Sat Aug 22 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ બહાનાં કાઢવાની કળા

2026-08-06 09:06:00
Author: Pragya Vashi
Article Image

પ્રજ્ઞા વશી

બધા પાસે બહાનાં કાઢવાની કળા હસ્તગત નથી હોતી. આ કળા ઉપરાંત બહાનાં કાઢનારાથી બચવાની પણ એક કળા છે. આ બહાનેબાજોને માથા ઉપર શિંગડાં નથી હોતાં કે આપણને દૂરથી જ ખબર પડી જાય અને આપણે રસ્તો બદલી નાખીએ કે પછી ઘરનાં બારણાં બંધ કરી દઈએ.

બહાનેબાજો માત્ર આસપાસ-ચોપાસ જ નહીં, પણ ઘરની અંદર પણ હોય છે. કેટલાક બહાનેબાજો અઠંગ, શક્તિવાન તેમ જ એટલા નીડર હોય છે કે એમણે એમની એ કળાનો પરચો આપવા માટે મોટા વૈભવશાળી અને અબજોપતિને જ પકડવા પડે છે. ત્યાં તે  પોતાની આ કળા પૂર્ણ રીતે વિકસાવી શકે છે. નસીબ સારાં હોય તો ફાવી જાય, પણ એની ઠગાઈ પકડાઈ ગઈ તો પેપરના હેડિંગમાં એનો હાથકડીવાળો ગૌરવપૂર્ણ સુંદર ફોટો છપાતાં વાર લાગતી નથી. એ ઠગાઈનો કિસ્સો વરસો સુધી ભોળા લોકોને ચેતવવા માટે ઉદાહરણરૂપ બની રહે છે.

અમે પણ અત્યાર સુધી ચાર ઘર બદલ્યાં. એટલે દર વખતે અજીબોગરીબ પડોશીઓ સાથે પનારો પડ્યો છે. એક પડોશી તો મોટા ગજાના બહાનેબાજ હતા. એમના ઘરના બારે સભ્યો વંશપરંપરાગત બહાનેબાજ બનીને જ જન્મ્યા હતા. એ ઘરની બહેનો આસપાસના ઘરમાંથી અનેક વાર ચા, કૉફી, દૂધ, મરચાં, આદુ, બટાકા, કાંદા, મોટા તપેલા, કૂકરથી લઈ સોય-દોરા, છત્રી, શેતરંજી, પેપર, અખંડ આનંદ, જનકલ્યાણ સુધી જે જે વસ્તુ અમારા ઘરમાં નવી દેખાય કે તરત જ બે-ત્રણ દિવસમાં એ વસ્તુ માગવા આવે. 

માગીને લઈ જાય ત્યાં સુધી તો ઠીક છે, પણ પાછી એ વસ્તુ ઘરમાં લાવવા માટે આપણે માગણની જેમ વારંવાર માગણી કરવા છતાં એકાદ વરસે ક્યાં પાછી આવે, ક્યાં આપણે ભૂલી જઈએ કે એવી કોઈ વસ્તુ આપણા ઘરમાં હતી. આવો પરચો આખી સોસાયટીનાં તમામ ઘરનાને મળ્યો હતો એટલે જ્યારે એ બહાનેબાજ ફૅમિલીએ ઉચાળા ભર્યા ત્યારે સોસાયટીના રહીશોએ ‘હવે તો હાશ થઈ!’ એવી ફીલિંગને એન્જૉય કરવા એક પાર્ટી રાખી. એમનો સામાન ભરાઈને ગયો કે તરત બહેનોએ ભેગાં થઈને, થાય એટલી નિંદા કરીને ભીતર પડેલા ડૂમાઓ બહાર કાઢ્યા. કોને કોને કેટલો ચૂનો લગાવીને ગયાં એ સહુએ મોકળા મને વ્યક્ત કર્યો અને થોડા રિલેક્સ પણ થયા.

ગંગા ડોશી બોલ્યાં, ‘મારી વહુના ભોળપણનો લાભ ઉઠાવીને તે મારા ઘરનાં અડધા વાસણ અને કેટલુંય રાશન બહાનાં કાઢીને લઈ જતી. હું નાહવા બેસું કે પૂજામાં બેસું ત્યારે જ એ ચાર બટાકા, એક તપેલી લોટ, બે કોથળી દૂધ ઉછીનું લઈ જાય. પછી સામે મળે ત્યારે બહાનાં ઉપર બહાનાં બતાવે. જીવનમાં મેં ક્યારેય હાર સ્વીકારી નથી, પણ આ ઠગ પરિવાર સામે હું હારી ગઈ.’

બહાનાં બનાવવામાં અમારી કામવાળી પણ ક્યાં ઓછી છે. ‘અમારે તો હવે લીગલ ત્રણ રજા નક્કી થઈ ગઈ છે...’ એમ કહેતી ઘરમાં હાજર થતી.

‘તે કઈ સરકારે કાયદો બનાવ્યો?’ 
‘એ તો અમારા સેવકસંઘમાં નક્કી થયું છેને!’ 
‘કોણ છે પ્રમુખ?’ 

‘લે વળી હું પ્રમુખ, રઘલી મંત્રી અને એપાર્ટમેન્ટની બધી કામવાળી અમારા મંડળની સભ્ય છે... અમે પણ વ્હૉટ્સ ઍપ ગ્રૂપ બનાવ્યું છે. દરેકે ફરજિયાત ત્રણ રજા ભોગવવાની.’ 

એ ત્રણ રજા પછી ચોથી કાકીસાસુ ગુજરી જાય એની, પાંચમી હસબન્ડને ઍક્સિડન્ટ થયો અથવા નાનકાને બહુ તાવ આવ્યો એટલે કુલ ત્રણની જગ્યાએ પાંચ-છ રજા તો જુદાં જુદાં બહાનાં હેઠળ પાક્કી. વધારાની રજાના પૈસા કાપીએ તો કામ છોડીને બાજુમાં કામે લાગી જાય.

બાજુમાં જતી રહે એનો વાંધો નહીં, પણ આપણા ઘરનો આખો ઇતિહાસ અને આપણે ત્યાંના બધા મંથરા, રાવણ, શકુનિ, દુર્યોધન સમા આલેખાય એ વાત પણ નક્કી. બહાનાં કાઢતાં કાઢતાં એ ભૂલી જાય કે ગયે મહિને કાકીસાસુને મારી નાખી હતી, તો આ વખતે માસીસાસુને મારવાની છે. એ પણ આપણે યાદ કરાવવું પડે કે ગયે મહિને તો તેં કાકીસાસુને મારી હતી, શું એ ફરી જીવતી થઈ ગઈ હતી? એની પાસે બીજું બહાનું પણ તૈયાર જ હોય.. 

અરે એ તો મારા કાકા સસરાએ બે લગન કરેલાં. તે આ બીજા નંબરની ઊકલી ગઈ... હમજ્યાં? અમે કંઈ જૂઠું નથી બોલતાં. તમારે જોવે તો મારે ઘેરે આવજો. માછીવાડમાં જ મારું ઘર છે.’ 
હજી વધારે કંઈ પૂછીએ ને એ નવાં બહાનાં કાઢે તે પહેલાં અમે એમને નતમસ્તક થઈ ગયાં.

કેટલાકના પતિદેવો પણ મહાન બહાનેબાજ (અઠંગ ખેલાડી) હોય છે. આખી જિંદગી પત્નીને પ્રેમાળ શબ્દો દ્વારા ભોળવીને ઊંઘાડી રાખે છે અને મુંબઈને બીજે છેડે નોકરી કરતા રહીને બીજી પત્ની ઉપર પણ પોતાની કલાની ભૂરકી છાંટીને થોડે થોડે દિવસે જિંદગીનો સ્વાદ માણતા રહે છે.

ભૂલકણા પતિ કે પત્ની પણ રોજે રોજ નવાં બહાનાં શોધીને જીવન સમતોલ બનાવે જ છે.નિર્દોષ બહાનાં હોય તો ચલાવી પણ લેવાય, પરંતુ ઇશ્કમિજાજી પતિ ફ્લૅટની જુદી જુદી બારીના પડદા અમુક સમયે ખોલીને પડોશમાં રહેલા ચાંદને ગઝલો સંભળાવે કે ઇશારાઓ કરે ત્યારે નક્કી મહાભારત સર્જાય. 

એવું નથી કે પતિ જ દુનિયામાં બહાનેબાજ હોય છે, પત્નીઓ પણ હોય છે. પતિ ઑફિસે  જવા નીકળે કે મૅડમ પણ તરત શૉપિંગ કે કીટી પાર્ટી કરે અથવા પતિથી છુપાઈને તૂ તૂ મૈં મૈં અને ઇલુ ઇલુ કરી લે. સાંજ પડ્યે ઘરની વાત ઘરમાં અને ઘીના ઠામમાં ઘી પડી રહે ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, બાકી બહાનેબાજોની ચુંગાલમાંથી છૂટવું સહેલું તો નથી જ, ખરુંને?