મુંબઈઃ તરબૂચ ખાધા પછી થયેલા મૃત્યુના કેસમાં તપાસ દરમ્યાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધી કોઈ પગેરું મળ્યું નથી. તેથી, પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. શરૂઆતમાં ડોકાડિયા પરિવારનું મૃત્યુ બિરયાની ખાધા પછી ફૂડ પોઇઝનિંગથી થયું હોવાની શંકા હતી. જોકે, પાંચ દિવસ પછી પણ મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
મૃતક અબ્દુલ્લા ડોકાડિયા એક કેસમાં સાક્ષી હતો. જોગેશ્વરીમાં એક મહિલાએ ડેવલપરને પૈસા આપ્યા હતા. ડેવલપર પાસેથી પૈસા લેવા અબ્દુલ્લાને મોકલ્યો હતો, પરંતુ ડેવલપરે પૈસા પરત કર્યા નહોતા. મહિલાએ 2019માં ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આ કેસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. અબ્દુલ્લા આ કેસમાં સાક્ષી હતો અને તેની જુબાની મહત્વની હતી. આ કેસની સુનાવણી 2026 માં થવાની હતી.
25 એપ્રિલના ડોકાડિયા પરિવારે કેટલાક સંબંધીઓ સાથે ઘરે ભોજન કર્યું હતું. સંબંધીઓ ચાલ્યા ગયા બાદ મધ્યરાત્રિની આસપાસ, પરિવારે ફ્રિજમાં રાખેલ તરબૂચ ખાધું અને સૂઈ ગયો. સવારે બધાને ઉલટી, ઝાડા અને નબળાઈની તકલીફ થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન ચારેયના મોત થયા. પોલીસ દ્વારા હાલમાં સંપૂર્ણ તપાસ ચાલી રહી છે, અને મૃત્યુનું ચોક્કસ કારણ મેડિકલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
પોલીસે ફક્ત તરબૂચ જ નહીં પરંતુ અન્ય વસ્તુઓનું પણ પરીક્ષણ કર્યું છે. બિરયાની, પાણીની બોટલ અને માટલાના પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને જેજે હોસ્પિટલ, એફડીએ, એફએસએલ તપાસ કરશે.