Fri Sep 04 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બ્રાઝિલનું તરતું સાંસ્કૃતિક કેન્દ્ર - એક્વાપ્રાકા

2026-08-08 09:23:00
Author: Hemant Wala
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બ્રાઝિલનું તરતું સાંસ્કૃતિક કેન્દ્ર - એક્વાપ્રાકા

હેમંત વાળા

માનવીને શરૂઆતથી જ પાણી પ્રત્યે અપાર આકર્ષણ રહ્યું છે. આમ તો હવા પછી પાણી જીવનનાં અસ્તિત્વ માટે બીજું સૌથી જરૂરી તત્ત્વ છે, પરંતુ તે ઉપરાંત પણ પાણી માનવીનાં જીવનમાં અન્ય ઘણાં પરિમાણો ઉમેરે છે. પાણીથી શાંતિ, ઉત્સાહ, તાજગી, પવિત્રતા, સ્વચ્છતા, નિર્મળતા, ઊર્જા, તલ્લીનતા, સુંદરતા તેમ જ રસિકતાની અનુભૂતિ પણ થઈ શકે. જીવન જરૂરિયાત માટે પાણી સુધી પહોંચવા માટે માનવીએ વિવિધ પ્રકારના બાંધકામનું સર્જન તો કર્યું જ છે પરંતુ સાથે સાથે પાણી સાથે સંકળાયેલી અન્ય બાબતોની અનુભૂતિ માટે પણ સ્થાપત્યમાં વિવિધ પ્રયોગો થયાં છે. 

બ્રાઝિલના બેલેમમાં એક્વાપ્રાકા નામનો આવો એક પ્રયોગ તેની ચોક્કસ વિશેષતાઓને કારણે ઉલ્લેખનીય છે. સ્થપતિ કાર્લો રાટ્ટી એસોસિએટી, હોવેલર યુન આર્કિટેક્ચર દ્વારા માત્ર 400 ચોરસ મીટરની તાજેતરમાં તૈયાર થયેલી આ રચના પાણીની અંદર એક મંચ પર આધારિત છે. તેની સાથે સંકળાયેલ ઉપયોગિતાના પ્રકારને કારણે તે `તરતાં સાંસ્કૃતિક મંચ' અર્થાત `ફ્લોટિગ કલ્ચરલ પ્લાઝા' તરીકે ઓળખાય છે. બ્રાઝિલમાં સીઓપી-30ની જે યુએન ક્લાઈમેટ ચેન્જની કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં આ નાની પણ સીમાચિહ્ન રચના બની રહી હતી. સ્થાપત્યમાં મહત્વ સ્થાપિત કરવા રચનાની વિશાળતા જરૂરી નથી.

એમેઝોન નદી પ્રણાલીમાં એક્વાપ્રાકાનો તરતો મંચ કુદરત સાથેની એક રસપ્રદ અને આકર્ષક સંપર્ક વ્યવસ્થા સ્થાપિત કરે છે. આ રચનાનું સ્થાન એમેઝોન નદી પ્રણાલી અને એટલાન્ટિક મહાસાગરના સંગમ પર હોવાથી અહીં મીઠાં અને ખારાં પાણી વચ્ચે એક પ્રકારનું સમીકરણ સ્થાપિત થાય છે. આ બંને પ્રકારનાં પાણી પરસ્પર અનુકૂળ થતાં થતાં પોતાની વિશેષતા પણ દર્શાવતાં રહેતાં હશે. 

સ્વાભાવિક રીતે આ મકાનની રચનાના પ્રકારની કારણે અહીં કુદરતી હવા અને પ્રકાશ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત હોય, કુદરતી દૃશ્યનો નજારો અદ્ભુત હોય, આંખને ઠંડક મળતી હોય, કાનને ઠંડી હવાના સુસવાટા સંભળાતા હોય, મન શાંતિ અને સંતોષની અનુભૂતિ કરતું હોય, કુદરત સાથે મુક્તપણે સંવાદ સ્થાપી શકાતો હોય, કુદરતની વિશાળતામાં મોકળાશ અનુભવાતી હોય અને સાથે કુદરતની મર્યાદાઓની સ્વીકૃતિ પણ હોય. અહીં કુદરતની વિશેષતાની જાળવણી સાથે માનવ સર્જનનું મહત્ત્વ સ્થાપિત થાય છે. એમ માની શકાય કે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પર્યાવરણ-લક્ષી ચર્ચા માટે એક યોગ્ય મંચ મળી રહે.

પાણીથી સૌથી નજીક પહોંચવાની અને છતાં પણ ભીના ન થવાની ચાહનું આ પરિણામ છે. કુદરત પ્રત્યેની સંવેદના માટેની આ એક નક્કર અભિવ્યક્તિ છે. પ્રકૃતિનાં અસ્તિત્વને સંપૂર્ણતામાં સ્વીકારીને નિર્માણ કરવાનો આ અભિગમ છે. કુદરત વચ્ચે માનવ-સર્જનની આ પ્રતિકાત્મક હાજરી છે અને કુદરતની વિશેષતાઓની સ્વીકૃતિ માટેની પ્રતિબદ્ધતા પણ છે. પ્રકૃતિ સાથેના સકારાત્મક સંવાદની આ અનેરી તક છે. 

એકંદરે એમ કહી શકાય કે આ કુદરત અને માનવીનાં સર્જનના સહ-અસ્તિત્વનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કુદરતના પડકારથી પ્રાપ્ત થતી રચનાત્મક સમૃદ્ધિનું આ સરળ અને સાદું સ્વરૂપ છે. આધુનિક સ્થાપત્યમાં જે `કઠોરતા' અને ગ્લેમર યુક્ત આડંબરનું મહત્ત્વ વર્તાય છે તેની સરખામણીમાં આ રચના સ્થાપત્યકીય લવચીકતા તેમજ કુદરત-સંરેખિત અભિગમની તરફેણ કરે છે. એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ રચના થકી કુદરત-પ્રતિભાવશીલ સ્થાપત્ય અનોખી રીતે વ્યાખ્યાયિત થાય છે.

સરળતાથી તરતો રહી શકે તેવો ફરસનો આકાર, વચ્ચે લંબચોરસ છેદવાળી પરવલયાકાર લોખંડની પાઇપના માળખાથી ટેકવાયેલી નીચેથી ગ્રીડ સમાન જણાતી પાતળી સપાટી જેવી છત, લગભગ 150 પ્રેક્ષકોની ક્ષમતાવાળી અનૌપચારીક જણાતી છતાં પણ ઔપચારિક બેઠક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાની વચમાં જળવાયેલો પાણી સાથેનો સંપર્ક, સરળ કહી શકાય તેવી રેલિંગ તથા પેરાપીટ, વિગતિકરણમાં રખાયેલી સાદગી તેમજ શાંતિની અનુભૂતિ કરાવતો સફેદ રંગ; આ રચનાના વર્ણન માટે આટલું કહી શકાય. એક અભિપ્રાય મુજબ અહીં કશું જ બિનજરૂરી કે વધારાનું નથી.

તેથી જ ક્યારેક એમ જણાય છે કે આ રચના ન્યૂનતમવાદી છે, પરંતુ તેને કારણે તેની પાછળ કરાયેલ ખર્ચની સરખામણીમાં તેની ઉપયોગિતા મર્યાદિત રહેતી હશે, પરંતુ જો કુદરત સાથેનું રસપ્રદ સાનિધ્ય પ્રાપ્ત થતું હોય તો આ માન્ય છે. એમ પણ જણાય છે કે અહીં જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેમાં પણ ખાસ કરીને સંગીતસભાના આયોજન વખતે ધ્વનિના પ્રસારણમાં તકનીકી પ્રશ્નો ઊભાં થતાં હશે. અહીંનો આવનજાવનનો માર્ગ પ્રમાણમાં સીમિત જણાય છે જેને કારણે ક્યારેક અકસ્માત થવાની સંભાવના બની રહે. આબોહવાના વિપરીત પરિબળો સામે અસરકારક રક્ષણ આપવા આ રચના નિષ્ફળ રહેશે તેમ જણાય છે. આ બધી બાબતોથી પણ આ રચનાનું મહત્ત્વ ઓછું નથી થતું.

એમેઝોન પ્રદેશની ભરતીની ગતિવિધિઓને કુદરતી રીતે અનુકૂલન રહેનાર એક્વાપ્રાકા નામનો એક તરતો જાહેર મંચ તેની આગવી રચનાને કારણે વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે. અહીં વધતાં પાણીનો પ્રતિકાર કરવાને બદલે, આ મંચ ભરતી સાથે ઉપર ઊઠે છે અને પછી પાછો નીચે આવી જાય છે. તક્નીકી રીતે એમ કહી શકાય કે રોજ બદલાતાં પાણીના સ્તર સાથે પણ સ્થિર રહેવા આ રચના સક્ષમ છે. પાણીના સ્તરનાં બદલાવને કારણે આ રચનાની અનુભૂતિમાં સતત જે નાટકીય બદલાવ આવતો રહેતો હશે તે મુલાકાતીઓ માટે આકર્ષણ બની રહે. તેને કારણે જ, એક અભિપ્રાય મુજબ આ પરિકથા જેવું સ્થાન છે. જે વ્યક્તિમાં હજુ બાળ-ભાવના જાગૃત છે એ વ્યક્તિને આ રચનાનું આકર્ષણ રહેવાનું.