ્ડ મેડલ
સ્પેનના ગે્રનાડામાં આયોજિત રાઇફલ તથા પિસ્તોલ શૂટિંગ માટેના આઇએસએસએફ વર્લ્ડ કપમાં ભારતનાં પલક અને મુકેશ નેલાવલ્લીની જોડીએ 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં વિશ્વ વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમણે 487.7ના નવા જુનિયર વર્લ્ડ રેકૉર્ડ સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ચીનના સ્પર્ધકોએ સિલ્વર અને હંગેરીના સ્પર્ધકોએ બ્રૉન્ઝ મેળવ્યો હતો.
ગુવાહાટીમાં વરસાદને લીધે મુંબઈ-રાજસ્થાન મૅચ શરૂ થવામાં વિલંબ
ગુવાહાટીમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને મુંબઈ-રાજસ્થાન મૅચમાં ટૉસ પણ વિલંબમાં મુકાયો છે. જોકે વરસાદની આગાહી હતી એટલે કોઈને નવાઈ નથી લાગી, પરંતુ મૅચ શરૂ થયા પછી ફરી વિઘ્ન આવી શકે એનો ડર ઘણાને હતો. સોમવારે કોલકાતામાં વરસાદ પડતાં કોલકાતા અને પંજાબ વચ્ચેની મૅચ ધોવાઈ ગઈ હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાયો હતો.
ઇરાને યુએઇ અને ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા, બે પાકિસ્તાની ઘાયલ
પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. ત્યારે ઇરાને પણ હવે યુએઇ અને ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા છે. જેમાં ઇરાને યુએઇમાં એક બિલ્ડિંગ પર મિસાઇલ ફેંકી છે. જેમાં બે પાકિસ્તાની ઘાયલ થયા છે.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના ખાર્ગ ટાપુ પર અનેક હુમલા કર્યા
અમેરિકા અને ઇઝરાયલે નક્કી કરેલી સમય મર્યાદા પૂર્વે જ ઈરાનના ખાર્ગ ટાપુ પર અનેક હુમલા કર્યા છે. તેમજ દક્ષિણ ઇરાનમાં સ્થિત કોમ શહેર નજીક એક પુલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇરાનના મશહદ શહેરમા રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપ્યું, નવા સીઇઓની તપાસ તેજ
દેશમાં છેલ્લા અનેક મહિનાઓથી સતત નુકસાનનો સામનો કરી રહેલી એર ઈન્ડિયા માટે માઠા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર( સીઇઓ) કેમ્પબેલ વિલ્સને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેની બાદ હવે કંપનીએ નવા સીઇઓ માટેની તપાસ પણ તેજ કરી દીધી છે.
તુર્કીના ઇસ્તાંબુલમાં ઇઝરાયલી કોન્સ્યુલેટની બહાર ગોળીબાર, ત્રણ હુમલાખોર માર્યા ગયા
મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે તુર્કીના ઇસ્તાંબુલમાં ઇઝરાયલી કોન્સ્યુલેટની બહાર ગોળીબારની ઘટના બની છે. જેમાં ત્રણ હુમલાખોર માર્યા ગયા છે જ્યારે એક હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબારીમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો છે. તેની બાદ ઇમારતની આસપાસનો વિસ્તાર તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા પવન ખેડાના નિવાસે પહોંચી આસામ પોલીસ, તપાસ શરૂ
આસામમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પાસે ત્રણ પાસપોર્ટ હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીઓ વધી છે. તેમજ આસામ પોલીસ આ કેસના સંદર્ભે તપાસ કરવા પવન ખેડાના દિલ્હીના નિવાસ સ્થાને પહોંચી છે. જેના લીધે પવન ખેડાને દિલ્હી પરત આવવાની ફરજ પડી છે.
ઈઝરાયલે ઈરાનના નાગરિકોને ટ્રેનમાં મુસાફરી નહી કરવાની સલાહ આપી
મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે અમેરિકાએ ઈરાનને કરાર કરવા માટે આપેલી સમયમર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી પણ આપી છે જો ઈરાન કરાર કરવામાં નિષ્ફળ જશે તો મોટો હુમલો કરવામાં આવશે. જેના પગલે ઈઝરાયલે ઈરાનના નાગરિકોને ટ્રેનમાં મુસાફરી નહી કરવાની સલાહ આપી છે.
ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની આગાહી
રાજ્યમાં આજે અનેક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,ભરૂચ તેમજ ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે હળવા વરસાદ પડવાની આગાહી છે.