Fri May 01 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!: ફરહાન .... એક આગવો ‘ફિલોસોફર’

2026-05-01 09:38:00
Author: Siddhath Chaya
Article Image

સિદ્ધાર્થ છાયા

ફરહાન .... એક આગવો ‘ફિલોસોફર’

ફરહાન અખ્તર હવે ફિલોસોફર થઇ ગયો છે. ના, ના... એણે ડાયરેક્શન છોડી નથી દીધું. વાત એવી છે કે ‘ડોન 3’ ને લઈને રણવીરસિંહને સાથે એને કંકાસ થયો. હવે એક સમાચાર અનુસાર રણવીરે વચલો રસ્તો એવો કાઢ્યો કે એ આ ફિલ્મમાંથી તો દૂર થઇ જશે, પરંતુ ફરહાનની આગામી બે ફિલ્મમાં તે દસ કરોડનું રોકાણ કરશે... જોકે ફરહાનને તો ડોનનો ત્રીજો ભાગ તો બનાવવાનો જ છે એટલે એ તો એ બનાવશે... 

એક તાજા ઇન્ટરવ્યૂમાં ફરહાનને પૂછવામાં આવ્યું કે ‘ડોન 3’નાં વિવાદમાંથી તે શું શીખ્યો?’ તો એકદમ ફિલસોફી કરતાં ફરહાને જણાવ્યું કે હું આ વિવાદમાંથી એ શીખ્યો કે જીવનમાં ઓચિંતું ગમે તે થઇ શકે છે એણે એ પણ ઉમેર્યું કે તેને એમ પણ લાગે છે કે જ્યારે આવો કોઈ આકસ્મિક બનાવ બને તો તેને સ્વીકારી લેવો જોઈએ... ફરહાનને એમ પણ સમજાઈ ગયું છે કે જ્યાં સુધી કોઈ ફિલ્મ પૂરી ન થાય ત્યાં સુધી ગમે તે થઇ શકે છે, આથી ફિલ્મ પૂરી થાય પછી જ નિર્માતાઓ અને નિર્દેશકોએ રાહતનો શ્વાસ લેવો જોઈએ.

જોકે એ ઇન્ટરવ્યૂમાં રણવીરસિંહ વિષે ફરહાને કોઈ વાત કરી નથી. હવે જ્યારે વિવાદનો અંત (લગભગ) આવી જ ગયો છે તો ફરહાનનાં માનવા અનુસાર જે થયું એને ભૂલી જઈને આગળ વધવામાં જ સમજદારી છે.

 હા , હવે થઇ સાચી ‘હેરાફેરી’

‘હેરાફેરી’ની ફ્રેન્ચાઈઝ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં અનોખી છે. તેનાં બંને ભાગ આજે પણ આપણા દર્શકો વારેવારે જોવે છે. એટલું જ નહીં, પરંતુ આજની પેઢી આ ફિલ્મના મીમ્સ બનાવી અને જોઇને એન્જોય કરે છે.

જોકે ખરી હેરાફેરી તો હવે થવા જઈ રહી છે. ફિરોઝ નડિયાદવાલાએ ઓલરેડી ‘હેરાફેરી’નાં ત્રીજા ભાગની જાહેરાત કરી દીધી છે, પરંતુ પરેશ રાવળ સાથે ટેક્નિકલ વિવાદ થયા પછી ફિલ્મ હાલપૂરતી કોમામાં જતી રહી છે.

બીજી તરફ, ‘સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ’ના કોઈ જીપી વિજયકુમારે મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કહ્યું છે કે ‘હેરાફેરી’ની સિક્વલ બનાવવાના રાઈટ્સ તેમની પાસે છે અને આથી ફિરોઝભાઈને તેનો ત્રીજો ભાગ બનાવવાનો કોઈ અધિકાર નથી.... !

કોઈને પણ આ દલીલ સાંભળીને આશ્ર્ચર્ય થાય અને ધક્કો પણ લાગે, પરંતુ ફિરોઝ નડિયાદવાલા આ કેસથી ગભરાયા નથી.

ફિરોઝભાઈને  આ કેસ વિશે જાણ થઇ તો તે તરત પહોંચ્યા મુંબઈનાં આંબોળી પોલીસ સ્ટેશન અને આ જીપી (ગોપાલા પિલ્લાઇ) વિજયકુમાર વિરુદ્ધ ચિટિંગની ફરિયાદ -એફઆઈઆર કરી દીધી. એમાં એમણે સ્પષ્ટ કરી દીધું છે કે ‘હેરાફેરી’ ફ્રેન્ચાઈઝનાં તમામ રાઈટ્સ તેમની પાસે જ છે અને આ વાતને સાબિત કરવા માટે તેમની પાસે દસ્તાવેજી પુરાવા પણ છે. આમ જોઈએ તો વાત જીપી વિજયકુમાર દ્વારા થોડો વિવાદ ઊભો કરીને સસ્તી લોકપ્રિયતા મેળવવાની ઈરાદો લાગે છે તેનાથી વિશેષ કશું નહીં.

‘થ્રી ઈડિયટ્સ’ સિક્વલ ઈઝ ઓન... ! 

આમિર ખાન હાલમાં એનાં દીકરાની ફિલ્મ રિલીઝમાં બિઝી છે. પણ આ વ્યસ્તતાની વચ્ચે પણ તેણે એક ઉત્સાહવર્ધક સમાચાર આપ્યા છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન જ્યારે તેને દાદાસાહેબ ફાળકેની બાયોપિક અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘એ ફિલ્મ બાબતે હું ખૂબ ભાવુક છું, પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી રાજુ (રાજકુમાર હિરાણી) અને અભિજાત જોશી હાલમાં ‘થ્રી ઈડિયટ્સ ટુ’ની વાર્તા લખવામાં બીઝી છે.’ 

ટૂંકમાં આમિર મિયાંનું માનીએ તો ‘થ્રી ઈડિયટ્સ’ની સિક્વલ ચોક્કસ આવી રહી છે. ક્યારે? એ ખબર નહીં. તો પછી આપણે એમ માનવાનું કે આમિર ખાન પહેલાં આ સિક્વલ પતાવશે અને પછી દાદાસાહેબની બાયોપિક પર કામ શરૂ કરશે? એટલે આમિર ખાન અને રાજુ હિરાણી પાસે બે પેન્ડિંગ પ્રોજેક્ટ છે એમ પણ માની લેવાનું ને?

આતો થઇ આમિરની વાત, પણ થોડાં સમય અગાઉ જ્યારે આર. માધવન જે ‘થ્રી ઈડિયટ્સ’નો મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો તેને આ ફિલ્મની સિક્વલ વિષે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, ‘અમારાં બધાંની ઉંમર તો જુઓ? શું તમને લાગે છે કે અમે આ ઉંમરે અને આટલા બધા બદલાઈ ગયેલા ચહેરે એવાં જ લાગીશું જેવાં અમે પહેલાં ભાગમાં લાગતાં હતાં?’ 

જોકે હવે જ્યારે આમિરે પેપર ફોડી જ નાખ્યું છે તો એ માનવું રહ્યું કે ‘થ્રી ઈડિયટ્સ’ની સિકવલ આવી રહી છે, પણ માધવને જે કહ્યું એને પણ ધ્યાનમાં લેવા જેવું ખરું. 

કટ એન્ડ ઓકે...
સૈફ અલી ખાનનો ક્રાઈમ ડ્રામા ‘કર્તવ્ય’ 15 મે ના ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થશે, જેને શાહરૂખ ખાનની ‘રેડ ચીલીઝે’ પ્રોડ્યુસ કરી છે.