ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માંગો તે બ્રાન્ડનો દારૂ ગમે ત્યાં છૂટથી મળી રહે છે. આ દરમિયાન રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે રાજ્યની 4 અને 5 સ્ટાર હોટલોમાં લિકર પરમિટ શોપ (દારૂની દુકાન) માટે સીધી મંજૂરી આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. આગામી વર્ષોમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે હોટલોને પરમિટ શોપ ચલાવવાની મંજૂરી આપવામાં થતા વિલંબને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
3 સ્ટાર હોટલોમાં પણ અપાશે પરવાનગી
સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર આગામી સમયમાં 3 સ્ટાર હોટલોમાં પણ દારૂની દુકાનો માટેની પરવાનગી આપવાની નીતિને સરળ બનાવવાનું લક્ષ્ય છે. તેની સાથે, રાજ્યમાં લિકર શોપનું નેટવર્ક ઝડપથી વિસ્તરશે.
કોણે કરી હતી માંગ
સૂત્રો મુજબ, ગયા વર્ષે યોજાયેલી ચિંતન શિબિરમાં રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરતી વખતે, કેટલાક અધિકારીઓએ દરખાસ્ત કરી હતી કે સરકારે પ્રીમિયમ હોટલોમાં દારૂની દુકાનો સંબંધિત નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ. હોટલ એસોસિએશન પણ લાંબા સમયથી સરકાર હોટલોમાં પરમિટ શોપ માટે વધુ ઉદાર અભિગમ અપનાવે તેવી માંગ કરી રહ્યું હતું.
ક્યાં છૂટછાટ આપવા દરખાસ્ત
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં હોટલ શરૂ થયા પછી પરમિટ શોપ માટે મંજૂરી મેળવવામાં અઠવાડિયા કે તેથી વધુ સમય લાગતો હતો. આવી સ્થિતિમાં, ઘણી હોટલો ગ્રાહકોને આકર્ષી શકતી નહોતી. સરકારે થ્રી સ્ટાર કે તેથી નીચેની શ્રેણીની હોટલોને પણ કેસ-ટુ-કેસ ધોરણે પરમિટ આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, કચ્છ અને ટેન્ટ સિટી ધરાવતા સ્થળોએ પણ નશાબંધીના નિયમોમાં છૂટછાટ આપવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવો સ્થળો ચોક્કસ સીઝનમાં પ્રવાસીઓને આકર્ષતા હોવાથી રજૂઆત કરવામાં આવી છે.
વિધાનસભામાં સરકારે શું આપી હતી માહિતી
ફેબ્રુઆરીમાં સરકારે વિધાનસભામાં જાણ કરી હતી કે અમદાવાદમાં નવી લિકર પરમિટ માટેની અરજીઓમાં એક વર્ષમાં 227% નો વધારો થયો છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે 21 જાન્યુઆરી, 2024 થી 20 જાન્યુઆરી, 2025 વચ્ચે 292 નવી અરજીઓ આવી હતી. જ્યારે 1 જાન્યુઆરી, 2025 થી 20 જાન્યુઆરી, 2026 વચ્ચે આ સંખ્યા વધીને 956 થઈ હતી.
તાજેતરમાં પૂર્ણ થયેલા વિધાનસભા સત્ર દરમિયાન, સરકારે એ પણ માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 32 હોટલોને દારૂ વેચવા માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. દરમિયાન, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં પરમિટ શોપ પર દારૂના વેચાણથી છેલ્લા બે વર્ષમાં સરકારને રૂ. 116.39 કરોડની આવક થઈ છે.