(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાવિ પત્નીના કથિત પ્રેમીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની બાન્દ્રામાં ભરબપોરે બનેલી ઘટનામાં ફરાર આરોપીને પોલીસે કોલકતાના ઍરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નીરજકુમાર બિલાસ ચૌધરી (31) તરીકે થઈ હતી. નીરજે તેના સાથીદારો સાથે બાન્દ્રા પૂર્વમાં અભિનવ કુમારની હત્યા કરી હોવાનું તપાસમાં જણાયું હતું.ખેરવાડી પોલીસના જણાવ્યા મુજબ નીરજનાં લગ્ન એક યુવતી સાથે નક્કી કરાયાં હતાં, પરંતુ એ યુવતી નીરજ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી. તપાસ કરતાં ભાવિ પત્નીને અભિનવ નામના યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ નીરજને થઈ હતી. આ વાતથી ગિન્નાયેલા નીરજે કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.
13 એપ્રિલની બપોરે અઢી વાગ્યાની આસપાસ નીરજે સાથીદારો સાથે અભિનવની મારપીટ કરી હતી. પછી ચાકુથી ઘા કરતાં અભિનવનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે ખેરવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આરોપીની શોધ માટે પોલીસની બે ટીમ બનાવવામાં આવી હતી, જેમાંથી એક ટીમ નાગપુર અને બીજી કોલકતા પહોંચી હતી. મુંબઈથી કોલકતા પહોંચવા દરમિયાન આરોપીએ ચારેક વખત ટ્રેન બદલી હતી, જેને પગલે તેનું ચોક્કસ ઠેકાણું મળતું નહોતું. આરોપી હાવડા સ્ટેશને ઊતર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે શોધી કાઢ્યું હતું કે આરોપી કોલકતાથી દિલ્હી જનારી ફ્લાઈટ પકડવાનો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ઍરપોર્ટ પર પોલીસે સીઆઈએસએફના જવાનો અને ઍરપોર્ટના અધિકારીઓની મદદથી મુખ્ય આરોપી નીરજને પકડી પાડ્યો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.