Thu Apr 30 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

2026-04-30 20:04:42
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલી પીછેહઠ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેવાની સાથે અમુક અંશે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ રહ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે 94.84ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને સ્થાનિક આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.88ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.01ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઐતિહાસિક નીચી 95.34ના તળિયે સ્પર્શીને ઉપરમાં 94.83 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ ચાર પૈસાના સુધારા સાથે 94.84ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 20 પૈસા ગબડ્યો હતો. તેમ જ આ પૂર્વે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયાએ 30મી માર્ચના રોજ સત્ર દરમિયાન 95.22ની નીચી સપાટી દાખવી હતી. 

એકંદરે વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 123ની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હોવાથી ભારતની વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા, બીજું વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી અને ત્રીજું અમેરિકામાં ફુગાવો વધતાં 10 વર્ષીય બૉન્ડની ઊપજ 4.4 ટકાની ઊંચી સપાટીએ પહોંચતા વધેલો મૂડીગત્‌‍ બાહ્ય પ્રવાહ રૂપિયાને દબાણ હેઠળ લાવનારાં મુખ્ય ત્રણ કારણો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું. 

હાલના પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 94.80થી 95.60 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કનો હાજર બજારમાં હસ્તક્ષેપ અમુક અંશે રૂપિયાને ટેકો આપી શકે છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.36 ટકા ઘટીને 98.47 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.65 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 116.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 582.86 પૉઈન્ટ અને 180.10 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2468.42 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.