મુંબઈ: નીટ-યુજીની ફેરપરીક્ષા રવિવારે થવાની હોવાથી વિદ્યાર્થીઓમાં ટેન્શન વધી ગયું હતું, પરંતુ બેસ્ટે વિદ્યાર્થીઓ માટે વધારાની બસની સગવડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. બેસ્ટ દ્વારા એસટીને બસો દોડાવવાની વિનંતી કરવામાં આવી હતી. રવિવારે મુંબઈમાં 63 પરીક્ષા કેન્દ્રો પર નીટની પરીક્ષા થવાની છે. પરીક્ષા માટે જનારા વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તે માટે 60 બસ દોડાવવામાં આવશે. સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન આ બસોની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું બેસ્ટે જણાવ્યું હતું.
બસ કોન્ટ્રાક્ટરોને પણ ‘મેસ્મા’ હેઠળ નોટિસ ફટકારાઈ
મુંબઈ: બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળમાં સામેલ થનારા કર્મચારીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસીસ મેઈન્ટેનન્સ ઍક્ટ (મેસ્મા) લગાવવાની ચીમકી આપવામાં આવી હતી. જોકે બેસ્ટ દ્વારા આ અંગે પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. બેસ્ટના જણાવ્યા મુજબ હડતાળમાં સહભાગી થનારાઓને શનિવારે ‘મેસ્મા’ હેઠળ નોટિસ બજાવવામાં આવી છે. એ સિવાય બસપુરવઠો કરનારા કોન્ટ્રાક્ટરોને પણ ‘મેસ્મા’ હેઠળ નોટિસ મોકલવામાં આવી છે.
અનુભવ સારા અને નરસા...
મુંબઈ: બેસ્ટની હડતાળને કારણે અમુકને સારા અનુભવ તો અનેકને નરસા અનુભવ થયા હોવાનું જણાયું હતું. પરેલની એમડી કૉલેજના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે રોજ ડોંગરીથી બસમાં કૉલેજ જાય છે, પરંતુ હડતાળને કારણે તેણે બાઈક ટૅક્સીનો ઉપયોગ કરવો પડ્યો હતો. સામાન્ય દિવસો કરતાં શનિવારે બાઈક ટૅક્સીના ચાર્જ વધુ હોવાનું અપેક્ષિત હતું. વિદ્યાર્થિનીઓના જૂથે કહ્યું હતું કે પરેલ રેલવે સ્ટેશનેથી ટૅક્સીની શોધમાં તેમણે ખાસ્સું ચાલવું પડ્યું હતું. તેમ છતાં ટૅક્સી મળવી મુશ્કેલ હતી.
જોકે અમુક નોકરિયાતોનું કહેવું હતું કે શુક્રવારની સરખામણીએ શનિવારે હાડમારી ઓછી હતી. હડતાળની જાણ હોવાથી પ્રવાસીઓએ નિયત સ્થાને પહોંચવા પગપાળા જવાનું પસંદ કર્યું હતું. બીજી બાજુ, લોકલ ટ્રેનો અને મેટ્રોમાં પણ શનિવારને કારણે પ્રવાસીઓની ભીડ ઓછી હતી. અનેક નોકરિયાતોને વર્ક ફ્રોમ હોમની પરવાનગી હતી.
થાણે નજીકના કલવામાં રહેતા ધર્મેશ તિવારીએ જણાવ્યું હતું કે દાદર સ્ટેશન બહાર ટૅક્સી માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. જોકે આભાર માનવો રહ્યો શૅર ટૅક્સી સેવાનો, જેને કારણે કેઈએમ હૉસ્પિટલથી દાદર પહોંચવામાં કોઈ સમસ્યા નડી નહોતી. (પીટીઆઈ)