Fri May 01 2026

Logo

પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ કચ્છ જિલ્લા કોંગ્રેસનો આકરો નિર્ણય: ૧૫ કાર્યકરો ૬ વર્ષ માટે સસ્પેન્ડ

2026-05-01 10:06:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શિસ્તભંગના મામલે આકરું વલણ અપનાવ્યું છે. ચૂંટણી દરમિયાન પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૧૫ જેટલા હોદ્દેદારો તથા કાર્યકરોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, જે કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષની આચારસંહિતાનો ભંગ કર્યો છે અને પક્ષના હિત વિરુદ્ધ કામ કર્યું છે તેમની સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આ આકરા નિર્ણયને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા સભ્યોમાં યોગેશ પોકાર, કિરણબેન પોકાર, દશરથસિંહ ખગોરત, ઇકબાલ હાજીઅબ્દુલા મંધરા, આમદ હુશેન સંઘાર અને નલિયાના રમજાન હારુન નોડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભદ્રુવાંઢના ઈશા આમદ કેર, નવીન અબચુંગ, હાજીઅબ્દુલ હાજીહુશેન સંઘાર, અસલમ લુહાર તેમજ નલિયાના ઓસમાણ ભચુ નોતિયાર સામે પણ કાર્યવાહી કરાઈ છે. યાદીમાં મોથાળાના જુસબશા ઈસ્માઈલશા સૈયદ, જુમાબેન મહેશ્વરી, કોઠારાના શોકત હુશેન સુમરા અને લોધરા આદમ મુસાના નામનો પણ ઉલ્લેખ છે.

કોંગ્રેસ સંગઠને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષમાં શિસ્તભંગ અને ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. ચૂંટણીમાં આંતરિક ખેંચતાણ અને દગાબાજીને કારણે પક્ષને થયેલા નુકસાનને ગંભીરતાથી લઈને આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવાના આશયથી આ 'શુદ્ધિકરણ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું મનાય છે.

(ઉત્સવ વૈદ્ય)