Thu Mar 12 2026

Logo

સિનેમામાં સંબંધોની અદલાબદલી

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

શો-શરાબાઃ દિવ્યકાંત પંડ્યા

બોલિવૂડમાં કાસ્ટિંગ પાછળનું ગણિત મોટેભાગે પ્રેક્ષકોની પસંદગી પર આધારિત હોય છે. કોઈ જોડી હિટ જાય એટલે મેકર્સ તેમને વારંવાર પડદા પર લાવે છે. જોકે હિન્દી સિનેમામાં એક બહુ મજેદાર ટ્રેન્ડ છે, સંબંધોનું રિ-શફલિંગ એટલે કે, જે બે કલાકાર એક ફિલ્મમાં પ્રેમી તરીકે દેખાયા હોય, તે જ બીજી ફિલ્મમાં અચાનક ભાઈ-બહેન કે દુશ્મન બનીને સામે આવે. પ્રેક્ષકો માટે આ એક એવો અનુભવ છે જ્યાં તેમણે જૂની ફિલ્મ્સની યાદોને સાઈડમાં મૂકીને એ જ કલાકારોને નવા સંબંધોમાં સ્વીકારવાના હોય છે.

આ ટ્રેન્ડનું એક ઉદાહરણ એટલે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા. વર્ષ 2014માં ‘ગુંડે’ ફિલ્મમાં આ બંનેની કેમિસ્ટ્રી એકદમ હોટ અને રોમેન્ટિક હતી, પણ તેના બરાબર એક વર્ષ પછી ‘દિલ ધડકને દો’માં એ બન્ને આયેશા અને કબીર મહેરા તરીકે ભાઈ-બહેનની ભૂમિકામાં આવ્યા. જે જોડી માટે આપણે થોડા સમય પહેલા રોમેન્ટિક ગીતો ગાઈ રહ્યા હતા, તે જ જોડી હવે ભાઈ-બહેન તરીકે એકબીજાના સિક્રેટ્સ સાચવતી જોવા મળી. એટલું જ નહીં, એ જ વર્ષે ‘બાજીરાવ મસ્તાની’માં પ્રિયંકા રણવીરના પાત્ર બાજીરાવની પત્ની કાશીબાઈ બની. એક જ વર્ષમાં પ્રેમી, ભાઈ-બહેન અને પછી પતિ-પત્ની... આ લેવલની વેરાયટી કદાચ બોલિવૂડમાં જ શક્ય છે! 

જ્યારે રિયલ લાઈફ રિલેશનશિપ પડદા પર ઉલટાય છે ત્યારે મજા બમણી થઈ જાય છે. અમિતાભ અને અભિષેક બચ્ચન બાપ-દીકરો છે એ આખું જગત જાણે છે. ‘સરકાર’ જેવી ફિલ્મ્સમાં તેમણે એ જ સંબંધ નિભાવ્યો, પણ ‘બંટી ઔર બબલી’માં ગેમ બદલાઈ ગઈ. અભિષેક એક સ્માર્ટ ચોર હતો અને અમિતાભ તેની પાછળ હાથ ધોઈને પડેલા પોલીસ ઓફિસર. પિતા અને પુત્ર વચ્ચેની એ ‘કેચ મી ઇફ યુ કેન’વાળી રમત જોવાની ભારે મજા પડી હતી. આ રિલેશનશિપ એક્સપેરિમેન્ટનો પીક પોઈન્ટ તો ‘પા’ (2009) ફિલ્મ હતી, જ્યાં દીકરા અભિષેકે પિતા અમિતાભના પિતાની ભૂમિકા ભજવી હતી.

બચ્ચન પરિવારની વાત ચાલે છે તો જયા બચ્ચનની પણ વાત કરી લઈએ. 1972માં આવેલી ફિલ્મ ‘કોશિશ’માં સંજીવ કુમાર અને જયા બચ્ચને એક મધુર પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી, જેમના અભિનયના આજે પણ વખાણ થાય છે, પરંતુ તેના માત્ર ત્રણ વર્ષ પછી, જ્યારે ‘શોલે’ જેવી મહાકાય ફિલ્મ આવી, ત્યારે આખું ગણિત બદલાઈ ગયું. જે સંજીવ કુમાર પડદા પર જયાના પતિ બન્યા હતા, તે જ હવે ઠાકુર બનીને તેમના સસરાની ભૂમિકામાં હતા. એક યુવાન અભિનેતા માટે પોતાની જ હીરોઈનના સસરા બનવું એ તે સમયે બહુ મોટું જોખમ હતું, પણ પ્રેક્ષકોએ આ બંને પાત્રોને એટલા જ પ્રેમથી સ્વીકાર્યા.

બચ્ચન પરિવારમાં ઐશ્વર્યા પણ તો ખરી જ ને. તો શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડીએ વર્ષ 2000માં ‘જોશ’ ફિલ્મમાં જોડિયા ભાઈ-બહેન બનીને આખા ગોવાને માથે લીધું હતું. પણ એ જ વર્ષે ‘મોહબ્બતેં’માં તેઓ અમર પ્રેમી તરીકે દેખાયા. બે વર્ષ પછી ‘દેવદાસ’માં આ જોડીએ કરુણ પ્રેમની એવી મિસાલ આપી કે લોકો ભૂલી જ ગયા કે આ બંને ક્યારેય પડદા પર ભાઈ-બહેન પણ હતા. પ્રેક્ષકોની આ ઈમોશનલ રીસેટ કરવાની ક્ષમતા ખરેખર અદ્ભુત છે.

આવો જ એક મજેદાર બદલાવ કરીના કપૂર અને તુષાર કપૂરની જોડીમાં પણ જોવા મળ્યો હતો. કરીનાએ જ્યારે ‘મુઝે કુછ કહેના હૈ’થી કરિયરની શરૂઆત કરી ત્યારે તુષાર તેનો રોમેન્ટિક હીરો હતો. વર્ષો પછી જ્યારે ‘ગોલમાલ’ સિરીઝ શરૂ થઈ, ત્યારે આ રોમેન્ટિક જોડી એકાએક ભાઈ-બહેનમાં ફેરવાઈ ગઈ. કરીના ‘ગોલમાલ રિટન્સ’માં તુષારના પાત્ર લકીની બહેન બની હતી.

90ના દાયકાની શરૂઆતમાં સલમાન ખાન અને નીલમની જોડી ‘એક લડકા એક લડકી’ જેવી ફિલ્મમાં રોમેન્ટિક જોડી તરીકે જોવા મળી હતી. તે સમયે પ્રેક્ષકો તેમને પડદા પર પ્રેમી તરીકે જોતા હતા, પરંતુ જ્યારે સૂરજ બડજાત્યાની ફેમિલી ડ્રામા ‘હમ સાથ સાથ હૈ’(1999) આવી, ત્યારે આ રોમેન્ટિક ઇતિહાસ એકાએક ભૂંસાઈ ગયો. સલમાન ખાન પ્રેમની ભૂમિકામાં હતો અને નીલમ તેની બહેન બની હતી. 

સલમાનનું એવું જ તબુ સાથે પણ છે. ‘હમ સાથ સાથ હૈ’માં સલમાનની ભાભી બનતી તબુ વર્ષો પછી ‘જય હો’માં તેની બહેન બનીને દર્શકો સમક્ષ આવી હતી. કેરેક્ટર આર્ટિસ્ટના કિસ્સામાં પણ આવું જ જોવા મળે છે. પરેશ રાવલ ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’માં જુહી ચાવલાના અંકલ બન્યા હતાં. તો છેક 2022માં ‘શર્માજી નમકીન’ સુધી આવતા પરેશ રાવલ અને જુહી ચાવલા વચ્ચે એક પાકટ ઉંમરની સમજદારી અને મિત્રતા જોવા મળી.

ક્યારેક ફિલ્મનો જોનર આ બદલાવને બહુ આસાન બનાવી દે છે. જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ ‘દેશી બોયઝ’માં રોમેન્ટિક હતા, પણ ‘રેસ 2’ જેવી થ્રિલર ફિલ્મમાં તેઓ ભાઈ-બહેન બની ગયા. એવી જ રીતે ‘ઓમ શાંતિ ઓ’માં અર્જુન રામપાલ દીપિકાનો ખૂની પતિ હતો, જે ‘હાઉસફુલ’ જેવી કોમેડી ફિલ્મમાં એનો પઝેસિવ ભાઈ બની ગયો.  જ્યારે કોમેડી કે એક્શન હોય ત્યારે પ્રેક્ષકો પાછલી ફિલ્મ્સના રોમેન્ટિક ઇતિહાસને બહુ જલ્દી ભૂલી જાય છે. આમ મનોરંજન દેવની કૃપાથી સિનેમા કલાકારોને તેમની રેન્જ બતાવવાની તક આપે છે. આ રિશફલિંગ જ સાબિત કરે છે કે માત્ર પર્ફોર્મન્સ જ સત્ય છે. હજુ આવા કેટલાં દ્રષ્ટાંતો તમને યાદ આવે છે?                        
લાસ્ટ શોટ
‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પ્રિયંકા ચોપરાએ રણવીર સિંહ સામે આઈટમ સોન્ગ કર્યું હતું.