Mon Jun 08 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 07 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-07 08:29:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-07 22:41:13

વૈભવની સાથે તેના મમ્મી-પપ્પા પણ આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ જશે, બીસીસીઆઇ ખર્ચ ઉપાડશે

આ મહિને આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતની ટી-20 ટીમમાં 15 વર્ષના સુપરસ્ટાર બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ છે અને તેની સાથે તેના મમ્મી-પપ્પા પણ આ લાંબા પ્રવાસમાં જોડાશે. ભારતીય ટીમ આયરલૅન્ડમાં બે અને ઇંગ્લૅન્ડમાં પાંચ ટી-20 રમશે. પીટીઆઇના અહેવાલ મુજબ વૈભવના પૅરેન્ટ્સના આ પ્રવાસનો ખર્ચ બીસીસીઆઇ ઉપાડશે. ક્રિકેટ બોર્ડનું માનવું છે કે વૈભવની ઉંમર હજી નાની છે એટલે આ લાંબા પ્રવાસમાં તેના મમ્મી-પપ્પા તેની હોવા જોઈએ.

2026-06-07 22:40:46

ભારતની ટાઇ ટેસ્ટના અમ્પાયર વિક્રમ રાજુનું અવસાન

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ અમ્પાયર વી. વિક્રમ રાજુનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે માત્ર બે ટેસ્ટ અને પાંચ વન-ડેમાં અમ્પાયરિંગ કર્યું હતું, પરંતુ તેઓ ખાસ કરીને ભારત-ઑસ્ટ્રેલિયાની ટાઇ ટેસ્ટના અમ્પાયરિંગ માટે ચર્ચામાં રહ્યા હતા. એ ટેસ્ટ 1986માં ચેન્નઈમાં રમાઈ હતી. એ ટેસ્ટના દોઢસો વર્ષના ઇતિહાસની માત્ર બીજી ટાઇ ટેસ્ટ હતી. ચાર દાયકા પહેલાં ઑસ્ટ્રેલિયન સ્પિનર ગે્રગ મૅથ્યૂઝના બૉલમાં 11મા નંબરના બૅટ્સમૅન મનિન્દર સિંહ (0)ને એલબીડબ્લ્યૂની અપીલમાં આઉટ આપવા બદલ અમ્પાયર વી. રાજુની ત્યારે ખૂબ ટીકા થઈ હતી. તેમણે એ ભૂલથી નિર્ણય આપ્યો હોવાની ચર્ચા છે. ભારતને ઑસ્ટ્રેલિયાએ જીતવા 348 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને ભારતનો દાવ 347મા રને પૂરો થતાં મૅચ ટાઇ થઈ હતી. રવિ શાસ્ત્રી 48 રને અણનમ રહ્યા હતા. એ મૅચના બીજા અમ્પાયર દારા દોતીવાલા હતા.

2026-06-07 17:22:05

અફઘાનિસ્તાનની 113 રનમાં પાંચ વિકેટ, માનવ સુથાર છવાઈ ગયો

ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં શનિવારના પ્રથમ દિવસે મૅચ પર મજબૂત પકડ જમાવ્યા બાદ રવિવારના બીજા દિવસે મૅચને એક દાવથી જીતવાની પાક્કી તૈયારી કરી લીધી હતી. ભારતે પ્રથમ દાવ 8/564ના સ્કોર પર સમાપ્ત જાહેર કર્યેા ત્યાર બાદ અફઘાનિસ્તાને માત્ર 113 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમી વિકેટ પડ્યા બાદ બહુ ઓછો સમય બાકી હોવાથી રમતને ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. પાંચમાંથી ત્રણ વિકેટ નવા લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે અને બે વિકેટ અનુભવી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી છે. રહમત શાહ 43 રને દાવમાં હતો.

 

2026-06-07 16:45:30

માનવ અને ક્રિષ્ના વારાફરતી અફઘાનિસ્તાનની વિકેટ લઈ રહ્યા છે!

ભારત સામેની ટેસ્ટમાં આજે બીજા દિવસે અફઘાનિસ્તાને પ્રથમ દાવમાં 98 રનમાં પહેલી ચાર વિકેટ ગુમાવી દીધી છે અને ખૂબી તો એ વાતની છે કે નવા સ્પિનર માનવ સુથાર અને પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ વારાફરતી પ્રવાસી ટીમના બૅટ્સમેનને પૅવિલિયનમાં પાછા મોકલ્યા છે. ઓપનર અબ્દુલ મલિક (16 રન)ની વિકેટ માનવે લીધી તો સેદિકુલ્લા અટલ (17 રન)ની બીજી વિકેટ ક્રિષ્નાએ ક્લીન બોલ્ડમાં મેળવી હતી. રહમનુલ્લા ગુરબાઝ (12 રન)ને માનવે આઉટ કર્યો તો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (20 રન)ને ક્રિષ્નાએ આઉટ કરીને અફઘાનિસ્તાનને વધુ મુશ્કેલીમાં મૂકી દીધું. 34મી ઓવરમાં પ્રવાસી ટીમનો સ્કોર ચાર વિકેટે 102 રન હતો.

2026-06-07 16:09:27

નવો સ્પિનર માનવ સુથાર ફરી ત્રાટક્યો, અફઘાનિસ્તાનની બે વિકેટ લીધી

મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના રહેવાસી લેફ્ટ-આર્મ સ્પિનર માનવ સુથારે ડેબ્યૂમાં જબરદસ્ત પર્ફોર્મ કર્યું છે. તેણે ભારત વતી પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચમાં માત્ર 14 રનમાં બે વિકેટ લીધી છે. ભારતે પ્રથમ દાવ આજે બીજા દિવસે આઠ વિકેટે 564 રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર પછી અફઘાનિસ્તાનની જે પહેલી ત્રણ વિકેટ પડી એમાંથી બે વિકેટ 23 વર્ષીય માનવ સુથારે લીધી હતી. તેણે ઓપનર અબ્દુલ મલિક (16 રન)ને સિરાજના હાથમાં અને અનુભવી ખેલાડી રહમનુલ્લા ગુરબાઝ (12 રન)ને સાઇ સુદર્શનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્રીજી વિકેટ પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ લીધી હતી. તેના બૉલમાં ઓપનર સેદિકુલ્લા અટલ (17 રન) ક્લીન બોલ્ડ થયો હતો. 28મી ઓવરમાં પ્રવાસી ટીમનો સ્કોર 3/83 હતો. ભારત આ મૅચ એક દાવથી જીતી લેવા મક્કમ છે.

2026-06-07 14:47:03

ભારતનો દાવ 8/564ના સ્કોર પર ડિક્લેર્ડ: માનવ સુથારે ડેબ્યૂમાં જ લીધી ટીમની પ્રથમ વિકેટ

ન્યૂ ચંડીગઢમાં અફઘાનિસ્તાન સામે ભારતે આજે ટેસ્ટમાં બીજા દિવસે પ્રથમ દાવ આઠ વિકેટના ભોગે 564 રન હતો ત્યારે ડિક્લેર કરી દીધો હતો. વૉશિંગ્ટન સુંદર બાવન રને અને કુલદીપ યાદવ નવ રને અણનમ રહ્યા હતા. ત્યાર બાદ અફઘાનિસ્તાને 28મા રને જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ વિકેટ પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચ રમી રહેલા રાજસ્થાન રાજ્યના સ્પિનર માનવ સુથારે લીધી હતી. તેણે ઓપનર અબ્દુલ મલિકને મોહમ્મદ સિરાજના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. સિરાજે સ્ક્વેરમાંથી દોડી આવીને મુશ્કેલ કૅચ ઝીલ્યો હતો.

2026-06-07 12:53:02

ભારતના 500-પ્લસ રન: સુદર્શન પછી પંત પણ 81 રન પર આઉટ

ન્યૂ ચંડીગઢમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારતે પ્રથમ ઇનિંગ્સ વધુ મજબૂત કરી છે. સ્કોર સાત વિકેટના ભોગે 510 રન છે. શનિવારે સુદર્શને 81 રને વિકેટ ગુમાવી ત્યાર બાદ આજે રિષભ પંત પણ 81 રન પર વિકેટ ગુમાવી બેઠો. જોકે રાહુલ (100 રન) અને કેપ્ટન ગિલ (126 રન)ની સેન્ચુરીએ ભારતને તોતિંગ સ્કોર અપાવ્યો છે. બે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને નવોદિત માનવ સુથાર 28-28 રને રમી રહ્યા હતા, પણ પછીથી માનવે 28 રન પર જ વિકેટ ગુમાવી હતી. બન્ને વચ્ચે 54 રનની ભાગીદારી થઈ હતી. સુંદર સાથે કુલદીપ યાદવ સાથે જોડાયો હતો.

2026-06-07 08:30:40

ઇઝરાયલે હિઝબુલ્લાહ પર મોટા પાયે હુમલા કર્યા

ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં લગભગ 150 હિઝબુલ્લાહ ઠેકાણાઓ પર ભારે હુમલા શરૂ કર્યા છે. અમેરિકાની મધ્યસ્થી હેઠળની વાટાઘાટો દરમિયાન બંને દેશો શરતી યુદ્ધવિરામ પર સંમત થયાના થોડા દિવસો પછી, દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે.