ઉમેશ ત્રિવેદી
રણવીર સિંહની ‘ધુરંધર’ અને ‘ધુરંધર-ટુ’ ફિલ્મે બોક્સ ઓફિસને હલાવી... ના, ધ્રુજાવી નાખી છે અને એ સાથે એના કેટલાક કલાકારો-કસબીઓને પણ ગાજતા કરી મૂકયા છે. તેમાં આ ફિલ્મની ગાયિકા જાસ્મીન સેન્ડલસ અલગ તરી આવે છે. એણે ગાયેલું મસ્તીભર્યું ‘શરારત’ ગીત આજે ‘યુટ્યૂબ’ પર વિક્રમસર્જક 500 મિલિયન (50 કરોડ) વ્યૂઝના આંક પર પહોંચી ગયું છે...!
જાસ્મીન સેન્ડલસ એ મૂળ તો પંજાબી છે અને તે ભારતીય - અમેરિકન ગાયિકા તરીકે લોકપ્રિય છે. 2014માં સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘કીક’માં તેણે યો-યો હની સિંહ ‘યાર ના મિલે’ ગીત જે રીતે રજૂ કર્યું ત્યારથી જ તે જાણીતી થઈ ગઈ હતી , પણ હાલમાં ‘ધુરંધર’ના ‘શરારત’ ગીતમાં તે દેખાઈ પણ હતી અને ‘ધુરંધર-ટુ’માં તેણે ચારેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમાં વિવાદાસ્પદ ગીત ‘ઓયે-ઓયે’નો પણ સમાવેશ થાય છે.
‘ધૂરંધર’ શ્રેણીના પગલે ‘લાઈમ લાઈટ’માં આવેલી જાસ્મીન એક પંજાબી ગાયિકા છે. તેનાં 2010થી અનેક ‘સિંગલ્સ’, આલ્બમ અને બીજાં કલાકારો સાથે આલ્બમ બહાર પડુયા છે. સાથોસાથ જ પંજાબી ફિલ્મો અને બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં પણ તેણે ગીતો ગાયા છે.
જાસ્મીન સેન્ડલસની ઓળખ માત્ર ગાયિકા તરીકે નથી. તે ટેલિવિઝનની જાણીતી કલાકાર છે અને ગીતકાર પણ છે. પંજાબી શીખ કુટુંબમાં પંજાબના જલંધરમાં તેનો જન્મ થયો છે. તે ખૂબ નાની હતી ત્યારથી જ તેની માતાએ તેને સ્ટેજ પરના કાર્યક્રમોમાં ભાગ લેતી કરી દીધી હતી. શાળામાં તેણે ગાયનની અનેક સ્પર્ધામાં ભાગ લીધો અને નાનપણથી જતે પંજાબના લોકગાયકોને પસંદ કરવા લાગી હતી. તેની ઉંમર 12-13 વર્ષની હતી ત્યારે જ તેનું કુટુંબ કેલિફોર્નિયા ચાલ્યું ગયું હતું. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે ગીતો લખવાનું શરૂ કર્યું છે.
ચોથી સપ્ટેમ્બર 1985નાં જન્મેલી જાસ્મીનને સફળતાનો સ્વાદ તે માત્ર બાવીસ વર્ષની હતી ત્યારે જ ચાખવા મળ્યો હતો. 2007માં તેનું પહેલું આલ્બમ ‘ધ ડાયમન્ડ’ બહાર પાડ્યું હતું અને તેમાંનું એક ગીત ‘મુસ્કાન’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. લાલી ગીલ લિખિત આ ગીતે વિશ્ર્વભરમાં ધૂમ મચાવી હતી. આ ગીતને પગલે જ તેને પંજાબી સંગીત ઉદ્યોગમાં ‘એન્ટ્રી’ મળી ગઈ હતી.
2012માં તેણે સોની મ્યુઝિક કંપની સાથે ‘ગુલાબી’ નામનું આલ્બમ કર્યું હતું. આ આલ્બમ તેણે રેપર બોહેમિયા સાથે કર્યું હતું. ત્યાર બાદ તેને સતત કામ-નામ અને દામ મળતા રહ્યા હતા. 2014માં સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘કીક’માં તેણે યો-યો હની સિંહ સાથે ‘યાર ના મિલે’ ગાયું જે ખૂબ જ લોકપ્રિય નીવડ્યું હતું. ત્યાર બાદ તેને પંજાબી ફિલ્મોમાં પણ ગીતો ગાવાની તક મળી અને તે સફળતાની એક પછી એક સીડી ચઢવા લાગી હતી.
આ દરમિયાન તેને એક ટીવી શ્રેણીમાં પણ અભિનય કરવાની તક મળી. એ શ્રેણી વિમેન એનપાવરમેન્ટ પર હતી અને એ સિરીઝનું નામ ‘એન્જલ્સ ઓફ રોક’ હતું. એ સમય ગાળામાં તેને મુંબઈથી પંજાબની અટારી બોર્ડર સુધી પ્રવાસ કરવાની તક મળી હતી. આ સિરીઝમાં તેનું કામ વખણાયું હતું.
બોલિવૂડમાં ‘કીક’ પછી અબ્બાસ મસ્તાનની ‘મશીન’માં, ત્યાર બાદ ‘નામ શબાના’, 2020માં ‘સ્ટ્રીટ ડાન્સર-થ્રી ડી’, 2024માં સુપરડુપર હીટ ફિલ્મ ‘મુંજયા’માં, રેડ-ટુ, શાહરૂખના દીકરા આર્યન ખાન દિગ્દર્શિત સીરિઝ ‘ધ બેડ્સ ઓફ બોલીવૂડ’માં, 2025માં ‘થમ્મા’માં અને ‘ધુરંધર’ તેમજ ‘ધુરંધર-ટુ’માં ગીત ગાઈને તેને અદ્ભુત સફળતા મળી છે.
તેણે હિન્દી ઉપરાંત પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. આ ઉપરાંત તેને એક ગીતકાર તરીકે પણ ખૂબ જ સફળતા મળી છે. ફિલ્મ, ટીવી સિરીઝની ગાયકી વચ્ચે વચ્ચે તેનાં આલ્બમ અને સિંગલ્સ પણ 2010થી સતત બહાર પડી રહ્યા છે. આમ, માત્ર ફિલ્મોની પાર્શ્ર્વગાયિકા નહીં, પણ અનેક સિંગલ્સ દ્વારા પણ તેણે સફળતા મેળવી છે. એટલું જરૂર છે કે તેના સિંગલ્સમાં પંજાબી ગીતોનો વધુ ફાળો છે.
જાસ્મીન પંજાબી ગાયક ગેરી સંધુના પ્રેમમાં હતી. પણ એ પ્રેમસંબંધ લાંબો સમય ટકયો નહોતો અને અત્યારે 40-41 વર્ષની થયેલી જાસ્મીન ‘સિંગલ’ જ છે. જાસ્મીન 21 વર્ષની હતી ત્યારે તે અમેરિકામાં હતી અને તેના પિતા દારૂ પીતા હતા, તે જોઈને તેને પણ દારૂની લત લાગી હતી. એ પોતે જ સ્વીકારે છે કે તેણે ધૂમ પીવાનું શરૂ કર્યું હતું, પણ અમેરિકાથી પાછા ફર્યા બાદ અને અહીં ભારતમાં એક ગાયિકા અને ગીતકાર તરીકે સફળતા મળ્યા પછી ધીમે-ધીમે તેણે દારૂ પીવા પર અંકુશ મેળવી લીધો અને તેની લતમાંથી તે બહાર આવી ગઈ.
જાસ્મીનને સફળતા મળી એનું બીજું એક મોટું કારણ એ પણ છે કે નાનપણથી જ તે પંજાબી લોકગાયકોના પ્રભાવ હેઠળ છે. ‘ધુરંધર-ટુ’માં તેનાં ફાળે ચાર ગીત આવ્યા છે અને આ ચારેય ગીતમાં પંજાબની છાંટ દેખાય છે, કારણ કે ‘ધુરંધર-ટુ’ની વાર્તા પાકિસ્તાનની ધરતી પર આકાર લે છે અને ત્યાંની સંસ્કૃતિમાં પંજાબની છાંટ દેખાય છે.
જાસ્મીન માટે એમ કહી શકાય કે સંપૂર્ણપણે સંગીતને વરેલી આ ગાયિકાએ જેટલી સફળતા મેળવી છે, એનાં કરતાંય વધુ સફળતા તેને આગામી દિવસોમાં મળવાની શકયતા છે. એક તો એ હવે વાસ્તવિકતા સાથે વધુ જોડાયેલી છે, બીજું, નાની ઉંમરે સફળતા મળી હોવા છતાં તે એ સફળતા પચાવી શકી છે.
OTTનું હોટસ્પોટઃ બીજી મેથી આઠમી મે સુધી થશે ક્રાઈમ ડ્રામા અને હોરર કોમેડીની ભરમાર
આપણું અઠવાડિયું બીજી મેથી શરૂ થશે, પણ એ પહેલાં પહેલી મેએ અનેક નવી ફિલ્મો અને સિરીઝ જોવા મળશે તેનાં પર એક નજર નાખીએ.
* નેટફ્લિક્સ:
અહીં આજે (શુક્રવારે) પહેલી મેએ ‘ગ્લોરી’ નામની બોક્સિગં ડ્રામા સિરીઝની શરૂઆત થઈ રહી છે, જેમાં મુખ્ય ભૂમિકા પુલકીત સમ્રાટ, સુવિન્દર વીકી, જન્નત ઝુબૈર, આશુતોષ રાણા, સિકંદર ખેર અને સયાની ગુપ્તાની છે.
અહીં જ પહેલી મેના દક્ષિણની હોરર ફિલ્મ ‘રાકાસા’ જોવા મળશે, જેનાં મુખ્ય કલાકારો સંગીત શોભન, નયન સારિકા અને આશિષ વિદ્યાર્થી છે.
* ઝી ફાઈવ:
અહીં આજે (શુક્રવાર) પહેલી મેએ અત્યારની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી-ટુ - ગોઝ બિયોન્ડ’નું પ્રસારણ શરૂ થશે. અગાઉ, આ ફિલ્મ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં રજૂ થવાની હતી, પણ તે પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી. વિપુલ એ. શાહ નિર્મિત આ ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, ઐશ્ર્વર્યા ઓઝા અને અદિતી ભાટિયાની મુખ્ય ભૂમિકા છે.
* સોની લીવ:
અહીં અત્યારે આઈપીએલની મેચો ધૂમ મચાવી જ રહી છે. સાથે આજે પહેલી મેએ ‘અનદેખી’ની ચોથી સિઝનની શરૂઆત થઈ રહી છે. આ ક્રાઈમ ડ્રામામાં મુખ્ય ભૂમિકા હર્ષ છાયા અને સૂર્ય શર્માની છે.
* એમેઝોન પ્રાઈમ:
આ ઓટીટી ચેનલ પ્રિયંકા ચોપરાની એકશન પેકડ સિરીઝ ‘સિટાડેલ’ની બીજી સીઝન છઠ્ઠી મેથી શરૂ થઈ રહી છે. જેમાં મુખ્ય ભૂમિકા પ્રિયંકા ચોપરા-જોનાસ અને રિચાર્ડ નેનની છે. અહીં આઠમી મેએ ‘લુખ્ખે’ નામની સિઝનનું પ્રસારણ શરૂ થશે. તેમાં મુખ્ય ભૂમિકા શશી ખન્ના, રેપર કિંગ, લક્ષવીર શરણ અને પલક તિવારીની છે.