Fri May 01 2026

Logo

હવે વાંદરાઓની પણ થશે વસ્તી ગણતરી: અમદાવાદમાં વધતા હુમલા રોકવા વન વિભાગનો માસ્ટરપ્લાન

2026-05-01 09:50:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં વાંદરાઓનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વાંદરાઓના હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે. વાંદરાના વધતા ત્રાસને ધ્યાનમાં રાખી વન વિભાગે અમદવાદમાં સૌપ્રથમવાર વાંદરાઓની ગણતરી શરૂ કરી છે.  નિષ્ણાતોના મતે, આ ડેટાના આધારે હવે માત્ર ફરિયાદના આધારે રેસ્ક્યુ કરવાને બદલે વૈજ્ઞાનિક રીતે પણ મેનેજ કરી શકાશે.

ક્યાં હોય છે વાંદરાઓનો સૌથી વધુ ત્રાસ

મંદિરો, શાકભાજી માર્કેટ, હાઉસિંગ સોસાયટીઓ અને ખુલ્લા મેદાનોમાં લોકો દ્વારા વાંદરાઓ અને લંગૂરને ખવડાવવાની વધતી પ્રવૃત્તિ વચ્ચે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ ઓનલાઇન સર્વેમાં ૨૭ મુદ્દાઓની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે, જેમાં વાંદરાઓના ટોળાનું કદ, કચરાનો અયોગ્ય નિકાલ અને વાંદરાઓ દ્વારા થતા નુકસાન વિશે પૂછવામાં આવ્યું છે.

ગૂગલ ફોર્મ દ્વારા ડેટા કલેક્શન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિસ્તારોને ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને રેસિડેન્શિયલ સોસાયટીઓને ગૂગલ ફોર્મ મોકલીને ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રાથમિક સર્વે બાદ ટ્રાયલ ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ફૂલ-સ્કેલ ગણતરી શરૂ થશે.

શા માટે ગણતરી જરૂરી છે?

સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી વન વિભાગ માત્ર ફરિયાદો મળ્યા બાદ જ કામગીરી કરતું હતું. પરંતુ હવે વાંદરાઓ ક્યાં રહે છે, તેમની સંખ્યા કેટલી છે, તેઓ કયા રસ્તે અવરજવર કરે છે અને કેટલા કિસ્સામાં ઘરમાં ઘૂસે છે તેની ચોક્કસ માહિતીની જરૂર છે. આ ડેટાથી વાંદરાઓને પકડવા, છોડવા અને ટીમ તૈનાત કરવાના નિર્ણયો લેવામાં મદદ મળશે.

આ વિસ્તારોમાં છે સૌથી વધુ ત્રાસ

વન વિભાગે  વાંદરાઓની સમસ્યા હોય તેવા 198  સ્થળોની ઓળખ કરી છે.  જેમાં વસ્ત્રાપુર, નવરંગપુરા, થલતેજ, બોપલ, ઘુમા, અંબાવાડી, પાલડી, શાહીબાગ, ચાંદખેડા, કુબેરનગર, નરોડા, નારોલ, સાબરમતી, બિલાસિયા, મણિનગર અને અસારવા સૌથી વધુ ત્રાસ છે.

મેટ્રોને પણ નડે છે અવરોધ

સૂત્રોએ જણાવ્યું હતું કે વાંદરાઓને ખવડાવવાની પ્રવૃત્તિ હવે આક્રમકતા અને નિર્ભરતામાં પરિણમી રહી છે. સાબરમતી નદી પરથી પસાર થતી મેટ્રો ટ્રેનને પણ વાંદરાઓને ડરાવવા માટે હોર્ન મારવો પડે છે અથવા ઉભી રાખવી પડે છે. આગામી સમયમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ હોસ્ટ કરવાનું છે ત્યારે આ સમસ્યા નકારાત્મક છાપ પાડી શકે છે.

વાંદરાઓને ખવડાવવું ગુનો

વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાંદરાઓ કે લંગૂરને ખવડાવવું એ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો છે. પ્રથમ વખત પકડાયા તો રૂ. 25,000નો દંડ અને વારંવાર નિયમ તોડવા બદલ જેલની સજા પણ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા શહેરના ચાણક્યપુરીના શાયોના વિસ્તારમાં આવેલી આર.સી. ટેકનિકલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના પટ્ટામાં વાંદરાએ આતંક મચાવ્યો હતો. આ ભયને કારણે સ્થાનિક 20થી વધુ સોસાયટીઓના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરતા હતા. વાંદરાએ 10થી 15 લોકો પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પણ નિશાન બનાવતા હતા.