Fri May 01 2026

Logo

કાટ લાગે તો મશીન અવાજ કરે, અક્કલને કાટ લાગે તો એની જીભ...!

2026-05-01 09:11:00
Author: Arvind Vekariya
Article Image

અરવિંદ વેકરિયા

હું શિકારની અસફળતામાંથી ધીમે ધીમે બહાર આવી, ફરી ‘બિઝી’ થવાની વિચારણા કરતો હતો. શિકાર માટે ‘વિકટિમ’ બુકની કેટલી માથાકૂટ કરી. દીનશુંનો ‘ટેમ્પરરી’ અહમ પણ જોઈ લીધો. 

માણસે અહમ અને ઘમંડ વચ્ચેની પાતળી રેખાનું ધ્યાન રાખવું જોઈએ. ઘમંડ શરાબ જેવો હોય છે, પોતાના સિવાય બધાને ખબર હોય છે કે આને ચડી ગયો છે. નાટકનાં સમાધાન વખતે કાંતિ મડિયા અને પ્રવીણ સોલંકીને પણ દીનશું માટે ખબર પડી ગઈ હશે.ભલું થાજો મડિયાના ચુકાદાનું કે ઘીનાં ઠામમાં ઘી પડી રહ્યું અને પારસીબાવા પણ કેવા ખેલદિલ કે આખી વાત એમણે ‘અહમ’નો માવો બનાવી ચાવી કાઢ્યો. 

એ પછી તો અમારા સંબંધ વધ્યા અને વધતાં રહ્યાં જે છેક એમના નિધન સુધી...સાચો સંબંધ હોય છે પુસ્તક જેવો, પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ ક્યારેય પોતાનાં શબ્દો બદલે નહિ. શિકાર ન ચાલ્યું એ મને-કમને સ્વીકારવું રહ્યું. એટલું ખરાબ પણ નહોતું ચાલતું, બે-ચાર શોમાં બધા શોનું સરભર તો થઈ જતું હતું, પણ મૂળ નિર્માતાની હિન્દી ફિલ્મોની વ્યસ્તતા કારણભૂત બનતી જતી હતી, જે મારા કોઈ પણ વાંક વગર મને ચિંતા કરાવતી. મુળુભાએ પણ મહેન્દ્ર બોહરા સાથે બે-ત્રણ વાર વાત કરી જોઈ પણ કદાચ પિતા રામકુમાર બોહરાનાં દબાણે કે પછી કોને ખબર, સાંભળવા મળવા જોઈએ એવા જવાબ ત્યાંથી મળતાં નહોતાં. 

છેવટે મુળુભાએ પણ જાણે હથિયાર હેઠા નાખી મને કહી દીધું કે ‘મહેન્દ્રનો ઉત્સાહ ઓસરી ગયો લાગે છે. નાટક જો ટંકશાળ પાડતું હોત તો એનો નાટક પ્રત્યેનો અભિગમ જે પહેલા હતો એનાં કરતાં પણ વધુ સકારાત્મક હોત. હવે તો એનાં અવાજમાં પણ થોડી તુમાખી વર્તાય છે. મશીનને કાટ લાગે તો એ અવાજ કરે એમ અક્કલને કાટ લાગી જાય તો એની જીભ અવાજ કરે છે. મહેન્દ્રનું હવે એવું જ છે એટલે બધું સરભર થઈ જાય તો નાટક વધાવી લેવામાં જ શાણપણ છે...’ 

મુળરાજ રાજડા પોતે ગિલ્ટ અનુભવતા હતા. મેં કહ્યું કે ‘મુળુભા, તમે તો આંગળી ચીંધી અને ડિરેક્ટર તરીકે મારું નામ આપ્યું એ બદલ તમારો ઋણી છું. તમારી ‘આંગળી’ મજબૂત જ હતી, પણ સામે તકલાદી મનોબળ મળે એ તો તમને કેમ ખબર પડે?’

આ તરફ મહેન્દ્ર બોહરા પોતાની ફિલ્મી વ્યસ્તતાને આગળ કરી (સાચી કે ખોટી !) નાટકથી વિમુખ થતાં ગયાં. સુનીલ શાહ અને દીપક દવે તો બંને મિત્ર હતાં, જે પૂરા ખંત અને મહેનતથી નાટક સાથે સંકળાયેલા હતાં. મને દુ:ખી જોઈ આશ્વાસન આપતાં રહેતાં. નાટક તો બંધ ‘રમત’ છે, પાના ખૂલે ત્યારે ખબર પડે કે પ્રેક્ષકો રસથી રમે છે કે પાના ફેંકી દઈ ઊભા થઈ જાય છે. પ્લમ્બર ગમે તેટલો હોશિયાર હોય એ આંખોથી ટપકતું પાણી બંધ નથી કરી શકતો એને માટે ‘દોસ્ત’ જોઈએ. દીપક-સુનીલ મારા ન દેખાતાં આંસુ પણ જોઈ જતા. નાટક ચાલે ન ચાલે એવું ઘણીવાર બનતું જ હોય છે પણ બે મહાનુભાવ વચ્ચે આખી અદાલત મંડાણી અને છતાં કેસ ફેલ થયો એનું વધુ દુ:ખ હતું.

હવે શું? મુળુભા તરફથી નાટક વધાવી લેવાનો ક્લીયર સંદેશો મળી ગયો હતો અને મારી પોતાની પણ એક લિમિટ હતી. બે-ચાર શો નબળા ગયાં અને નાટક નામની ક્ધયાનો ભાર મારી કેડે આવી પડે તો મારાથી સહન થાય એવું નહોતું. ત્યાં એક રાતે જાણીતાં અને નિયમિત નાટકો રજૂ કરતાં એક નિર્માતાનો ફોન આવ્યો. એની સંસ્થાનું નામ એણે ત્યારે જાહેર કરવાનું ઉચિત નહોતું માન્યું. પણ જાહેર તો કરવું પડે એ હકીકત હતી જેની એને પણ જાણ હતી એટલે એણે મને નિર્માતા તરીકે પોતાને બદલે બે નામ આપ્યા. 

ઉપેન્દ્ર સોની અને રાજુ વાગડિયા (જે હાલ શિકાગોમાં વર્ષોથી સ્થિત છે.) ઉપેન્દ્ર સોની મૂળ જે.અબ્બાસનો જમણો હાથ. સૌ પ્રથમ ‘જ્હોની લીવર નાઈટ’ શરૂ કરનાર જે. અબ્બાસ, જેમનું દરેક કામ આ ઉપેન્દ્ર સોની કરતાં. બોલવામાં થોડો ખંચકાટ થતો જે કુદરતી હતું પણ કામ સડસડાટ પાર પાડતાં અને રાજુ વાગડિયા તો નાટક ઓલ ધી બેસ્ટ પછી શફી ઈનામદારનો રાઈટ હેન્ડ બની ગયેલો. મૂળમાં દીનશું સાથે તો સંબંધ સુધરી ગયા હતા એ સારું થયું હતું. 

મારું હીટ અને થોડું બોલ્ડ નાટક વાત મધરાત પછીની નાં ભવન્સ-ચોપાટીના બપોરના ‘હાઉસ ફૂલ’ શોમાં જોવા આવ્યા ત્યારે એમણે શરત મૂકી કે ‘હું આવું જ એક નાટક પ્રોડ્યુસ કરવા માગું છું. એમાં જો ડિરેક્શન તું કરે તો મુખ્ય ભૂમિકા હું ભજવું અને નહીં તો મુખ્ય ભૂમિકા તું અદા કરે તો એ પ્રોજેક્ટ હું ડિરેક્ટ કરું’. ત્યારે મને થતું કે ચિનગારી અને જીવન ચોપાટ જેવા સામાજિક નાટકો રજૂ કર્યા બાદ મને ડર હતો કે હું ‘ટાઈપ્ડ’ ડિરેક્ટર બનીને રહી જઈશ અને છેલ્લે એ જ બનીને રહ્યું. ઈમ્તિયાઝ પટેલ ત્યારે સ્ટ્રગલ પિરિયડમાં આશાસ્પદ લેખક હતો. એને નાટક કરવું હતું પણ નિર્માતા મળતો નહોતો. એણે મને કહ્યું. નવોદિતો માટે હું હંમેશાં તૈયાર રહેતો.
 
‘ધૂપછાંવ’ અને ‘કેવડાના ડંખ’ જેવી હરીન મહેતાની સિરિયલોનું નિર્માણ કરનાર ડોલર પટેલને મેં વાત કરી. ડોલર પટેલ અને સુભાષ ખન્નાએ સાથે મળી રસ બતાવ્યો અને ઈમ્તિયાઝનાં પહેલાં નાટક માણસ માત્ર લફરાંને પાત્ર નું સર્જન થયું. જ્યાં રજૂ થતું ત્યાં હાઉસ ફૂલનાં બોર્ડ ઝૂલાવતું. ન ચાલતા ઘણાં થિયેટરોમાં પણ ઓવેરપેક્ડ થતું. જેને માટે મનહર ગઢીયાની જા.ખ. કારણ હતી. જે હજી ચાલતું હતું. થતાં થઈ ગયું. એ પછી ઈમ્તિયાઝ પટેલનું એક ‘ચેલેન્જ’ નાટક પણ રજૂ કર્યું. ‘મંગળ સૂત્ર’. 

ઈમ્તિયાઝે મને કહ્યું, ‘દાદુ, આ નાટકમાં ડિરેક્ટર તરીકે તમારું નામ અરવિંદ વેકરીયાને બદલે આપણે વી. અરવિંદકુમાર રાખીએ જેથી જૂના અને ચાલતા નાટક ‘માણસ માત્ર..’ ની કોઈ આડઅસર ન રહે.’ મારે તો મિત્ર તરીકે માન્યા સિવાય છૂટકો નહોતો. નવા નિર્માતાને બોલ્ડ નાટક કરવું હતું અને પોતાનું નામ ખરડાય નહિ એટલે નિર્માતા તરીકે બે નામ આપ્યાં. મને કહે ‘માણસ માત્ર..’માં જેમ અંજલિને પ્રમોટ કરી એમ દિલ્હીથી આવેલી મોનિકા પટેલને આપણે પ્રમોટ કરીએ...    
કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતાં વાહનમાંથી જ દર્શન કરી લે છે, તેને કહેવાય માર્ગદર્શન