Thu Apr 30 2026

Logo

વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં ઉત્પાદન સાત ટકા વધ્યુંઃ ઈસ્મા

2026-04-30 20:02:44
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં અત્યાર સુધીમાં અર્થાત્‌‍ 30 એપ્રિલ સુધીમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન વધુ રહેતાં કુલ ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 7.32 ટકા વધીને 2.752 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ એક યાદીમાં જણાવ્યું છે. 

એસોસિયેશનના જણાવ્યાનુસાર દેશમાં ખાંડના અગ્રણી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં વર્તમાન મોસમમાં અત્યાર સુધીમાં ખાંડનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 80.9 લાખ ટન સામે વધીને 99.2 લાખ ટનની સપાટીએ રહ્યું છે, જ્યારે કર્ણાટકનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 40.4 લાખ ટન સામે વધીને 48 લાખ ટનની સપાટીએ રહ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 92.4 લાખ ટન સામે ઘટીને 89.6 લાખ ટનના સ્તરે રહ્યું છે. 

નોંધનીય બાબત એ છે કે ઈસ્માએ વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદનનો ઈથેનોલ માટે વિકેન્દ્રીત કર્યા પછીનો અંદાજ આગલી મોસમના 2.62 કરોડ ટન સામે વધીને 2.93 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. વધુમાં એસોસિયેશને જણાવ્યું હતું કે ગત 30મી એપ્રિલના રોજ દેશમાં માત્ર પાંચ ખાંડ મિલોમાં હજુ પિલાણ ચાલુ છે, જ્યારે ગત સાલ આ સમયગાળામાં 19 મિલો કાર્યાન્વિત હતી.

હવે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની મિલોમાં પિલાણ પૂરું થયું છે. જોકે, કર્ણાટક અને તમિળનાડુની અમુક મિલો ખાસ મોસમ તરીકે જૂન અને જુલાઈમાં પિલાણ કરશે અને આ બન્ને રાજ્યો આ સમયગાળામાં પાંચ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરશે, એમ ઈસ્માએ યાદીમાં ઉમેર્યું હતું. 

એકંદરે હવે શેરડીની પિલાણ મોસમ પૂરી થવાના આરે હોવાથી ઉદ્યોગે વધી રહેલા ઉત્પાદન ખર્ચ અને તેને કારણે એક્સ મિલ ધોરણે મિલોને ઓછું રળતર થઈ રહ્યું હોવાથી ખાંડ મિલો રોકડ પ્રવાહિતાની ખેંચ અનુભવી રહી હોવાથી સરકારને વહેલી તકે લઘુતમ વેચાણ ભાવમાં ફેરફાર કરવા અનુરોધ કર્યો છે. જેથી શેરડીના ખેડૂતોને શેરડીની ખરીદી પેટેની ચુકવણી સમયસર થઈ શકે. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર એપ્રિલ મહિનાના મધ્ય સુધી માત્ર મહારાષ્ટ્રની ખાંડ મિલોની શેરડીની ખરીદી પેટેની બાકી ચુકવણી ગત સાલના સમાનગાળાના રૂ. 752 કરોડ સામે ત્રણ ગણી અથવા તો રૂ. 2130 કરોડની સપાટીએ રહી છે. વધુમાં ઉદ્યોગે સરકારને ઈંધણમાં ઈથેનોલની ભેળવણી માટેના હાલના ઈ-20 પ્રોગ્રામથી આગળ વધીને ઈ-25, ઈ-85/ઈ-100 પ્રોગ્રામનો અમલ કરવા અને જીએસટીનું તાર્કિકરણ કરવાનો અનુરોધ કર્યો છે.

વધુમાં ઈથેનોલના પ્રાપ્તિ ભાવમાં સુધારા કરવામાં થતાં વિલંબને કારણે ડિસ્ટિલિએશનની ક્ષમતાનો ઓછો વપરાશ થતો હોવાની ચિંતા વ્યક્ત કરવાની સાથે તાકીદે ભાવમાં સુધારા કરવાનો સરકારને અનુરોધ કર્યો હતો, જેથી ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણ વપરાશ થાય.