Fri May 01 2026

Logo

મોંઘવારીનો ડામ: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો, કિંમત ₹3000ને પાર

2026-05-01 08:31:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ મે મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. સરકારી ઓઈલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે ઓઈલ કંપનીઓએ આમ આદમીને રાહત આપી હતી અને ઘરેલું (14.2 કિલો) ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

કેમ થયો ભાવ વધારો

દેશની સરકારી ઓઈલ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમતમાં વધારો થતાં આ નિર્ણય લીધો હતો. જોકે એટીએફના દરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ નિર્ણય એરલાઈન્સ અને ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય મૂલ્ય અસ્થિરતાથી બચાવવાના હેતુથી લેવામાં આવ્યો હતો. ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો નથી.

ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન (IOC)એ જણાવ્યું કે, લોકોને અસર કરતાં મુખ્ય ઈંધણની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટીએફની કિંમત દર મહિનાની પ્રથમ તારીખે ઈનપુટ કોસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે ઘરેલું એરલાઈન્સના એટીએફ દરમાં કોઈ બદલાવ થયો નથી.

 

IOCએ જણાવ્યું કે, પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો તે ગ્રાહકો માટે યથાવત રહી છે, જેઓ કુલ વપરાશનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. તેવી જ રીતે, આશરે 33 કરોડ ગ્રાહકો માટે ઘરેલું એલપીજી (14.2 કિગ્રા સિલિન્ડર) ના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ વિતરિત કરવામાં આવતા કેરોસીનના ભાવમાં પણ કોઈ વધારો થયો નથી.

કુલ મળીને, પેટ્રોલિયમ ઉત્પાદનોનો લગભગ 80 ટકા હિસ્સો એવો છે કે જેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જેનાથી મોટાભાગના ગ્રાહકો માટે સ્થિરતા સુનિશ્ચિત થઈ છે. ઓઈલ કંપનીઓએ જણાવ્યું હતું કે ભાવ સુધારો માત્ર પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે, જેઓ વપરાશમાં પ્રમાણમાં નાનો હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક બેન્ચમાર્કના આધારે નિયમિત માસિક ફેરફારોને આધીન છે.

ઈરાન-અમેરિકા તણાવની અસર

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝનો માર્ગ બંધ છે, જ્યાંથી ભારત મોટા પાયે ગેસ અને તેલ મંગાવતું હતું. રસ્તો બંધ થવાને કારણે ગેસ અને તેલના પુરવઠામાં ઘટાડો થયો છે, જેના કારણે ભારત અન્ય ઘણી જગ્યાઓ પરથી તેલ અને ગેસની આયાત વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં, ખર્ચમાં પણ વધારો થયો છે અને પુરવઠા પર પણ દબાણ વધ્યું છે. આ કારણોસર ગેસના ભાવમાં વધારો જોવા મળ્યો છે.