Sat Apr 18 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 07 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-07 08:20:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-07 22:52:28

લક્ષ્ય સેન ભૂતપૂર્વ ચૅમ્પિયનને હરાવી સેમિમાં અને પછી ફાઇનલમાં પણ પહોંચ્યો

બર્મિંગમઃ અહીં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ઑલ ઇંગ્લૅન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતનો લક્ષ્ય સેન ત્રીજી વખત સેમિ ફાઇનલમાં પહોંચ્યો હતો અને પછી ફાઇનલમાં પ્રવેશ્યો હતો. પી. વી. સિંધુએ મધ્ય પૂર્વના યુદ્ધને કારણે દુબઈમાં અટવાઈ ગયા બાદ ભારત પાછાં આવવું પડ્યું છે, પણ લક્ષ્ય સેન આ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કરી રહ્યો છે. તેણે ક્વૉર્ટરમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન ચીનના લી શિફેન્ગને સળંગ ગેમમાં 21-13, 21-16થી હરાવી દીધો હતો. વિશ્વમાં લક્ષ્યનો બારમો અને શિફેન્ગનો છઠ્ઠો ક્રમ છે. લક્ષ્ય સેને એક કલાક, 37 મિનિટ સુધી ચાલેલી સેમિ ફાઇનલમાં કૅનેડાના વિક્ટર લૅઇને 21-16, 18-21, 21-15થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

2026-03-07 21:27:37

ઈરાનનું મોટું નિવેદન, ખામેનીના મૃત્યુના બદલા સુધી યુદ્ધ ચાલુ રહેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઈરાન પર મોટો હુમલો કરવાના નિવેદન બાદ ઈરાને પણ પ્રતિક્રિયા આપી છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી તે લડાઈ ચાલુ રાખશે.

2026-03-07 20:29:03

નેપાળમાં રેપર બાલેન્દ્ર શાહે કેપી શર્મા ઓલીને હરાવ્યા, જંગી બહુમતી મેળવી

નેપાળમાં યોજાયેલી ચૂંટણી બાદ  હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં  નેપાળના રેપર બાલેન્દ્ર શાહે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો છે.બાલેન્દ્ર શાહે ઝાપા-5 મતવિસ્તારમાં કેપી શર્મા ઓલીને 49,614 મતોથી હરાવ્યા છે.  બાલેન્દ્ર  શાહને 68,348 મત મળ્યા હતા,  જ્યારે ઓલીને ફક્ત 18,734 મત મળ્યા હતા.

2026-03-07 20:08:24

ગુજરાત સરકારે અમદાવાદ સહિત ચાર મનપામાં વહીવટદાર નિમ્યા

અમદાવાદઃ ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આઈએએસ મુકેશ કુમારને વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યા હતા. 
આ સાથે રાજ્ય સરકારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો હવાલો આઈએએસ શાલિની અગ્રવાલને વહીવટકર્તા તરીકે સોંપ્યો હતો અને આઈએએસ મિલિંદ તોરવણેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટકર્તા તરીકે નિયુક્ત કર્યા હતા. રાજ્ય સરકારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટકર્તા તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.

2026-03-07 18:39:43

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી હુમલાની મોટી ધમકી, કહ્યું ઈરાને પાડોશી દેશો સમક્ષ આત્મ સમપર્ણ કર્યું

મિડલ ઇસ્ટમાં હજુ પણ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલુ છે. ત્યારે  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક નિવેદન બહાર પાડીને ઈરાન પર મોટા હુમલાની ધમકી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને માફી માંગી છે અને મધ્ય પૂર્વીય પાડોશીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. તેમજ તેમની ફરીથી હુમલો નહીં કરવાનું વચન પણ આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વચન ફક્ત અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત હુમલાઓને કારણે આપવામાં આવ્યું છે.

2026-03-07 17:53:14

નેપાળમાં શાંતિપૂર્ણ અને સફળ ચૂંટણી માટે પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

નેપાળમાં શાંતિપૂર્ણ અને સફળ ચૂંટણી  માટે પીએમ મોદીએ નેપાળના લોકો અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું એ જોઈને આનંદ  થાય છે કે નેપાળના લોકોએ  ઉત્સાહ સાથે  લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપલબ્ધિ નેપાળના  લોકતાંત્રિક યાત્રા માટે ગર્વની બાબત છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક નજીકનો મિત્ર અને પાડોશી તરીકે ભારત નેપાળના લોકો અને તેમની સરકાર સાથે મળીને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા આયામ સ્થાપિત કરવા માટે પૂર્ણ પ્રતિબધ્ધતા સાથે કાર્ય કરશે.

2026-03-07 17:05:55

હરિયાણાના જીંદમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ મહિલાના મોત

હરિયાણાના જીંદ જિલ્લામાં શનિવારે એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં સફિદોમાં હોળીના રંગ બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ મહિલાઓના મોત થયા છે.

2026-03-07 17:05:14

લક્ષ્ય સેન ભૂતપૂર્વ ચૅમ્પિયનને હરાવી ત્રીજી વખત ઑલ ઇંગ્લૅન્ડની સેમિમાં

ઇંગ્લૅન્ડના બર્મિંગમમાં ચાલી રહેલી ઑલ ઇંગ્લૅન્ડ ઓપન બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં ભારતનો લક્ષ્ય સેન ત્રીજી વખત સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. ભારતની ટોચની મહિલા બૅડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ મધ્ય પૂર્વના યુદ્ધને કારણે દુબઈમાં અટવાઈ ગયા બાદ ભારત પાછાં આવવું પડ્યું છે, પણ લક્ષ્ય સેન આ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કરી રહ્યો છે. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ ચૅમ્પિયન ચીનના લી શિફેન્ગને સળંગ ગેમમાં 21-13, 21-16થી હરાવી દીધો હતો. વિશ્વમાં લક્ષ્યનો બારમો અને શિફેન્ગનો છઠ્ઠો ક્રમ છે.

2026-03-07 16:22:25

ઇઝરાયલના લેબનોનમાં હુમલા, 26 લોકોના મોત 35 ઘાયલ

અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત રીતે ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે હવે ઇઝરાયેલ લેબનોનમાં પણ હિઝબુલ્લાના અનેક સ્થળો પર હુમલા શરુ કર્યા છે.  લેબનોનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે નાબી ચિત શહેરમાં સમગ્ર રાત ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 26 લોકો માર્યા ગયા છે તેમજ 35 લોકો ઘાયલ થયા છે.

2026-03-07 15:55:12

પાકિસ્તાની સેનાએ બલુચિસ્તાનમાં 15 આતંકીઓને ઠાર માર્યા

પાકિસ્તાનના સતત ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે  સુરક્ષા દળોએ બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ કાર્યવાહીમાં 15 આતંકીઓને  ઠાર માર્યા છે.   પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી.  સેનાએ જણાવ્યું હતું કે ગુરુવારે આતંકવાદીઓની અંગે ગુપ્ત માહિતી મળી હતી. તેની બાદ  પાકિસ્તાની સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું.

2026-03-07 15:15:26

ઈરાનમાં ખામેનીના ચારે પુત્ર સુરક્ષિત, પહેલા માર્યા ગયા હોવાના આવ્યા હતા અહેવાલ


મિડલ ઈસ્ટમાં હજુ પણ સ્થિતી તણાવપૂર્ણ છે. જેમાં અમેરિકા અને  ઇઝરાયલના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની હત્યા કરવામાં આવી  હતી. જોકે, આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના ચારે પુત્રો સુરક્ષિત હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ ચારે લોકોની તસવીર પણ જોવા મળી છે. આ પૂર્વે એવા અહેવાલ આવ્યા હતા કે તેમના પુત્રો પણ હુમલામાં માર્યા ગયા છે.

2026-03-07 14:32:40

ઈરાને દુબઈ એરપોર્ટ પર કર્યો હુમલો

ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના કારણે મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલાના કારણે ફ્લાઈટનું ટેકઓફ - લેન્ડિંગ રોકી દેવામાં આવ્યું છે.

2026-03-07 13:01:51

રાજકોટ કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજયગુરુએ રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી

રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.  સૂત્રો મુજબ તેમણે શહેર મોવડી મંડળને પણ જાણ કરી છે. તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયા હતા અને ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા હતા.

2026-03-07 12:26:29

રાજ્યમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા

રાજ્યમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા નોંધાયા હતા. ગીર સોમનાથના ઉનામાં 3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 45 કિમી દૂર નોંધાયું હતું.

2026-03-07 11:24:44

ગુરમીત રામ રહીમને પત્રકારની હત્યા કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને મોટી રાહત મળી છે. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે તેમને આ કેસમાં નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા છે. જોકે, અદાલતે અન્ય ત્રણ દોષિતોની સજા યથાવત રાખી છે. વર્ષ 2002માં ‘પૂરા સચ’ અખબારના સંપાદક રામચંદ્ર છત્રપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2019માં નીચલી અદાલતે ડેરા પ્રમુખ સહિત ચાર લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે હાઈ કોર્ટે આ ચુકાદો બદલીને રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે.

2026-03-07 10:19:03

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલા કર્મીનો કેનાલમાં કૂદીને આપઘાત

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની બે મહિલા કર્મીનો કેનાલમાં કૂદીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોને ફોન કર્યા બાદ બંનેએ મોતની છલાંગ લગાવી હતી. કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને મૃતદેહ બહાર કાઢીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

2026-03-07 09:26:39

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગોવિંદભાઈ પરમારનું બિમારીને કારણે ગઈકાલે નિધન થયું હતું. ગોવિંદભાઈ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા અને ચિખોદરા ગામના વતની હતા. તેઓ વર્ષ 2017 અને 2022 માં સતત બે વાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા. ગોવિંદભાઈ પરમારના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાત વિધાનસભાના સભ્ય  ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશાં તત્પર અને સમર્પિત રહ્યા હતા.

2026-03-07 08:41:34

પાકિસ્તાનના સેના ચીફે સાઉદી અરબના પ્રિન્સ સાથે કરી મુલાકાત

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ કરેલા હુમલા વચ્ચે પાકિસ્તાનના સેના ચીફ આસિમ મુનીરે સાઉદી અરબના પ્રિન્સ ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે ઈરાન પર થયેલા હુમલાને ચર્ચા થઈ હતી.

2026-03-07 08:26:08

અમેરિકા મિડલ ઈસ્ટ પર ત્રીજું એરક્રાફ્ટ તૈનાત કરવાની તૈયારીમાં

મિડલ ઈસ્ટમાં દિવસેને દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા બોમ્બમારામાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન અમેરિકા મિડલ ઈસ્ટ પર ત્રીજું એરક્રાફ્ટ તૈનાત કરવાની તૈયારીમાં છે.