Thu Apr 30 2026

Logo

અમેરિકા-ઈરાન સીઝફાયર પર લટકતી તલવાર: ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં?

Wasington D.C.   2026-04-30 17:03:00
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હવે તૂટી શકે છે, કારણ કે ટ્રમ્પનું વહીવટી તંત્ર ઈરાન પર ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની યોજના ઘડી રહ્યું છે. આ યોજનામાં નાના અને શક્તિશાળી હુમલા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરવાનું પ્લાનિંગ હોઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલના સીઝફાયર થયું હતું. આ દરમિયાન બન્ને દેશ કોઈ પ્રકારની સમજૂતી કે નીવેડા સુધી પહોંચી શક્યા નહોતા. 

મિડલઈસ્ટમાં માહોલ ફરી બગડી શકે
જોકે, ન અમેરિકા પોતાની શરત પર પીછહટ કરી શક્યો ન ઈરાન અમેરિકાની કોઈ શરત માનવા તૈયાર થયો. આ પછી ફરી મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ ઊભો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ CENTCOM કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર પાસેથી ઈરાનમાં સંભવિત મિલિટરી એક્શન અંગે તથા નવા પ્લાન અંગે એક બ્રીફિંગ મળશે. 
આ વાવડ એવો ઈશારો કરે છે કે, યુદ્ધ ખતમ કરતા પહેલા ટ્રમ્પ અંતિમ હુમલો કરવા માટે એક કોમ્બેટ ઑપરેશન ફરી શરૂ કરવા ગંભીર વિચાર કરી શકે છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી છે કે CENTCOMએ વાતચીતમાં વિઘ્નને ખતમ કરવાની આશામાં ઈરાન પર નાના અને શક્તિશાળી હુમલા કરવા યોજના બનાવી છે. એ મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે. 

ઈરાન ફરી વાતચીત માટે સહમત થશે?
ટ્રમ્પ વહીવટી તંત્રને એવી આશા છે કે, સતત હુમલા બાદ ઈરાન ફરી ન્યૂક્લિયર મુદ્દા પર વધારે ફ્લેક્સિબિલિટી દર્શાવીને વાતચીત કરવા માટે ટેબલ પર આવી શકે છે. આ બ્રીફિંગમાં ટ્રમ્પ સાથે વધુ એક પ્લાન શેર થાય એવી આશા છે.તેઓ હોર્મુઝ સ્ટ્રેટના એક ભાગ પર કબજો કરી તેને કમર્શિયલ શિપિંગ માટે ખોલવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું કે, એક બીજા ઑપરેશનમાં ગ્રાઉન્ડ ફોર્સ પણ સામેલ થઈ શકે છે. ઈરાન વધુ માત્રામાં અનરીચ્ડ યુરેનિયમનો સ્ટોક સુરક્ષિત કરવા માટે એક સ્પેશ્યલ ફોર્સ ઑપરેશન કરી શકે છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આર્મીની લાંબા સમય સુધી અટકેલી ડાર્ક ઈગલ હાયપરસોનિક મિસાઈલને ઈરાન સામે ઉપયોગમાં લેવા મિડલ ઈસ્ટ મોકલવા આદેશ કર્યા છે. 

હાયપરસોનિક મિસાઈલ દાગી દેવાશે
આ માટે દેશની અંદર બેલેસ્ટિક મિસાઈલ લૉંચરને હિટ કરવા માટે એક લાંબી રેન્જ ધરાવતી સિસ્ટમ હોવી જોઈએ. હવે જો આની મંજૂરી મળી જાય છે તો એવું પહેલીવાર થશે કે, અમેરિકા પોતાની હાયપરસોનિક મિસાઈલ દાગી દેશે. હજુ સુધી સમગ્ર ઑપરેશન અંગે કોઈ વિગત સામે આવી નથી. 
આ મુદ્દે રશિયા અને ચીને પણ પોતાના નિવેદન સ્પષ્ટ રીતે આપી દીધા છે. હવે મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ ફરી ઊભો થયો તો સમગ્ર એશિયા માટે સ્થિતિ કપરી બની રહેશે. ખાસ કરીને તેલ અને ગેસની સપ્લાયમાં ફરી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.