Sun Aug 23 2026

Logo

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાનને બનાવ્યું 'મ્યુઝિયમ'

Dhaka   2026-08-05 17:58:12
Author: Mumbai Samachar Team
Article Image

ઢાકાઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ૨૦૨૪ના જન વિદ્રોહ અને શહીદોના બલિદાનને યાદગાર બનાવવા માટે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાન 'ગણભવન'ને 'જુલાઈ માસ અપ્રાઈઝિંગ મેમોરિયલ મ્યુઝિયમ' તરીકે ખુલ્લું મૂક્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે કડક સુરક્ષા વચ્ચે આજે 'જુલાઇ માસ અપરાઇઝિંગ મોમોરિયલ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંગ્રહાલય ૨૦૨૪ના માસ અપરાઇઝિંગ(જન વિદ્રોહ)ના ઇતિહાસને સાચવવા અને તેમાં શહીદ થયેલા લોકો અને લડવૈયાઓના બલિદાનને યાદ કરવા માટે બનાવવામાં આવ્યું છે.

દેશના વડા પ્રધાન તારિક રહમાને રાજધાનીના શેર-એ-બાંગ્લા નગરમાં સ્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના ભૂતપૂર્વ સત્તાવાર નિવાસસ્થાન ગણભવનને ઔપચારિક રીતે સંગ્રહાલયમાં રૂપાંતરિત કર્યા પછી મુલાકાતીઓ માટે ખુલ્લુ મૂક્યું હતું. અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા વિદ્રોહ વચ્ચે હસીના તેમનો દેશ છોડીને ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ભારત ભાગી આવ્યા હતા.

મ્યુઝિયમની તકતીનું અનાવરણ કરતાં રહેમાને એક સંક્ષિપ્ત ભાષણમાં જણાવ્યું કે ફાસીવાદ-વિરોધી ચળવળ દરમિયાન હત્યા કરનારાઓ પર કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરતાં પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. કાયદાનું શાસન સુનિશ્ચિત કરવા માટે દરેક ગુના માટે ન્યાય જરૂરી છે.

વડા પ્રધાને જાહેરાત કરી કે સરકારી સંસ્થાઓનું નામ બળવામાં મોતને ભેટેલા કાર્યકરો અને ૨૦૦૯થી હસીનાની અવામી લીગ શાસન દરમિયાન મૃત્યુ પામેલા લોકોના નામ પરથી રાખવામાં આવશે. 

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયના ફેબ્રુઆરી ૨૦૨૫ના અહેવાલ મુજબ ગત વર્ષે ૧૫ જુલાઇથી ૧૫ ઓગસ્ટ વચ્ચે ૧,૪૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા-જેને 'જુલાઇ વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે.

બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી બીએસએસના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ ૫ ઓગસ્ટને  'જુલાઇ વિદ્રોહ દિવસ' તરીકે ઉજવી રહ્યું છે. સરકાર, રાજકીય પક્ષો અને સામાજિક-સાંસ્કૃતિક સંગઠનો હસીનાના 'કુશાસન અને સરમુખત્યારશાહી' સામે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ સહિતના લોકોના બલિદાનને સન્માન આપવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

આ દરમિયાન બાંગ્લાદેશની સરકારે હસીના નવી દિલ્હીથી વર્ચ્યુઅલી જનતાને સંબોધિત કરવાના હોવાથી સમગ્ર દેશમાં સુરક્ષા વધારી દીધી છે. મીડિયા અહેવાલો અને વિશ્લેષકોના મતાનુસાર ગત મહિને હસીનાએ ડિસેમ્બર સુધીમાં વતન પાછા ફરવાની જાહેરાત કરી ત્યારથી બાંગ્લાદેશમાં અશાંતિનો માહોલ છે.