Thu Apr 30 2026

Logo

'ગ્લોબલ ગર્લ' પ્રિયંકા ચોપરાના પર્સમાં શું રાખે છે, જાણો સુપરસિક્રેટ

2026-04-30 19:22:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કોઈ પ્રસંગ હોય, કોઈ કાર્યક્રમ હોય કે પ્રવાસ હોય બોલીવુડ અભિનેત્રીઓ ડિઝાઇનર, મોંઘી હેન્ડબેગ લઈને ફરે છે. લોકો ઘણીવાર વિચારે છે કે તેમાં શું હશે. બીજા બધાની જેમ, તેઓ પણ સૌંદર્ય પ્રસાધનો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રાખે છે. પરંતુ પ્રિયંકા ચોપરા આ બાબતમાં થોડી દેશી છે. બોલીવુડથી હોલીવુડ સુધીની સફર કરનારી ગ્લોબલ ગર્લ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે પોતાના પર્સમાં શું રાખે છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેની બેગની એક ઝલક શેર કરી છે. તેણે જીવનજરૂરી વસ્તુઓ, કેટલીક સલામતીની વસ્તુઓ અને તેના સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ, તેમજ તેની સાથે જોડાયેલી વાર્તાઓ પણ શેર કરી હતી. રસપ્રદ વાત એ છે કે, મેકઅપ પ્રોડક્ટ્સ અને અન્ય આવશ્યક વસ્તુઓ ઉપરાંત, પ્રિયંકા હંમેશા તેની સાથે હનુમાન ચાલીસા રાખે છે. તેને અસ્થમા હોવાથી તે હંમેશા તેની બેગમાં ઇન્હેલર પણ રાખે છે.

એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું કે તે હંમેશા પોતાની બેગમાં કાળો દોરો અને હનુમાન ચાલીસા રાખે છે. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે મુસાફરી કરતી વખતે તે પરફ્યુમ, હેર સ્પ્રે અને સનગ્લાસ ઉપરાંત નજર બટ્ટુ (એવિલ આઈ) પોતાના પર્સમાં રાખે છે. પ્રિયંકાએ પોતાના પર્સમાં હનુમાન ચાલીસાનું એક નાનું પુસ્તક પણ બતાવ્યું. 

તેણે કહ્યું કે તે હંમેશાં તેને પોતાની સાથે રાખે છે. તેને લાગે છે કે તે દરેક યાત્રા દરમ્યાન તેનું રક્ષણ કરે છે. તેણે તેની બેગમાંથી એક પોર્ટેબલ ચાર્જર પણ કાઢ્યું, જેના પર લેબલ હતું. અભિનેત્રીએ કહ્યું કે તેને લેબલ કરવામાં આવ્યું છે, જેથી ઘરની ધમાલમાં તે ચોરાઈ ન જાય. હું દરેક વસ્તુને લેબલ કરું છું, કારણ કે જો ન કરું તો મારા પતિ તેની બેગમાં મૂકી દેશે."

પ્રિયંકા ચોપરાના પર્સમાં 2018 માં લેવાયેલ નિક જોનાસ સાથેનો તેનો પહેલો ફોટો પણ હતો. તે હંમેશા તેને પોતાની સાથે રાખે છે. તે પોતાની સાથે ટાઇડ સ્ટેન રીમુવર પણ રાખે છે. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'વારાણસી'થી ભારતીય બોક્સ ઓફિસ પર વાપસી કરી રહી છે.