Thu Apr 30 2026

Logo

ગુજરાતમાં જળ સંકટ: સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું

2026-04-30 21:18:20
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ભારે ગર્મીના કારણે જળાશયોનું પાણી સુકાઈ રહ્યું છે. અત્યારે રાજ્યના અનેક જળાશયોમાં પાણીનું સ્તર નીચે જઈ રહ્યું છે. ખાસ કરીને સરદાર સરોવર સહિત 207 ડેમોમાં હવે માત્ર 60 ટકા પાણીનો જથ્થો જ રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, અહીના ડેમાં 40 ટકા અને કચ્છના ડેમોમાં 36 ટકા પાણી રહ્યું હોવાથી ચિંતા વધી રહી છે. જો ચોમાસામાં મોડું આવે તો સ્થિતિ ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે.

207 ડેમોમાં હવે માત્ર 60 ટકા પાણીનો જથ્થો રહ્યો

રાજ્યમાં માત્ર 2 જ ડેમ એવા છે તેમાં પાણીનો 100 ટકા જથ્થો સંગ્રહિત છે. બાકીના ડેમોની વાત કરવામાં આવે તો, 19 જળાશયોમાં 70 ટકા થી 100 ટકા પાણી, 51 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા પાણી રહ્યું છે. આ સાથે 80 ડેમ એવા છે જેમાં પાણીનું સ્તર 25 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. સ્વાભાવિક છે કે, આવી સ્થિતિમાં આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પાણી સંકટની શક્યતા યથાવત તેવું લાગી રહ્યું છે. 

80 ડેમમાં પાણીનું સ્તર 25 ટકાથી પણ નીચે પહોંચી ગયું 

ગત વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો, ગત 29 એપ્રિલ 2025 સુધીમાં ગુજરાતના ડેમાં પાણીનો જથ્થો 51.67 ટકા હતો. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો, હજી 60.32 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. ગત વર્ષ કરતા આ વર્ષે રાજ્યના ડેમોમાં 9 ટકા પાણીનો જથ્થો વધારે હોવા છતાં પણ રાજ્ય પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિ વિકટ બનશે કે તેમાં રાહત મળશે તે ચોમાસા પર નિર્ભર રહેશે.