Mon Apr 27 2026

Logo

ભાયંદરમાં મરાઠી નહીં બોલતા રિક્ષા ચાલકોના લાઇસન્સ રદ્દ થશે, જાણો હકીકત?

2026-04-04 17:56:29
Author: Mumbai Samachar Team
Article Image

ભાયંદર: રિક્ષા લાઇસન્સ મેળવ્યા પછી પણ જે રિક્ષા ચાલકોને મરાઠી બોલતા ન આવડતું હોય, તેમની ફરીથી ચકાસણી કરવાના આદેશ રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આરટીઓને આપ્યા છે, જેના કારણે મરાઠી ન આવડતું હોય તેવા રિક્ષા ચાલકોના લાઇસન્સ રદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં સરકાર દ્વારા રિક્ષા ચાલકોને લાઇસન્સ આપવામાં આવ્યા છે અને તેના આધારે જ ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરનાર નાગરિકોને જ આ લાઇસન્સ આપવામાં આવે છે. જોકે, થોડા દિવસો પહેલા જ મીરા ભાઈંદર, વસઈ-વિરાર, થાણે અને મુંબઈ જેવા શહેરોમાંથી નકલી દસ્તાવેજોના આધારે લાઇસન્સ મેળવ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. 

આ સંદર્ભમાં તમામ રિક્ષા લાઇસન્સની પુનઃચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને મહારાષ્ટ્ર પ્રાદેશિક પરિવહન વિભાગના અધિકારીઓને ૧ મે સુધીમાં આ અંગેનો અહેવાલ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ તપાસ દરમિયાન સંબંધિત રિક્ષા ચાલકને મરાઠી બોલતા આવડે છે કે નહીં, તેની પણ ખાતરી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં રિક્ષા ચાલકોને લાઇસન્સ આપતી વખતે મરાઠી ભાષા આવડવી એ એક અનિવાર્ય શરત છે. મુસાફરો સાથે સરળતાથી વાતચીત કરી શકાય તે માટે ચાલકોને પાયાની મરાઠીનું જ્ઞાન હોવું આવશ્યક માનવામાં આવે છે. સ્થાનિક ભાષાને પ્રાધાન્ય આપવાની નીતિ હેઠળ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.