દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આપને મોટો ફટકો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કારમી હાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જોકે, આ ઉપરાંત રાજકીય વર્તુળમાં આમ આદમી પાર્ટીની હારની ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં આમ આદમી પાર્ટીએ વર્ષ 2021ની ચૂંટણી,આ સુરત કોર્પોરેશનમાં 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જે આ વખતની ચૂંટણી માત્ર ચાર બેઠક પૂરતો મર્યાદિત રહ્યો હતો. જે રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે આપને મોટો ફટકો છે.
વૈભવ અંધાધૂંધ ફટકાબાજી કરીને આઉટઃ 43માંથી 42 રન છગ્ગા-ચોગ્ગામાં બનાવ્યા
પંજાબ સામે રાજસ્થાનને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 223 રનના લક્ષ્યાંક સામે આક્રમક શરૂઆત કરાવી આપી અને માત્ર 16 બૉલની ઇનિંગ્સ રમીને આઉટ થઈ ગયો હતો. આ 16 બૉલમાં તેણે 43 રન કર્યા હતા. તેણે 43માંથી 42 રન છગ્ગા-ચોગ્ગાની મદદથી કર્યા હતા. તેણે 51 રનના કુલ સ્કોર પર અર્શદીપ સિંહના બૉલમાં ઐયરને મિડ-ઑફ પર કૅચ આપી બેઠો હતો. જોકે ઐયર ઊંધી દિશામાં દોડીને અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. પાંચમી ઓવરને અંતે સ્કોર 1/68 હતો. યશસ્વી બાવીસ રને રમી રહ્યો હતો.

પંજાબે રાજસ્થાનને 223 રનનો લક્ષ્યાંક આપ્યો, સ્ટોઈનિસની આતશબાજી
પંજાબ કિંગ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 222 રન કરીને રાજસ્થાન રૉયલ્સને 223 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. 17મી ઓવર સુધી રાજસ્થાનનો સ્કોર 3/167 હતો, પણ છેલ્લી ત્રણ ઓવરમાં બાજી ફરી ગઈ હતી અને પંજાબે પકડ જમાવી હતી. બર્ગરની 18મી ઓવરમાં શ્રેયસની વિકેટ પડવા ઉપરાંત 14 રન બન્યા હતા. ત્યાર પછી જોફ્રા આર્ચરની 19મી ઓવરમાં સ્ટોઇનિસે ધુલાઈ કરી હતી. તેણે બે છગ્ગા ફટકાયા હતા અને ત્યાર પછી 20મી ઓવરમાં સ્ટોઇનિસ બોલર બ્રિજેશ શર્મા પર તૂટી પડ્યો હતો. પ્રથમ બૉલ ડૉટ બૉલ રહ્યા બાદ બીજા બૉલમાં સ્ટોઇનિસે અંતિમ આતશબાજી શરૂ કરીને પાંચ બૉલમાં પાંચ બિગ શૉટ (4, 6, 6, 4, 4) માર્યા હતા અને એ ઓવરમાં 24 રન ખડકી દીધા હતા. સ્ટોઇનિસે ઓપનર પ્રભસિમરન (59 રન, 44 બૉલ, એક સિક્સર, છ ફોર)ને પણ ઓળંગી ગયો હતો. સ્ટોઇનિસ બાવીસ બૉલમાં છ સિક્સર અને ચાર ફોરની મદદથી 62 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્પિનર યશ રાજ પુન્જાએ બે વિકેટ તેમ જ જોફ્રા-બર્ગરે એક-એક વિકેટ લીધી હતી.

રાજસ્થાનના ટીનેજ સ્પિનર પુન્જાએ પંજાબની બે પ્રાઇઝ વિકેટ લીધી
ન્યૂ ચંડીગઢમાં અપરાજિત પંજાબને રાજસ્થાનનો ટીનેજ સ્પિનર યશ રાજ પુન્જા સૌથી વધુ ભારે પડ્યો છે, કારણકે તેણે કૂપર કૉનોલી (30 રન, 14 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) પછી હાફ સેન્ચુરિયન પ્રભસિમરન સિંહ (59 રન, 44 બૉલ, એક સિક્સર, છ ફોર)ની પણ વિકેટ લીધી. 18મી ઓવરને અંતે પંજાબનો સ્કોર 4/181 હતો. કૅપ્ટન શ્રેયસ 30 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ નેન્ડ્રે બર્ગરે લીધી હતી. સ્ટોઇનિસ 24 રને રમી રહ્યો હતો. એ પહેલાં, ઓપનર પ્રિયાંશે 29 રન કરીને જોફ્રાના બૉલમાં વિકેટ ગુમાવી હતી.

આજે મધરાત પછી ચૅમ્પિયન્સ લીગમાં પીએસજી-બાયર્નની સેમિ ફાઇનલ
ચૅમ્પિયન્સ લીગ (સીએલ)માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ની ટીમ (ભારતીય સમય મુજબ આજે મધરાત પછી 12.30 વાગ્યાથી) પૅરિસમાં બાયર્ન મ્યૂનિક સામે સેમિ ફાઇનલના પ્રથમ રાઉન્ડની મૅચ રમશે. છ વખત સીએલનું ટાઇટલ જીતનાર બાયર્ન પાસે બન્ડસલિગા ચૅમ્પિયનશિપના 35 ટાઇટલ પણ છે. હવે સીએલમાં પીએસજીને પડકારશે. નવેમ્બરમાં લીગ તબક્કામાં બાયર્ને પીએસજીની ટીમને 2-1થી હરાવી હતી. એમાં બાયર્ન વતી બન્ને ગોલ લુઇસ ડીઆઝે કર્યા હતા. પૅરિસના મેયર ઇમૅન્યૂએલ આ મૅચ જોવા સ્ટેડિયમમાં આવશે.
પ્રિયાંશે 29 રનમાંથી 26 રન છગ્ગા-ચોગ્ગાથી બનાવ્યા, જોફ્રા સામેની પરીક્ષામાં ફેલ
ન્યૂ ચંડીગઢમાં રાજસ્થાન સામેની મૅચમાં પંજાબનો ઇન્ફૉર્મ ઓપનર પ્રિયાંશ આર્ય ફક્ત 29 રન કરીને આઉટ થઈ ગયો છે. પેસ બોલર જોફ્રા આર્ચર સામેની તેની ટક્કર થવાની બહુ ચર્ચા હતી અને એમાં પ્રિયાંશ તેની ઓવરમાં બે ચોગ્ગા માર્યા બાદ મિડ-ઑન પર બર્ગરને કૅચ આપી બેઠો હતો. પ્રિયાંશના 29 રનમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. પ્રભસિમરન સાથે તેણે 37 રનની ભાગીદારી કરી હતી. પાવરપ્લેની છ ઓવરને અંતે પંજાબનો સ્કોર 1/65 હતો. પ્રભસિમરન (પચીસ નૉટઆઉટ) સાથે કૉનોલી (છ નૉટઆઉટ) દાવમાં હતા.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 6642 થી વધુ બેઠક જીતી, વિપક્ષોનો સફાયો
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના સાંજે 5 વાગ્યા સુધી મોટાભાગની બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં રાજ્યની કુલ 9980 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 8696 બેઠકોના પરિણામો આવ્યા છે, જેમાં ભાજપે 6442 બેઠકો પર જીત મેળવી છે. તેમજ વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 1603 બેઠકો જ મેળવી શકી છે.
રાજસ્થાને ફીલ્ડિંગ પસંદ કરી, અપરાજિત પંજાબના બૅટ્સમેનોની કસોટી
ન્યૂ ચંડીગઢમાં રાજસ્થાન રૉયલ્સના સુકાની રિયાન પરાગે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સના બૅટ્સમેનોની આજે આકરી કસોટી થશે, કારણકે ફરી એક વખત શ્રેયસ ઐયરની આ ટીમે અપરાજિત રહેવા રાજસ્થાનને તોતિંગ લક્ષ્યાંક આપીને એ ટાર્ગેટ ડિફેન્ડ કરવાનો છે. રાજસ્થાને હેટમાયર અને બિશ્નોઈને ટીમમાં નથી સમાવ્યા અને તેમના સ્થાને દાસુન શનાકા અને યશ પુન્જાને રમવાનો મોકો આપ્યો છે. બિશ્નોઈને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમાડવાની પંજાબની યોજના છે. પંજાબે શશાંક સિંહના સ્થાને સૂર્યાંશ શેડગેને અને ફર્ગ્યુસનના સ્થાને ઝેવિયર બાર્ટલેટને ઇલેવનમાં સમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનો વિજય, ભાજપે 158 અને કોંગ્રેસ 18 બેઠક જીતી
અમદાવાદ કોપોરેશનના 26 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં 192 બેઠકમાંથી ભાજપે 158 બેઠક પર જીત મેળવીને કોર્પોરેશન સત્તા ટકાવી રાખી છે. જયારે કોંગ્રેસે 18 બેઠક પર જીત મેળવી છે. કુલ 192 બેઠકમાંથી 16 બેઠકનું પરિણામ હજુ બાકી છે. આ પરિણામમાં ભાજપ માટે મહત્વની એવી ખાડિયા બેઠક પર પ્રથમ વાર કોંગ્રેસની પેનલ વિજયી બની છે અને ભાજપની હાર થઇ છે.
સુરત કોર્પોરેશનમાં ભાજપ જીત તરફ અગ્રેસર 100 બેઠક મળી, આપને ફાળે 3 બેઠક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં 15 કોર્પોરેશન પણ યોજાયેલી ચૂંટણીઓના પરિણામ પર આવી રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં 27 વોર્ડના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને 100 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને 1 અને આપના ફાળે ત્રણ બેઠકો છે. જ્યારે ત્રણ વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અખિલેશ યાદવની સપાએ બે બેઠક પર જીત મેળવી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પણ અમુક બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોરબંદરની કુતિયાણા અને ખેડાની કઠલાલ બેઠક પર વિજય મેળવ્યો છે.
ગોધરા પ્રથમ વાર મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હિંદુ મહિલા અપેક્ષા સોનીએ જીત મેળવી
ગુજરાતમાં 26 એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેમાં ગોધરા શહેરમાં પ્રથમ વાર હિંદુ મહિલાએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગોધરાનો વોર્ડ નંબર 7 સંપૂર્ણ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. જેમાં એક પણ હિંદુ મતદાર નથી. તેમ છતાં અપેક્ષા સોની નામની હિંદુ મહિલાએ આ વિસ્તાર જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે.
અમદાવાદમાં કેસરીયો લહેરાયો: સાંજે ખાનપુર કાર્યાલયે ઉજવાશે જીતનો જશ્ન
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. શહેરના ખૂણેખૂણે ભાજપની પેનલનો વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા શહેરના ખાનપુર સ્થિત જૂના કાર્યાલય ખાતે આજે સાંજે 5.30 કલાકે એક વિશાળ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં અલ્પેશ કથીરિયાના પત્નીની જીત
સુરતના વોર્ડ નંબર 3 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન યથાવત રહ્યું છે. જેમાં વિજેતા ઉમેદવારો નીતા મકવાણા, કાવ્યા કથીરિયા, વિશાલ રાઠોડ અને સુરેશ ધામેલીયાએ જીત હાંસલ કરી છે. કાવ્યા કથીરિયા પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અને આપ છોડી ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ કથીરિયાના પત્ની જીત્યા છે.
રાજલ બારોટ અને ધીરુભાઈ સરવૈયાના દીકરાની જીત
લોધિકા જીલ્લા પંચાયતની સીટ ઉપર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાની જીત થઈ છે તેમજ ઉના પાલિકામાં મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટને પણ જીત મળી છે. તો બીજી તરફ લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર માયાભાઈ આહીરના પુત્રી સોનલબેન ડેરની કારમી હાર, તેની સામે શાંતિબેન ડેરની જીત થઈ છે.
કયા કલાકારોના સંતાનોની થઈ હાર જીત
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના જાણીતા કલાકારોના સંતાનોએ પણ ઝંપલાવ્યું હતું. લોધિકા જીલ્લા પંચાયતની સીટ ઉપર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા તથા ઉના પાલિકામાં મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટની જીત થઈ છે. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર માયાભાઈ આહીરના પુત્રી સોનલબેન ડેરની કારમી હાર થઈ છે.
ગેનીબેનના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે, જ્યારે થરાદ બેઠકમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. અસલી ચિત્ર તમામ સીટના પરિણામ જાહેર થયા બાદ સામે આવશે.
કોણ ક્યાં જીત્યું
* ભાવનગર મનપા વોર્ડ નંબર-7માં ભાજપની પેનલ વિજેતા
* જામજોધપુર તાલુકાના પંચાયત જામવાડી બેઠક પર ભાજપનો વિજ્ય
* તાલાલા નગરપાલિકા વોર્ડ નંબર-4માં ભાજપના ઉમેદવારોનો વિજય
* મોરબીની દેવચડી તાલુકા પંચાયતમાં ભાજપ ઉમેદવારનો વિજય
* ભેસાણ તાલુકા પંચાયતની છોડવડી બેઠક પર આમ આદમીની જીત
ગોંડલ ભાજપ માટે ગઢ યથાવત
ગોંડલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો ગઢ બની રહ્યો છે, તાલુકા પંચાયતની ચાર બેઠકો દેવચડી, ચરખડી, દડવા હમીરપરા અને આંબરડી બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. આપના નેતાઓની મહેનત ગોંડલ બેઠક પર ફળી નથી, જાયેરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયાની મહેનત સફળ થઈ રહી હોવાનું પ્રાથમિક ટ્રેન્ડમાં દેખાઈ રહ્યું છે.
મોરબી, તાલાલામાં અનેક બેઠકો પર ભાજપની જીત
હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રાથમિક ટ્રેન્ડમાં ભાજપને સારો પ્રતિસાદ મળ્યો છે. મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.5 અને વોર્ડ નં.10 માં ભાજપની પેનલનો વિજય થયો છે, જ્યારે તાલાલા નગરપાલીકા વોર્ડ નંબર 2માં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા, ધ્રાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય અને પાટડી નગરપાલિકા વોર્ડ નંબર 3 અને 4 માં પેનલનો વિજય થયો છે. જયારે ચોટીલા નગરપાલિકા વોર્ડમાં બ કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે.
સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ભાજપને જીત
સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર ભાજપને જીત મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી નગરપાલિકા વોર્ડ નં.-1માં ભાજપ પેનલનો વિજય થયો છે. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અમરાપુર-3 બેઠક પર AAPના ઉમેદવારનો વિજય, માણાવદર તાલુકા પંચાયતની કોઠારીયા બેઠક પર ભાજપનો વિજય તેમજ ધંધુસર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નં.-1માં ભાજપ પેનલનો વિજય થયો છે.
જંગલેશ્વરમાં ઉથલપાથલના સંકેત
તાજેતરમાં જ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો, જેનો આ ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે છે. જંગલેશ્વર વિસ્તારના વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલ હાલ આગળ ચાલી રહી છે. પ્રાથમિક ટ્રેન્ડમાં ભાજપના ચારેય કોર્પોરેટર પાછળ છે.
સૌરાષ્ટ્રમાં AAPની ક્યાં થઈ જીત
મેંદરડા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારની જીત. મેંદરડાની આલીદ્રા સીટ ઉપર આપના ઉમેદવારનો ભવ્ય વિજય, વિસાવદરના બરડીયા તાલુકા પંચાયત પર આપના ઉમેદવારનો વિજય. હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત. મોરબીની આમરણ જીલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવારની જીત. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામમાં ક્યાં કોણ જીત્યું
રાજ્યમાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. બાબરા નગરપાલિકા વોર્ડ નંબર 1 પેનલ ભાજપની પેનલ વિજેતા બની છે. બગસરામાં તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઈ છે. હળવદ તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે. ચોટીલામાં ન.પા. વોર્ડ-1માં ચાર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બરવાળા તાલુકા પંચાયતની કાપડીયાળી બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
મતગણતરી શરૂ થતાં સમયે જ કાર્યકરો બાખડ્યા!
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટની હોટ સીટ ગણાતી વોર્ડ 4ની ગણતરી શરૂ થઈ ગઈ છે. આ સમયે જ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ટક્કર થઈ હોવાના અહેવાલ મળ્યા હતા. આ સ્થિતિ વચ્ચે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પણ ગણતરી સ્થળે પહોંચ્યા હતા.