Wed Sep 09 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 26 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-08-26 07:30:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 26 Aug 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-08-26 21:23:14

જમ્મુ કાશ્મીરના પુંછમાં ગમખ્વાર અકસ્માત, કાર ખીણમાં પડતાં છ લોકોના મોત

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતના છ લોકોના કરુણ મોત થયા છે. જેમાં પૂંછના સુરનકોટ તાલુકામાં એક કાર કાબુ ગુમાવીને ખીણમાં ખાબકી હતી. જેના પગલે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

2026-08-26 19:30:44

રાજકોટ જિલ્લામાં હસી મજાકમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, પોલીસે તપાસ શરૂ કરી

ગુજરાતના રાજકોટ જિલ્લામાં સામાન્ય હસી મજાકમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભત્રીજાએ કાકાની છાતી પર છરીના ઘા માર્યા હતા. જેની બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ  જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન કાકાનું મૃત્યુ થયું હતું.

2026-08-26 17:15:54

ભાજપની નવી ટીમ બાદ હવે મોદી કેબિનેટમાં પણ ફેરફારની શક્યતા

દેશના વર્ષ 2027ના અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં આ ચૂંટણીને પગલે યુવાનો, મહિલાઓ અને ગઠબંધન ભાગીદારોના પ્રતિનિધિત્વને સંતુલિત કરવા ફેરફાર કરવામાં આવી શકે છે.

2026-08-26 17:02:56

ભારત વિજયની નજીક પહોંચ્યું ત્યાં મેઘરાજા નડ્યા અને રમત વહેલી સમેટાઈ

શ્રીલંકાએ કોલંબોની નિર્ણાયક ટેસ્ટમાં ફૉલો-ઑન પછી બીજા દાવમાં 213 રનની તોતિંગ સરસાઈ ઉતારીને માંડ 16 રન બનાવ્યા અને ભારતીય બોલર્સ ત્રાટકતાં એની છ વિકેટ પડી ચૂકી હતી ત્યાં મેઘરાજાએ પ્રકોપ બતાવ્યો જેને લીધે આજની રમત પર પડદો પડી ગયો છે. શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર 6/229 છે. માનવ સુથારે બે વિકેટ તેમ જ જાડેજા, સિરાજ, ક્રિષ્ના અને સારાંશ જૈને એક-એક વિકેટ મેળવી છે. હજી સવારે પ્રથમ દાવમાં સેન્ચુરી પૂરી કરીને આઉટ થનાર સોનાલ દિનુશા બીજા દાવમાં સાત રને અને કેશારા નુવાન્થા ત્રણ રને રમી રહ્યા હતા.

2026-08-26 16:30:00

રક્ષાબંધનના દિવસે બાબા મહાકાલને અર્પિત કરાશે બે ફૂટની  રાખડી, 1. 25 લાખ લાડુનો મહાપ્રસાદ પણ ધરાવાશે

મધ્ય પ્રદેશના ઉજ્જૈન આવેલા મહાકાલ મંદિર રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રક્ષાબંધનના દિવસે બાબા મહાકાલને ગર્ભ ગૃહમાં બે ફૂટની રાખડી અર્પિત કરવામાં આવશે. જેમાં ભસ્મ આરતી,પંચામૃત અભિષેક અને વિશેષ શણગાર પછી બે ફૂટ લાંબી ભવ્ય રાખડી  તેમને અર્પિત કરવામાં આવશે. તેમજ  1.25  લાખ લાડુનો મહાભોગ પણ અર્પણ કરવામાં આવશે.

2026-08-26 16:01:39

શ્રીલંકાના બીજા દાવમાં `પાંચ રન' અને ગુમાવી દીધી પાંચ વિકેટ

કોલંબોમાં ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં પરાજયથી બચવા ઝઝૂમી રહેલી શ્રીલંકાની ટીમે ફૉલો-ઑન થયા બાદ 213 રનની સરસાઈ ઉતારીને બીજા પાંચ રન બનાવ્યા છે, પરંતુ તેણે પાંચ વિકેટ ગુમાવી દીધી છે. બીજા દાવમાં યજમાન ટીમના પાંચ વિકેટે 218 રન છે, પરંતુ લીડ ઊતાર્યા બાદ એનો સ્કોર 5/5 છે. પાસિન્ડુ સૂર્યાબંડારા સતત બીજા દાવમાં સેન્ચુરીથી વંચિત રહ્યો છે. પ્રથમ દાવમાં 80 રનના સ્કોર પર જાડેજાના બૉલમાં ક્લીન બોલ્ડ થયેલા આ 26 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટ્સમૅને સેકન્ડ ઇનિંગ્સમાં 92 રનના પોતાના સ્કોર પર સ્પિનર માનવ સુથારને વિકેટ આપી દીધી છે. તે ફરી ફીલ્ડિંગ કરવા આવેલા વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ થયો હતો. એ પહેલાં, કૅપ્ટન ધનંજય ડિસિલ્વાને પણ સુથારે જ આઉટ કર્યો હતો. સુથારે પ્રથમ દાવની ત્રણ વિકેટ બાદ આ દાવમાં કુલ બે વિકેટ મેળવી છે.

2026-08-26 15:50:09

બિહારના ભાગલપુરમાં મોટી દુર્ઘટના, ગંગા નદીમાં હોડી પલટતા છ મજૂરો લાપતા

બિહારના ભાગલપુરમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં  રાધોપુર વિસ્તારમાં 18 મજૂરોને લઇને જતી હોડી ગંગા નદીમાં પલટી હતી. જેમાં 12 મજૂરો તરીને બહાર આવ્યા હતા જ્યારે છ લોકો હજુ લાપતા છે. એસડીઆરએફની ટીમ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

2026-08-26 15:37:39

નેપાળમાં આવેલા પૂર બાદ બિહારમાં પણ પૂરનો ખતરો, વહીવટીતંત્ર એલર્ટ

નેપાળમાં ગંડક નદીના કેચમેન્ટ આવેલા પૂર બાદ હવે ભારતના બિહારમાં પૂરનો ખતરો વધ્યો છે. જેમાં નદીના પ્રવાહમાં અચાનક વધારો થતાં બિહારના ચેતવણી જાહેર કરવામાં આવી છે.

2026-08-26 14:32:21

શ્રીલંકાએ ઝડપથી 185 રન બનાવ્યા, પણ ત્રણ વિકેટ ગુમાવી

કોલંબો ટેસ્ટમાં ભારતના પહેલા દાવના 9/503ના ટોટલથી 213 રન પાછળ રહી ગયા બાદ ફૉલો-ઑન થયેલા શ્રીલંકાએ બીજા દાવમાં લગભગ 4.00ના રન રેટથી 47.3 ઓવરમાં 185 રન બનાવ્યા. જોકે એણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. લીડ ઉતારવા માટે શ્રીલંકાએ હજી બીજા 28 રન બનાવવાના બાકી છે. ત્રણમાંથી એક-એક વિકેટ સિરાજ, જાડેજા અને ક્રિષ્નાએ મેળવી છે. ક્રિષ્નાએ સૂર્યાબંડારા અને કામિન્ડુ વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 115 રનની ભાગીદારી તોડી હતી. કામિન્ડુ 55 રન કરીને આઉટ થઈ ગયો હતો, પણ સૂર્યાબંડારા 86 રન પર રમી રહ્યો હતો.

2026-08-26 14:11:51

પ્રસિદ્ધ ક્રિષ્નાએ અપાવી મોટી સફળતા

પ્રસિદ્ધ ક્રિષ્નાએ મેન્ડિસને 55 રનના અંગત સ્કોર પર ગિલના હાથે કેચ આઉટ કરાવીને ભારતને મોટી સફળતા અપાવી હતી. શ્રીલંકા હજુ 34 રનથી પાછળ છે. પસિન્દુ   83 રને રમતમાં છે.

2026-08-26 13:26:45

નેપાળમાં આવ્યું ભયાનક પૂર, 1000 થી વધારે લોકો તણાયાની આશંકા

રાસુવાઃ નેપાળમાં અચાનક ભયાનક પૂર આવ્યું હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. તિબેટ બાજુથી આવેલું આ ભયાનક પૂર નેપાળમાં તહાબી મચાવી રહ્યું છે. પ્રચંડ પૂરને કારણે નેપાળના રાસુવા જિલ્લાના તૈમુરે બજાર વિસ્તારમાં વ્યાપક વિનાશ થયો છે. નેપાળના રાસુવા જિલ્લાના તૈમુરે બજારમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 1000 થી વધારે લોકો પૂરમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ આંકડા અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી છે.

2026-08-26 13:22:45

કૃતિ સેનનની રક્ષાબંધન એડ પાછી ખેંચવામાં આવી

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ થયો હતો. ભારે ટ્રોલિંગ બાદ કંપનીએ જાહેરાત પાછી ખેંચી છે.

2026-08-26 10:28:02

શ્રીલંકા 290 રનમાં ઑલઆઉટ, સોનાલ દિનુશાની સદી

ભારત શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. શ્રીલંકા 290 રનમાં ઑલઆઉટ થયું હતું. ભારતને 213 રનની લીડ મળી હતી, સોનાલ દિનુશાએ 103 રનની ઈનિંગ રમી હતી. માનવ સુથાર અને પ્રસિદ્ધ કૃષ્ણાને 3-3 વિકેટ મળી હતી. ડેબ્યૂ મેન સારાંશ જૈને 2 વિકેટ ઝડપી હતી.

2026-08-26 09:53:59

ઇસ્લામાબાદમાં હૉસ્પિટલમાં આગથી 15 બાળકોના મોત

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની એક હૉસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. જેમાં 15 નવજાત બાળકોના મોત થયા છે. આગ કેવી રીતે લાગી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

2026-08-26 07:37:25

દિલ્હી સ્વાઈન ફ્લૂના ભરડામાં

દિલ્હીમાં સ્વાઈન ફલૂના 2300થી વધારે કેસ નોંધાયા છે. ગૌતમબુદ્ધ નગરમાં એક જ દિવસમાં 105 નવા કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. નોયડામાં 24 કલાકમાં આઠ ગણા કેસ વધ્યા છે. સ્વાઈન ફ્લૂના કહેરને ધ્યાનમાં રાખી એનસીઆરની હૉસ્પિટલો એલર્ટ મોડમાં રાખવામાં આવી છે.

2026-08-26 07:36:59

હિમાચલ પ્રદેશમાં આવ્યો 4.0 તીવ્રતાનો ભૂકંપ

શિમલા: હિમાચલ પ્રદેશના રહેવાસીઓ આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ગભરાઈ ગયા હતા. સવારે 5:46 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ છે. જોકે, જાનમાલના નુકસાન કે નુકસાનના કોઈ અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર શિમલાથી આશરે 66 કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં 10 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. લગભગ ત્રણ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.