તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે સંઘર્ષને કારણે પેટ્રોલીયમની ગ્લોબલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ મામલે મડાગાંઠ યથવાત છે. યુએસ નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈરાની પેટ્રોલિયમના નિકાસને અટકાવી દીધી છે, એવામાં ઈરાને યુએસની નાકાબંધીની મજાક ઉડાવી છે.
26 એપ્રિલના રોજ ટ્રમ્પે તેમના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ત્રણ દિવસમાં ઈરાનની પેટ્રોલિયમ સંગ્રહ ક્ષમતા પૂરી થઇ જશે, જેના કારણે ઈરાનના ઓઈલ કુવા ફાટી પડશે.
ટ્રમ્પે આપેલી ડેડ લાઈન પૂરી થઇ ગઈ છે, એવામાં આજે ઈરાનના સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા એક કટાક્ષપૂર્ણ મેસેજમાં લખ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગાહીઓથી વિપરીત, અત્યાર સુધી ઈરાનના કોઈપણ ઓઈલ ફિલ્ડમાં વિસ્ફોટ થયા નથી.
વેપારીક શિપમેન્ટ પર યુએસની નાકાબંધીને કારણે ઈરાની નિકાસ તાત્કાલિક ઘટાડો થશે એવી ટ્રમ્પની ધારણાની ગાલિબાફે મજાક ઉડાવી. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, "3 દિવસમાં, એક પણ કૂવો ફૂટ્યો નહીં. અમે 30 દિવસ સુધી રાહ જોઈ શકીએ છીએ અને અમારા કૂવાનું લાઇવ સ્ટ્રીમ કરી શકીએ છીએ."
ગાલિબાફે દાવો કર્યો હતો કે યુએસની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે પેટ્રોલીયમના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી વધી ગયા છે, જેમાં 140 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી શકે છે.
ટ્રમ્પે યુએસને નેવીને નાકાબંધી કરી ઈરાનના દરિયાઈ વેપારને રોકવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પની ધારણા છે કે આ પગલાથી ઈરાનને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડશે, ઈરાનની પાઈપલાઈન ભરાઈ જવાથી અને વધુ પડતા દબાણને કારણે ઓઈલ પ્રોડક્શન માટેની માળખાગત સુવિધાઓને નુકસાન થશે.
ઈરાન સાથે કાયમી શાંતિ કરાર ન થાય ત્યાં સુધી ટ્રમ્પે નાકાબંધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મડાગાંઠનો અંતનો લાવવા ટૂંક સમયમાં વાટાઘાટો શરુ થાય એવી શક્યતા છે.