Fri Apr 17 2026

Logo

મીરા-ભાયંદરમાં આગ-સિલિન્ડર સ્ફોટ: બે સગીર સહિત ત્રણનાં મોત, ૫૦ વધુ ઝૂંપડા બળીને ખાખ

2026-04-11 18:21:18
Author: સપના દેસાઈ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:ભાયંદરમાં ઈન્દ્રલોક ફેઝ-ચારમાં રહેલા રિઝર્વ પ્લોટ પરની ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે રાતના ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બે સગીર સહિત ત્રણનાં મોત થયા હતા.  આગને કારણે ઝૂંપડપટટ્ટીમાં રહેલા એલપીજી સિલિન્ડરના ઉપરાઉપરી સ્ફોટ થયા હતા અને તેને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક અંદાજ મુજબ ૫૦થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

મીરા-ભાંયદર પાલિકાના ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ નવઘર વિસ્તારમાં આવેલી ઈન્દ્રલોક સ્લમ કોલોનીમાં શુક્રવારે રાતના ૮.૩૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અહીં મોટા પ્રમાણમાં કાચા ઝૂંપડા આવેલા હતા. આગની ચપેટમાં આ તમામ ઝૂંપડાઓ આવી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આકાશમાં કાળા ધુમાડા નજરે પડી રહ્યા હતા. 

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગમાં ૩૦થી ૩૫ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. ઝૂંપડાઓમાં અહીં એલપીજી સિલિન્ડર પણ અહીં હતા, તેમાં આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. લગભગ ૨૪ જેટલા એલપીજી સિલિન્ડ બહાર કાઢવામાં સફળતા મળી હતી. અન્યથા આગે હજી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત અને તેને કારણે નુકસાન વધુ થવાની સાથે જ આગને નિયંત્રણમાં લેવામાં પણ અડચણ આવવાની શકયતા હતી.

ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ભારે જહેમત બાદ લગભગ એક કલાકે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. જોકે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવામાં મોડી રાત થઈ ગઈ હતી. આગની ચપેટમાં ત્રણ લોકો આવી ગયા હતા,  મૃતકમાં ૧૪ વર્ષનો સુરજ લિયાકત અલી મંડલ અને ૧૫ વર્ષનો રોહિત રહેમત અલી મંડલનો સમાવેશ થાય છે. આ બંને ભાઈઓ પશ્ર્ચિમ બંગળના રહેવાસી હતા. તો ૪૬ વર્ષનો ગુડ્ડુ રામ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. ત્રણને મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાનું ફાયરબિગ્રેડે જણાવ્યું હતું. શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

સ્થાનિક રહેવાસીના કહેવા મુજબ ઈન્દ્રલોકના આ વિસ્તારમાં મોટાભાગના પરપ્રાંતીય મજૂરો હતો. પેટ ભરવા માટે અહીં કામ માટે આવેલા લોકો અહીં કાચા ઝૂંપડા બનાવીને રહેતા હતા. રાતના કામ પરથી પાછા ફર્યા બાદ જમવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આગની દુર્ઘટના બની હતી.
ફાયરબ્રિગેડની છ ગાડીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન આગ લાગ્યા બાદ આ પરિસરમાંથી ૨૪ એલપીજી સિલિન્ડર બહાર કાઢ્યા હતા, તે  તમામ ગેરકાયદે રીતે મેળવવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. એક તરફ દેશમાં સિલિન્ડરની અછત છે ત્યારે આટલી  મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે સિલિન્ડર અહીં રહેતા લોકોએ કયાંથી મેળવ્યા તેની તપાસ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.