દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અમદાવાદમાં 11માં માળેથી કૂદીને યુવતીનો આપઘાત
અમદાવાદ શહેરમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. થલતેજ મેટ્રો સ્ટેશન નજીક આવેલા ફ્લેટના 11માં માળેથી કૂદીને યુવતીએ આપઘાત કરી લીધો છે. 11માં માળેથી નીચે પટકાતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું, ઘટનાની જાણ થતાની સાથે જ બોડકદેવ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને મૃતદેહના પોસ્ટમાર્ટમની કામગીરી હાથ ધરી હતી.
આંધ્રપ્રદેશમાં પરિવારના પાંચ સભ્યોના મૃત દેહ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી
આંધ્રપ્રદેશમાં એક રૂમમાં પરિવારના પાંચ સભ્યોના મૃત દેહ મળી આવ્યા હતા. જેના પગલે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ બાબતને ગંભીર ગણીને તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
ગુજરાત ATS એ વોન્ટેડ આરોપી સુખપિંદર સિંહ ઉર્ફે સુખીની ધરપકડ કરી
ગુજરાત ATS એ પંજાબના બટાલામાં નોંધાયેલા ફાયરિંગ કેસના સંદર્ભમાં વોન્ટેડ આરોપી સુખપિંદર સિંહ ઉર્ફે સુખીની ધરપકડ કરી છે. તેને પાલનપુરની એક હોટલમાં શોધી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન, તેણે કથિત રીતે જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ સાથેના સંબંધોની કબૂલાત કરી છે. તેના પર પંજાબ અને ગુજરાતમાં અગાઉ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં દાનની રકમની હેરાફેરી, સુપ્રીમ કોર્ટેનું કડક વલણ
રામ મંદિર દાન ચોરી કેસ બાદ દેશના અન્ય મંદિરોના પણ દાનની ગેરરીતિના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરમાં દાનના દુરુપયોગ અને ભંડોળના અનિયમિત ઉપાડના આરોપો અંગે મંગળવારે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેમજ કહ્યું છે કે દાનની તમામ રકમ તિજોરીમાં જમા કરાવવામાં આવે.
કોલંબોની ટેસ્ટમાં ફરી વરસાદનું વિઘ્ન, રમત વહેલી સમેટી લેવી પડી
કોલંબોમાં શ્રીલંકાને વહેલાસર ઑલઆઉટ કરીને એને આજના ત્રીજા દિવસે ફૉલો-ઑન થવા મજબૂર કરીને ભારત બુધવાર અથવા ગુરુવારે એક દાવથી જીતી શકે એમ છે, પરંતુ મેઘરાજા વારંવાર વરસીને પરેશાન કરી રહ્યા છે. ભારતના પ્રથમ દાવના 9/503ના જવાબમાં શ્રીલંકાનો સ્કોર 8/265 હતો ત્યારે ફરી વરસાદ પડતાં અમ્પાયરે છેવટે આજની રમત પૂરી થઈ હોવાની જાહેરાત કરી હતી. સોનાલ દિનુશા 85 રન પર અને લાહિરુ કુમારા આઠ રને રમી રહ્યા હતા. આઠમાંથી ત્રણ વિકેટ સ્પિનર માનવ સુથારે અને ત્રણ વિકેટ પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી છે. જાડેજા તથા સિરાજ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા છે. નવા ઑફ-સ્પિનર સારાંશ જૈનને 51 રનમાં વિકેટ નથી મળી, પણ તેણે શ્રીલંકન બૅટ્સમેનોને થોડા કાબૂમાં રાખવામાં ઉપયોગી ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા બુધવારે 304 રન સુધી પહોંચશે તો ફૉલો-ઑનથી બચી શકશે.

માનવ સુથારે 57 રનની ભાગીદારી તોડી, શ્રીલંકા વધુ મુસીબતમાં
કોલંબોની બીજી ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવના 9/503ના જવાબમાં શ્રીલંકાએ ટી-ટાઇમ પછી 230 રનના સ્કોર પર આઠમી વિકેટ ગુમાવતાં યજમાન ટીમે ફૉલો-ઑન થવું પડે એની સંભાવની વધી ગઈ હતી. કેશારા નુવાન્થા (74 બૉલમાં 18 રન) અને સોનાલ દિનુશા (120 બૉલમાં 80 નૉટઆઉટ) વચ્ચે આઠમી વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ હતી જે સ્પિનર માનવ સુથારે તોડી હતી. એ સાથે, સુથાર અને ક્રિષ્નાની ત્રણ-ત્રણ વિકેટ થઈ છે. સિરાજ-જાડેજાએ એક-એક વિકેટ મેળવી છે. 77મી ઓવરને અંતે શ્રીલંકાનો સ્કોર 8/258 હતો. ફૉલો-ઑનથી બચવા શ્રીલંકાએ 304 રન સુધી પહોંચવું જરૂરી છે.

શ્રીલંકાએ સાતમી વિકેટ ગુમાવી, ફૉલો-ઑન થઈ શકે
કોલંબોમાં શ્રીલંકાએ ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં મંગળવારે ત્રીજા દિવસે પ્રથમ દાવમાં ભોજનના વિશ્રામ બાદ વધુ વિકેટો ગુમાવતાં હવે યજમાનોએ ફૉલો-ઑન થવું પડે એવી તેમની હાલત છે. શ્રીલંકાએ ફૉલો-ઑન ટાળવા 304 રનના ફુલ સ્કોર સુધી પહોંચવું જરૂરી છે. શ્રીલંકાએ 46મી ઓવરમાં 173 રનના સ્કોર પર સાતમી વિકેટ ગુમાવી હતી. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ વિકેટ, સ્પિનર માનવ સુથારે બે વિકેટ તેમ જ સિરાજ અને જાડેજાએ એક-એક વિકેટ મેળવી હતી. ભારતે સોમવારે પહેલો દાવ 9 વિકેટે 503 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. પડિક્કલ (117 રન) અને ધ્રુવ જુરેલ (115 રન)એ સેન્ચુરી કરી હતી.

શ્રીલંકાએ 130 રનમાં ચાર વિકેટ ગુમાવી
શ્રીલંકાએ કોલંબોમાં ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં મંગળવારે ત્રીજા દિવસે પ્રથમ દાવમાં ભોજનના વિશ્રામ સુધીમાં 130 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ વિકેટ તેમ જ સ્પિનર માનવ સુથારે એક વિકેટ મેળવી હતી. ભારતે સોમવારે પહેલો દાવ 9 વિકેટે 503 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. પડિક્કલ (117 રન) અને ધ્રુવ જુરેલ (115 રન)એ સેન્ચુરી કરી હતી.
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા સામે હર્ષ સંઘવીનું કડક વલણ
સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતી સામે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કોઈપણ પ્રકારની ભ્રામક કે અફવાજનક માહિતી ફેલાવનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે. અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સાથે ભ્રામક માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ FIRનો દૌર શરૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે!
વાહનોના પ્રદૂષણ નિયંત્રણમાં થતી બેદરકારી અંગે CAG ના ઓડિટ રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, ગુજરાતમાં 39.13 લાખ વાહનોના PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયા હોવા છતાં તેઓ રસ્તા પર દોડી રહ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2009 થી 2019 વચ્ચે રજિસ્ટર્ડ થયેલા 69.29 લાખ વાહનોએ 2019 થી 2024 ના 5 વર્ષ દરમિયાન એક પણ વખત પોતાનું PUC રિન્યૂ કરાવવાની તસદી લીધી નહોતી.