દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વાનખેડેમાં હૈદરાબાદ બેકાબૂઃ હેડ-અભિષેકે ભેગા થઈને 11 સિક્સર ઝીંકી નાખી
મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 244 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે, પરંતુ ટ્રૅવિસ હેડ (આઠ સિક્સર, ચાર ફોરની મદદથી અણનમ 74) અને અભિષેક શર્મા (ત્રણ સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ 43)ની જોડી કેમેય કરીને અટકતી નથી. આ ઓપનિંગ જોડીએ ભેગા મળીને 11 સિક્સર ફટકારી દીધી છે અને આઠમી ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર 0/126 હતો. હેડ-અભિષેકની જોડી મુંબઈના રાયન રિકલ્ટન (123 અણનમ, પંચાવન બૉલ, આઠ સિક્સર, દસ ફોર)ની લડાયક સદીને નિષ્ફળ બનાવવાના હેતુથી (મુંબઈને પરાજય દેખાડવાના ઇરાદાથી) છ બોલરની બોલિંગમાં ધુલાઈ કરી છે. જોકે નવમી ઓવર કે જે સ્પિનર ગઝનફરે કરી હતી એના એક બૉલમાં અભિષેક તેના 45 રને બૅકવર્ડ પૉઇન્ટ પરથી દોડી આવેલા ટ્રેન્ટ બૉલ્ટને કૅચ આપી બેઠો હતો.

ઇરાન અને ભારતના વિદેશ મંત્રી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ સહિતના મુદ્દે ટેલિફોનિક ચર્ચા
મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અરાકચી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઇ હતી. આ અંગે મળતી માહિતી મુજબ બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક ઉર્જા પુરવઠો
હોર્મુઝ સ્ટ્રેટ સહિતના મુદ્દે વિગતચાર ચર્ચા થઇ હતી.
ચૅમ્પિયન્સ લીગની હાઇએસ્ટ સ્કોરિંગ સેમિમાં પીએસજી જીત્યું
પૅરિસમાં ચૅમ્પિયન્સ લીગની સેમિ ફાઇનલના ઇતિહાસમાં નવો ઇતિહાસ સર્જાયો હતો જેમાં પીએસજીએ કુલ નવ ગોલના થ્રિલરમાં બાયર્ન મ્યૂનિકને 5-4થી હરાવ્યું હતું. સેમિ ફાઇનલ રાઉન્ડનો આ પ્રથમ મુકાબલો હતો અને હજી બન્ને ટીમ વચ્ચે આવતા અઠવાડિયે બીજો સેમિ મુકાબલો પણ થશે. પીએસજી વતી ખ્વીચા તથા ડેમ્બેલેએ બે-બે ગોલ કર્યા હતા અને નેવીસે એક ગોલ કર્યો હતો.

રિકલ્ટન આ વખતે મુંબઈનો ત્રીજો સેન્ચુરિયન
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે ખૂબ નીચલા સ્તરે છે, પરંતુ એનો ઓપનર રાયન રિકલ્ટન આ વખતની આઇપીએલમાં સેન્ચુરી ફટકારનાર મુંબઈનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેની પહેલાં ક્વિન્ટન ડિકૉક અને તિલક વર્માએ સદી ફટકારી હતી. વાનખેડેમાં 16મી ઓવરને અંતે હૈદરાબાદ સામે મુંબઈનો સ્કોર ત્રણ વિકેટે 202 રન હતો. રિકલ્ટન સાત સિક્સર અને નવ ફોરની મદદથી 46 બૉલમાં બનાવેલા 105 રને રમી રહ્યો હતો. તેની સાથે કૅપ્ટન હાર્દિક 18 રને રમી રહ્યો હતો.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સરકારી સેવાઓ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત
ગુજરાત સરકારે શરૂ કરેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી 20 સરકારી સેવાઓ મેળવવા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકારી યોજનાઓના લાભ માત્ર પાત્રતા ધરાવતા અને સાચા લાભાર્થીઓને જ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. જેના લીધે આ સેવા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના લીધે ડુપ્લીકેશન અટકાવી શકાશે અને સમગ્ર વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે.
મુંબઈની આ વખતે પાંચમી ઓપનિંગ જોડી, શરૂઆત સારી થઈ
2016ની સાલ પછી (10 વર્ષ બાદ) પહેલી વખત મુંબઈ ઇન્ડિયન્સે એક સીઝનમાં પાંચમી ઓપનિંગ જોડી મેદાન પર ઊતારી. આ વખતે તમામ 10 ટીમમાં મુંબઈએ સૌથી વધુ બાવીસ ખેલાડીને અજમાવ્યા અને વાનખેડેમાં હૈદરાબાદ સામે યજમાન ટીમે સારી શરૂઆત કરી. આ વખતે પહેલી વખત રમનાર વિલ જૅક્સ (46 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને રાયન રિકલ્ટન વચ્ચે પહેલી વિકેટ માટે મોટી ભાગીદારી થઈ હતી. જૅક્સ આઉટ થયો એ પહેલાં તેણે રિકલ્ટન સાથે 93 રનની ભાગીદારી કરી હતી. આઠ ઓવરને અંતે મુંબઈનો સ્કોર 1/110 હતો અને રિકલ્ટન (56 નૉટઆઉટ, 24 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) સૂર્યકુમાર (પાંચ રન) સાથે દાવમાં હતો.

મુંબઈએ બૅટિંગ લીધીઃ રોહિત હજી નથી રમવાનો, ડિકૉક ઈજાને લીધે બહાર
વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રોહિત હજીયે અનફિટ હોવાને લીધે વધુ એકાદ-બે મૅચ નથી રમવાનો. ક્વિન્ટન ડિકૉક કાંડાની ઈજાને કારણે નથી રમવાનો અને ટીમમાં ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઉપરાંત રાયન રિકલ્ટન તથા રૉબિન મિન્ઝને સમાવવામાં આવ્યા છે. શાર્દુલ ઠાકુર અને ક્રિશ ભગતને ઇમ્પૅક્ટ પ્લેયર્સની યાદીમાં રાખવામાં આવ્યા છે. હૈદરાબાદે રિસ્ટ-સ્પિનર શિવાંગ કુમારના સ્થાને ફિંગર-સ્પિનર હર્ષ દુબેને ઇલેવનમાં સમાવ્યો છે.

એક્ઝિટ પોલનું અનુમાન પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ સરકાર બનાવશે
દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માં 824 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં 17 કરોડ મતદારોને મતદાન કર્યું છે.જેમાં અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ સરકાર બનાવશે.
સૌરવ કોઠારી વર્લ્ડ બિલિયર્ડ્સનું ટાઇટલ જીત્યો, સદગત પિતાને જીત અર્પણ કરી
મૂળ કોલકાતાના સૌરવ કોઠારીએ આયરલૅન્ડમાં રમાયેલી આઇબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપમાં ભારતના જ પંકજ અડવાણીને વન-સાઇડેડ ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીતી લીધું છે. કોઠારીએ અડવાણીને ત્રણ કલાક સુધી ચાલેલા નિર્ણાયક મુકાબલામાં 1133-477થી હરાવ્યો હતો. ખરેખર તો સૌરવ કોઠારીએ સતત બીજી વખત આ ટાઇટલ જીતી લીધું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયન મનોજ કોઠારીનું અવસાન થયું હતું. સૌરવ કોઠારી તેમનો પુત્ર છે અને સૌરવે ટાઇટલ જીત્યા પછી કહ્યું, `મેં મારા પિતાનું સપનું પૂરું કર્યું. હું આ ટાઇટલ તેમને અર્પણ કરું છું.'

દેશમાં ત્રણ માસમાં સોનાની માંગમાં સરેરાશ 10 ટકાનો વધારો, 151 ટનનું વેચાણ
દેશમાં સોનાની માંગ સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ જાન્યુઆરી થી માર્ચના ત્રણ માસ દરમિયાન સોનાની માંગ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 151 ટન પર પહોંચી છે. તેમજ સોનાના ભાવમાં વધારા પાછળ પણ સોનાની વધતી માંગ એક મુખ્ય કારણ છે. જોકે, સોનાના રોકાણની પેટર્ન બદલાઈ છે. જેમાં દાગીનાની તુલનામાં રોકાણ માટે સોનાની માંગમાં વધારો થયો છે
સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું સામાજિક સુધારાના નામે ધર્મના માળખાને નબળો ના પાડી શકાય
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, ઉત્તર ભારતમાં રહેતો આસ્થા ના ધરાવતો વ્યકિત કયા આધાર પર સબરીમાલા મંદિરમાં પ્રવેશનો દાવો કરી શકે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાજિક સુધારાના નામે ધર્મના મૂળભૂત માળખાને નબળો ના પાડી શકાય
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ફાલ્ટામાં ઇવીએમ મુદ્દે ભાજપની ફરિયાદ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં અનેક જગ્યાઓએ ઇવીએમને લઇને ફરિયાદ આવી રહી છે. જેમાં ડાયમંડ હાર્બર વિસ્તારના ફાલ્ટામાં ઇવીએમ પર ભાજપના વિકલ્પ પર ટેપ ચોંટાડવામાં આવી હોવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ નોંધાવી છે.જેની બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે જે જગ્યાએ આવી ગડબડી જોવા મળશે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે.
વડા પ્રધાન મોદી 11 મેના રોજ વડોદરા આવશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વડા પ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. રાજ્યમાં વિકાસકાર્યોની ગતિને વેગ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરામાં નવનિર્મિત સરદારધામનું ભવ્ય લોકાર્પણ કરશે. વડા પ્રધાનની આ મુલાકાત મધ્ય ગુજરાત માટે રાજકીય અને સામાજિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
સમાજવાદી પાર્ટી વિકાસ અને નારી વિરોધીઃ પીએમ મોદી
હરદોઈમાં ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે યુપીને ગંગા એક્સપ્રેસ-વેનું આ વરદાન મા ગંગાના આશીર્વાદ છે. આ ઉપરાંત તેમણે કહ્યું સમાજવાદી પાર્ટી વિકાસ વિરોધીઅને નારી વિરોધી પણ છે. યુપીએ સપા અને તેના સહયોગીઓથી સાવધાન રહેવાની જરૂર છે. આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન થયું
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન થયું છે. આ સાથે પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનના દિવસે તણાવનું વાતાવરણ જોવા મળ્યું છે. કેતુગ્રામના બિરુરી ગામમાં સ્થિત બૂથ નંબર 35 થી થોડે દૂર છ જીવતા બોમ્બ મળી આવ્યા હતા. જેથી સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.
સુરતમાં VGRC દરમિયાન મેંગો ફેસ્ટિવલ યોજાશે
સુરતમાં તા.૧ અને ૨ મે-૨૦૨૬ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ (VGRC) યોજાશે, જેના ભાગરૂપે રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. ૧ થી ૫ મે દરમિયાન ઓરો યુનિવર્સિટી, હજીરા રોડ ખાતે 'મેંગો ફેસ્ટિવલ' યોજાશે. જેમાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે ૪૦ થી ૫૦ ખેડૂતો પોતાની ઉત્તમ ગુણવત્તાની પ્રાકૃતિક કેરીનું પ્રદર્શન સહ વેચાણ કરશે. સુરતવાસીઓ ઓરો યુનિવર્સિટીના ડોમ નં.૩ માં ખેડૂતો પાસેથી સીધી જ કાર્બાઈડમુક્ત, શુદ્ધ, પ્રાકૃતિક અને સ્વાદિષ્ટ કેરી ખરીદી કરી શકશે.
રાજ્યમાં આવતીકાલે યોજાશે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય સ્વાગત તા. 30મી એપ્રિલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 30મી એપ્રિલના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્ય પ્રધાનના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
બંગાળમાં 11 વાગ્યા સુધીમાં 40 ટકાથી વધારે મતદાન થયું
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 40 ટકાથી વધારે મતદાન થયું છે. જેમાં સૌથી વધારે 44.50% મતદાન પૂર્વ બર્ધમાનમાં નોંધાયું છે. આ સાથે હુગલીમાં 43.12 ટકા, હાવડામાં 39.45 ટકા, નોર્થ કોલકાતામાં 38 ટકા, સાઉથ કોલકાતામાં 38 ટકા અને સાઉથ 24 પરગણામાં 27 ટકા મતદાન નોંધાયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિંમતનગરના જવાનગઢ પાટીયા પાસે અકસ્માતમાં 6 લોકોના મોત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા જવાનગઢ પાટીયા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક મિની બસે કારને જોરદાર ટક્કર મારતા સર્જાયેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
બંગાળમાં 9 વાગ્યા સુધીમાં 18.39 ટકા મતદાન થયું
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં 18.39 ટકા મતદાન થયું. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજા તબક્કામાં 7 જિલ્લાની 142 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળના 3 કરોડ અને 22 લાખ મતદારો 1448 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં બૂથ પર લાંબી લાઈનો
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ સવારે 5.30 વાગ્યાથી જ લોકો બૂથો પર પહોંચવા લાગ્યા હતા. ઘણી જગ્યાએ લાંબી લાઈન જોવા મળી રહી છે. રાજ્યની ચૂંટણીમાં આવો ટ્રેન્ડ પહેલીવાર જોવા મળી રહ્યો છે.